કૃષિ મંત્રાલય

કોરોનાવાયરસના પ્રસાર સંદર્ભમાં ખેડૂતો માટે રવિ પાક અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા

Posted On: 31 MAR 2020 5:41PM by PIB Ahmedabad

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) તરફથી રવિ પાકની લણણી અને દાણાં છૂટા પાડવાની પ્રક્રિયા (થ્રેશીંગ), પાક લીધા પછી સંગ્રહ અને માર્કેટીંગ અંગે કોરોનાવાયરસની જોખમના સંદર્ભમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

પાક લણવા અને દાણાં છૂટા પાડવા અંગેઃ

કોરોનાવાયરસના જોખમ વચ્ચે દેશમાં રવિ પાક લણવાનો સમય આવી પહોંચ્યો છે. આ પાક લણવા અને ખેત પેદાશોને બજારમાં લઈ જવાનું આવશ્યક છે ત્યારે કેટલીક કૃષિ પ્રક્રિયા સમયબદ્ધ રીતે કરવી જરૂરી બને છે. આમ છતાં, ખેડૂતોએ રોગનો પ્રસાર અટકે તે માટે કેટલીક સાવચેતીઓ અને સલામતીનાં પગલાં લેવાની જરૂર છે. કોરોનાવાયરસને અટકાવવા માટેના સરળ પગલામાં સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ) ની જાળવણી અને સલામતીનાં પગલાં લેવા માટેનું આવશ્યક બની રહે છે. જેમાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા ઉપરાંત સાબુથી હાથ ધોવાના, ફેસ માસ્ક પહેરવાનો, સુરક્ષાત્મક કપડાં પહેરવાના અને સફાઈનાં ઉપકરણો અને યંત્રો સ્વચ્છ રાખવાનો સમાવેશ થાય છે. ખેત કામદારોએ પણ સલામતીનાં પગલાં લેવા આવશ્યક છે અને ખેતીનાં કામકાજમાં દરેક તબક્કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું આવશ્યક બની રહે છે.

