ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા માટે કામકાજના ઉકેલો શોધવા શ્રી સંજય ધોત્રેએ હૅક ધ ક્રાઇસીસ – ઇન્ડિયા નામની ઑનલાઇન હૅકાથોનનો પ્રારંભ કર્યો


આ હૅકાથોનનો ઉદ્દેશ્ય કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત બનાવવાનો છે

Posted On: 03 APR 2020 7:46PM by PIB Ahmedabad

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, દૂરસંચાર અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શ્રી સંજય ધોત્રેએ આજે હૅક ધ ક્રાઇસીસ – ઇન્ડિયા નામની ઑનલાઇન હૅકાથોનનો પ્રારંભ કર્યો છે. કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા માટે કામકાજના ઉકેલો શોધવા માટે આ હૅકાથોન શરૂ કરવામાં આવી છે. આ હૅકાથોન એક વૈશ્વિક પહેલનો હિસ્સો છે અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના સહકારથી ‘હૅક અ કોઝ - ઇન્ડિયા’ તેમજ ‘Ficci મહિલા સંગઠન પૂણે’ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હૅકાથોનનો ઉદ્દેશ્ય કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત બનાવવાનો છે. કોરોનાના કારણે ઉભી થયેલી કટોકટી પર અમલમાં મૂકવા લાયક ટોચની સ્પર્ધક ટીમોના વિજેતા આઇડિયાથી ભારત અને વૈશ્વિક જનસમુદાયને મદદ મળવાની આશા છે.

આ પ્રસંગે શ્રી સંજય ધોત્રેએ જણાવ્યું હતું કે, આજે કોવિડ-19 બીમારીએ સમગ્ર દુનિયા અને ઉદ્યોગજગત સામે અભૂતપૂર્વ પડકારો ફેંક્યા છે. એક રાષ્ટ્ર તરીકે આપણે વ્યાવસાયિક વિક્ષેપ વચ્ચે અને રીમોટ વર્કિંગ (ઘરે બેઠા કામ)ના પરિદૃશ્યમાં આ પડકારો સામે લડવાની ચાલુ રાખીએ ત્યારે, સરકાર, ઉદ્યોગો અને વ્યક્તિગત લોકો સહિત તમામના માટે એ મહત્વપૂર્ણ છે કે આપણે વર્તમાન સ્થિતિમાં બહાર આવવા માટે તમામ શક્યતાઓ સાથે યોગદાન આપીએ અને માનવજાત તરીકે વધુ મજબૂત થઇને બેઠા થઇએ.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે તેમને દૃઢ વિશ્વાસ છે કે, આપણે આ પડકારમાંથી બહાર આવી શકીએ છીએ અને આપણે આવીશું અને એક દેશ તરીકે વધુ મજબૂત બનીને બેઠા થઇશું અને તે પછી વ્યાપક સ્તરે સમગ્ર માનવજાતને જીતવા માટે સહકાર આપીશું. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને જણાવ્યા અનુસાર મુશ્કેલીની વચ્ચે જ તકો છુપાયેલી હોય છે.

મંત્રી શ્રી સંજય ધોત્રેએ વધુમાં જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સમર્થ નેતૃત્વમાં ભારત સરકારે અન્ય સંખ્યાબંધ ઉત્સાહી સંગઠનો સાથે મળીને એવા સહાયક ઉકેલો અને આઇડિયા ઓળખવા માટે સંખ્યાબંધ પહેલ શરૂ કરી છે જે આપણી વર્તમાન પીડા ઘટાડી શકે અને ઝડપથી રીકવરીમાં યોગદાન આપી શકે.

દૂરસંચાર મંત્રીએ એક પ્રબળ પ્રતીતિ દર્શાવી હતી કે, સામાજિક અંતર હવે નવો માપદંડ બની ગયો છે તે યુગમાં, ડિજિટલ ઉકેલો અને ઉત્પાદનો માનવજાતને ફરી જોડશે અને આ રીતે વધુ ઊંડાણપૂર્વક આર્થિક રીકવરીમાં યોગદાન આપશે.

શ્રી સંજય ધોત્રેએ ભારપૂર્વક કહ્યું હતું કે, કોવિડ 19 મહામારી માટે કામકાજના ઉકેલો શોધવા ઑનલાઇન હૅકાથોન ‘હૅક ધ ક્રાઇસીસ - ઇન્ડિયા’નો પ્રારંભ કરાવવો એ તેમના માટે વિશેષ અધિકાર અને ખૂબ જ ગૌરવની બાબત છે. આ હૅકાથોન વૈશ્વિક પહેલનો હિસ્સો છે અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના સહકારથી ‘હૅક અ કોઝ - ઇન્ડિયા’ તેમજ ‘Ficci મહિલા સંગઠન પૂણે’ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી શ્રી સંજય ધોત્રેએ આ હૅકાથોન અંગે સમજાવતા કહ્યું હતું કે, કોવિડ 19 સામેની લડાઇ વધુ મજબૂત કરવા માટે આ હૅકાથોન યોજવામાં આવી છે. કોરોના વાયરની કટોકટી પર અમલમાં મૂકવા લાયક ટોચની સ્પર્ધક ટીમોના વિજેતા આઇડિયાથી ભારત અને વૈશ્વિક જનસમુદાયને મદદ મળવાની આશા છે.

શ્રી સંજય ધોત્રેએ વધુમાં કહ્યું હતું કે, 2000થી વધુ ટીમ અને 15000થી વધુ સ્પર્ધકો 48 કલાકની હૅકાથોનમાં તેમના વર્કિંગ પ્રોટોટાઇપ ઉન્નત કરી રહ્યા છે જેમાં ભારત, ઇસ્ટોનિયા અને ફિનલેન્ડ જેવા દેશોના નિષ્ણાતો તેમને માર્ગદર્શન પૂરું પાડી રહ્યાં છે. ભારતની ટોચની ટીમો આગામી અઠવાડિયાઓમાં શરૂ થનારી ‘હૅક ધ ક્રાઇસીસ - વર્લ્ડ’ નામની વૈશ્વિક હૅકાથોનમાં ભાગ લેશે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીએ ખાતરી આપી હતી કે, ભૂતકાળમાં માનવજાતે અનેક જોખમો સામે વિજય મેળવ્યો છે અને મને વિશ્વાસ છે કે આ સમયે કોવિડના જોખમને પણ આપણે સૌ એક થઇને તેને તકમાં રૂપાંતરિત કરીને તેમાંથી બહાર આવીશું. શ્રી સંજય ધોત્રેએ તમામ ટીમોને શુભેચ્છા પાઠવી હતી અને તેઓ વર્તમાન પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને નવીનતાપૂર્ણ ટેક ઉકેલો આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, દૂરસંચાર અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શ્રી સંજય ધોત્રેએ સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, ‘સૌને શુભેચ્છા અને સલામત રહો’.

RP

********


(Release ID: 1610848) Visitor Counter : 242