માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય હેઠળના નેશનલ બૂક ટ્રસ્ટ, ઈન્ડિયાએ કોવિડ-19ની માનસિક - સામાજિક અસર વિશે સમુદાયના અભિગમના મૂલ્યાંકન માટે ઓન-લાઈન પ્રશ્નોત્તરી પ્રકાશિત કરી

Posted On: 02 APR 2020 4:30PM by PIB Ahmedabad

કોવિડ-19 અને તેને પગલે લાદવામાં આવેલા લોકડાઉન સંબંધિત સમસ્યાઓ ઉકેલવા ભારત સરકારે અપનાવેલા બહુપરિમાણીય અભિગમને ચાલુ રાખવા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના નેજા હેઠળનું પુસ્તક પ્રકાશન અને પુસ્તક પ્રવર્તનની કામગીરી કરતું રાષ્ટ્રીય સ્તરનું એકમ નેશનલ બૂક ટ્રસ્ટ આ મહામારીની માનસિક - સામાજિક અસર અને તેનો સામનો કેવી રીતે કરવો, તે અંગે મનોવૈજ્ઞાનિકો અને પરામર્શકારોના અભ્યાસ જૂથની મદદથી સાત પુસ્તિકાઓ તૈયાર કરી રહ્યું છે. નેશનલ બૂક ટ્રસ્ટે તાજેતરમાં પોતાની કોરોના સ્ટડીઝની સીરીઝના ભાગરૂપે આ મહામારીની માનસિક - સામાજિક અસર વિશે સમુદાયના અભિગમના મૂલ્યાંકન કરવા માટે પ્રશ્નોત્તરી પ્રકાશિત કરી છે.

નેશનલ બૂક ટ્રસ્ટ (એનબીટી)નું સ્ટડી ગ્રુપ (પ્રતિષ્ઠિત મનોવૈજ્ઞાનિકો અને સલાહકારોનું જૂથ)એ કોવિડ-19 અને લોકડાઉનની માનસિક - સામાજિક અસર અને તેનો કેવી રીતે સામનો કરવો જોઈએ, તેના સાત વિભાગોમાં મૂલ્યાંકન માટેની પ્રશ્નોત્તરી હિન્દી અને અંગ્રેજી ભાષામાં બહાર પાડી છે. આ સાત વિભાગોમાં: 1. માતા-પિતા, માતા અને મહિલા, 2. બાળકો, કિશોર અને યુવા, 3. કર્મચારીઓ, વ્યાવસાયિકો, સ્વ-રોજગારી મેળવનાર અને કામદારો, 4. દિવ્યાંગ, 5. કોવિડ-19ગ્રસ્ત પરિવારો, 6. તબીબી અને આવશ્યક સેવાઓ પૂરી પાડનારા, 7. વરિષ્ઠ નાગરિકો (60 વર્ષ કે તેથી વધુ વય ધરાવનારા) સામેલ છે. આ પ્રશ્નોત્તરીનો જાહેર પ્રસાર કરવાનો હેતુ લોકડાઉનના ગાળામાં સમુદાયની ભાગીદારી અને લાગણીઓ વ્યક્ત કરવા માટે સહાયક વાતાવરણ પૂરું પાડવાનો છે.

વાચકો અને જાહેર જનતાને ઓનલાઈન પ્રશ્નોત્તરીના જવાબો આપીને ભાગ લેવા તેમજ પોતાની લાગણીઓ અને અનુભવો જણાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી આ અભ્યાસ સૌને ઉપયોગી નીવડે. કોરોનાની ચપેટમાં આવેલા પરિવારોને તેમાં ભાગ લેવા અને પોતાના પ્રત્યુત્તરો મોકલવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રશ્નોત્તરી મેળવવાની લિન્ક છે - https://nbtindia.gov.in/home__92__on-line-questionnaire-for-nbt-study.nbt.

એનબીટી સ્ટડી ગ્રુપમાં ડૉ. જિતેન્દ્ર નાગપાલ, ડૉ. હર્ષિતા, નિવૃત્ત સ્વોડ્રન લીડર મીના અરોરા, લેફ્ટનન્ટ કર્નલ તરુલ ઉપ્પલ, શ્રીમતી રેખા ચૌહાણ, શ્રીમતી સોની સિધુ અને કુમારી અપરાજિતા દીક્ષિત સામેલ છે. તેમણે આપેલા નિવેદન મુજબ, "વૈશ્વિક મહામારી કોવિડ-19ના સંકટના કસોટીભર્યા સમયે સ્ટડી ગ્રુપ પોતાને સોંપાયેલા કાર્યના પડકારો વિશે અમે ગંભીરપણે સભાન છે. આ ગ્રુપ સંશોધન, વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુઝ અને કેસ સ્ટડીઝ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સરળતાથી આત્મસાત વાચન સામગ્રીની સહાયથી પરિસ્થિતિનો સામનો કરવાની પદ્ધતિઓ અને વ્યવહારુ નુસખા વિકસાવશે, જે લોકડાઉન દરમ્યાન કેવી રીતે વ્યવહાર કરવો અને મહત્તમ ભાવનાત્મક તાકાત અને હિંમત જાળવી રાખવા માટે એકંદર સશક્તીકરણ અને જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે."

GP/RP



(Release ID: 1610414) Visitor Counter : 248