  • ઉત્તરનાં કેટલાંક રાજ્યોમાં કમ્બાઈન હાર્વેસ્ટર મારફતે ઘઉંનો પાક લણવાનો સમય પાકી ગયો છે. આ કારણે પાકની રાજ્યમાં અને આંતરરાજ્યમાં હેરફેર માટેની મંજૂરી આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં રિપેરીંગ, માવજત અને પાક લેવાની કામગીરીમાં સંકળાયેલા કામદારોની સલામતી માટેનાં પગલાં લેવામાં આવે તે આવશ્યક છે.
  • રાયડો એ બીજો મહત્વનો રવિ પાક છે. તેનું મેન્યુઅલ હાર્વેસ્ટીંગ પ્રગતિમાં છે. જ્યા પાક લણી લેવાયો છે ત્યાં દાણા છૂટા પાડવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
  • મસૂર, મકાઈ અને મરચાં લણવાનો સમય પણ ચાલી રહ્યો છે. ચણાનો પાક લણવાની સ્થિતિ પણ નજીક આવી રહી છે.
  • હાલમાં શેરડીનો પાક લણવાની પ્રક્રિયા ટોચ ઉપર છે અને ઉત્તર ભારતમાં તો તેના મેન્યુઅલ વાવેતરનો સમય પણ પાકી ગયો છે.
  • ખેતરમાં લેવાતા તમામ પાક, ફળ, શાકભાજી, ઈંડા અને મત્સ્ય પેદાશો લેવામાં તથા ખેતરના તમામ કામકાજ કરતાં પહેલાં અને પછી વ્યક્તિગત સ્વચ્છતા તથા સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ કરવાની આવશ્યકતા છે.
  • ખેતરમાં થતા પાક લણવાની કામગીરીમાં 4 થી 5 ફૂટનું અંતર રાખીને પટ્ટામાં ખેતી કરવી જરૂરી બને છે. તેમાં એક પટ્ટાની કામગીરી એક વ્યક્તિને સોંપી શકાય. આમ કરવાથી આ કામગીરી બજાવતા ખેત મજૂરો વચ્ચે પૂરતું અંતર જાળવી શકાશે.
  • ખેતીની તમામ કામગીરીમાં રોકાયેલા લોકો માટે માસ્કનો વપરાશ કરો અને યોગ્ય સમયના અંતરે આ તમામ લોકો હાથ ધોતા રહે તે અંગે ખાતરી રાખો.
  • આરામના સમયમાં તથા ભોજન લેતી વખતે પણ ત્રણથી ચાર ફૂટનું અંતર રાખો. આ ઉપરાંત પાક એકઠો કરવાના તબક્કે તથા લોડીંગ અને અપલોડીંગ વખતે પણ ખેત મજૂરો વચ્ચે અંતર જાળવવું જરૂરી બને છે.
  • ખેતીના કામકાજને અલગ અલગ વિભાગમાં વહેંચી નાંખો અને એક જ દિવસે વધુ સંખ્યામાં ખેત મજૂરોને કામ પર રાખવાનું ટાળો.
  • શક્ય હોય ત્યાં સુધી જાણકાર વ્યક્તિઓનો જ ઉપયોગ કરો અને ખેતીની પ્રવૃત્તિ દરમિયાન રોગનું વહન કરે તેવા શંકાસ્પદ વ્યક્તિનો પ્રવેશ ટાળો.
  • શક્ય હોય ત્યાં સુધી મેન્યુઅલ કામગીરીને બદલે મિકેનાઈઝ્ડ કામગીરીને અગ્રતા આપો. મશીનની સાથે માત્ર જરૂરી હોય તેટલી સંખ્યામાં જ વ્યક્તિઓને રહેવાની છૂટ આપો.
  • ખેતરમાં પ્રવેશ વખતે અને નિયમિત સમયના અંતરે તમામ યંત્રોને સેનિટાઈઝ કરો. પરિવહનના તમામ વાહનો, શણનાં કોથળા અથવા અન્ય પેકેજીંગ સામગ્રીને પણ સેનેટાઈઝ કરવી આવશ્યક છે.
  • ખેત પેદાશોને નાના ઢગલાઓમાં એકત્ર કરો અને દરેક ઢગલા વચ્ચે ત્રણથી ચાર ફૂટનું અંતર જાળવો. ખેતરમાં પ્રોસેસીંગની પ્રક્રિયા એક અથવા બે વ્યક્તિને સોંપો અને પાક એકત્ર કરવા માટે મજૂરો એકઠા થાય તેવી સ્થિતિ ટાળો.
  • મકાઈ અને મગફળીનો પાક લેતી વખતે યોગ્ય સેનિટેશન અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ખાસ કરીને મશીનો એકથી વધુ ખેડૂત જૂથો માટે વપરાતાં હોય ત્યારે આવું જરૂરી બને છે. મશીનના જે ભાગને અવાર-નવાર સ્પર્શ કરવામાં આવતો હોય તેને સાબુથી ધોવા આવશ્યક છે.

ખેત પેદાશનો પાક લીધા પછી સંગ્રહ અને માર્કેટીંગની પ્રક્રિયાઃ

  • પાક સૂકવવા માટે, થ્રેસીંગમાં, ક્લિનીંગ, ગ્રેડીંગ, સોર્ટીંગ અને પેકેજીંગની કામગીરી ખેતરમાં હાથ ધરાય ત્યારે સુરક્ષાત્મક માસ્ક પહેરવું આવશ્યક ગણાશે. તેનાથી દવાઓનો છંટકાવ અને રજકણોને કારણે શ્વાસમાં પેદા થતી મુશ્કેલી ટાળી શકાશે.
  • અનાજમાં બાજરી, જુવાર અને કઠોળ વગેરેનો ખેતરમાં કે ઘરમાં સંગ્રહ કરતી વખતે અગાઉની મોસમમાં ઉપયોગમાં લેવાયેલા શણના કોથળાઓનો ઉપયોગ કરશો નહીં. આવુ કરવાથી જીવાત પેદા થતી અટકાવી શકાશે. પ્રક્રિયા કરાયેલા અને લીમડાના 5 ટકા સોલ્યુશનમાં ડૂબાડીને સૂકવેલા કોથળાઓનો ઉપયોગ કરો.
  • ખેતરમાં શણની કોથળીઓમાં ખેત પેદાશોનો સંગ્રહ કરતી વખતે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને પૂરતી સંખ્યામાં કોલ્ડ સ્ટોરેજ/ગોડાઉન/વેરહાઉસ વગેરે નજીકમાં મળી રહે તો બહેતર ભાવ મેળવી શકાશે.
  • ખેત પેદાશોના લોડીંગ અને પરિવહન વખતે તથા ખેત પેદાશોનું માર્કેટયાર્ડમાં વેચાણ કરતી વખતે અથવા તો હરાજી દરમિયાન વ્યક્તિગત સલામતીના પૂરતાં પગલાં લેવા આવશ્યક છે.
  • જે ખેડૂતો બિયારણ પેદા કરે છે તેમને બિયારણની કંપનીઓને બીજનું પરિવહન કરતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા જોઈએ અને ચૂકવણી કરવામાં આવે ત્યારે સાવચેતીનું પાલન કરવાનું રહે છે.
  • બિયારણનું પ્રોસેસીંગ/ પેકેજીંગ પ્લાન્ટ અને બિયારણ પેદા કરાતા હોય તે રાજ્યમાંથી ખેતી થતી હોય તેવા રાજ્યોમાં પરિવહન દરમિયાન (દક્ષિણમાંથી ઉત્તરમાં લઈ જતા) ખરીફ પાક માટે આવશ્યક જથ્થો ઉપલબ્ધ રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉદાહરણ લઈએ તો લીલા ઘાસચારા માટે વપરાતા એસએસજી બિયારણનું ઉત્તર ભારતમાં એપ્રિલમાં વાવેતર કરવામાં આવે છે. આ બિયારણ દક્ષિણનાં રાજ્યોમાંથી આવે છે.
  • ટામેટાં, કોબીજ, પાંદડાવાળા શાકભાજી, કાકડી અને અન્ય શાકભાજીનાં માર્કેટીંગ અને પૂરવઠો પૂરો પાડતી વખતે સાવચેતી માટે ધ્યાન રાખવાનું રહેશે.

ઉભા પાક માટે દિશા-નિર્દેશ:

  • જ્યાં ઘઉંનો પાક લેવાય છે તે પ્રદેશોનું તાપમાન હાલમાં લાંબા ગાળાની સરેરાશ કરતાં નીચું છે. આ કારણે 10 એપ્રિલ પછી પણ ઘઉંનો 10 થી 15 દિવસ જેટલો મોડો પાક લઈ શકાય તેમ છે. આથી ખેડૂતો ઘઉંનો પાક લેવામાં 20 એપ્રિલ સુધી વિલંબ કરી શકે તેમ છે. આવુ કરવાથી નોંધપાત્ર નુકશાન થશે નહીં, તથા પાક એકત્ર કરવા માટે અને અન્ય પ્રક્રિયાઓ માટે પૂરતો સમય અને સાધનો ઉપલબ્ધ થશે.
  • દક્ષિણના રાજ્યોમાં રવિ ડાંગરને દાણા બેસવાનો સમય છે. આ પાકના ડૂંડા નમી જવાના કિસ્સા બનતા રહે છે. કોન્ટ્રાક્ટ સ્પ્રેયર/ ખેડૂતોએ પાકમાં ફૂગ ના થાય તે માટે દવાઓ છાંટવી જરૂરી છે.
  • ડાંગરનો પાક લણતી વખતે જો કમોસમી વરસાદ થાય તો બીજ ઉગી જતાં રોકવા માટે 5 ટકા મીઠુ ધરાવતું સોલ્યુશન છાંટી શકાય.
  • બાગાયતી ખેતીમાં ખાસ કરીને કેરી જેવી પેદાશો લેવાનો સમય છે. આ માટે થતી ખેતરની કામગીરીમાં પોષક દ્રવ્યોના છંટકાવ માટે તથા પાકની સુરક્ષા માટે પૂરતાં પગલાં લેવા જરૂરી છે. દવાઓના હેન્ડલીંગ, મિક્સીંગ, ડિલીવરી અને વોશીંગના સાધનો અંગે પૂરતી કાળજી લેવાની જરૂર છે.
  • ઉનાળામાં લેવાતા કઠોળની જાતોમાં સફેદ માખીનો ઉપદ્રવ નિયંત્રિત કરવા માટે સલામતીનાં યોગ્ય પગલાં લેવા જરૂરી બને છે. આવુ કરશો તો મોઝેઈક વાયરસની ઘટનાઓ રોકી શકાશે.

ખેડૂતો માટે લાગુ પડતા સરકારી દિશા-નિર્દેશો મુજબ કોરોનાવાયરસને કારણે હાથ ધરાયેલા લૉકડાઉનના ગાળા દરમિયાન નીચે મુજબની ખેતીની પ્રવૃત્તિઓ તથા સંલગ્ન પ્રવૃત્તિઓને લૉકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છેઃ

  1. પશુ દવાખાના
  2. કૃષિ પેદાશોનું એકત્રીકરણ તથા લઘુતમ ટેકાના ભાવની કામગીરીમાં સંકળાયેલી એજન્સીઓ.
  3. રાજ્ય સરકારોએ નોટિફાઈડ કરેલી અને મંડીઓ દ્વારા સંચાલિત ખેત પેદાશ બજાર સમિતિઓ
  4. ખેતરમાં ખેડૂતો અને ખેત મજૂરો દ્વારા થતી કામગીરી
  5. ફાર્મ મશીનરી સાથે સંકળાયેલા કસ્ટમ હાયરીંગ સેન્ટર
  6. ફર્ટિલાઈઝર, પેસ્ટીસાઈડ અને બિયારણના ઉત્પાદન અને પેકેજીંગ એકમો.
  7. પાક લણવાની તથા બિયારણ વાવવાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યમાં ઉપલબ્ધ તથા અન્ય રાજ્યોમાંથી આવતા કમ્બાઈન્ડ હાર્વેસ્ટર જેવા તથા અન્ય ખેતી અને બાગાયત માટેનાં ઉપકરણો.

આ બધી છૂટછાટ આપવાના કારણે ખેતી અને વાવેતરની કામગીરીમાં કોઈ અવરોધ આવશે નહીં અને ખેડૂતોને જરૂરી આવશ્યક પૂરવઠાની ખાતરી રહેશે અને લૉકડાઉન દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. ગૃહ મંત્રાલયે ભારત સરકારના 40-3/ 2020-ડીએમ-આઈ (એ) ના તા.24, 25 અને 27 માર્ચના રોજ લૉકડાઉન અંગે બહાર પાડવામાં આવેલી માર્ગરેખાઓ મુજબ મંત્રાલયો/ રાજ્ય સરકારના વિભાગો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અમલીકરણ માટેની માર્ગરેખાઓ જારી કરવામાં આવી છે. ઉપરની કલમો ઉપરાંત કલમ-2, 4, 5 અને 6 હેઠળ ભારત સરકારે કૃષિ મંત્રાલય અને ખેડૂતો માટે છૂટછાટો આપતી વિનંતીઓ મોકલાવી છે.

ભારત સરકારના અને વિભાગોના દિશા નિર્દેશો આધારિત રાજ્ય સરકારના વિભાગોએ પણ ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓની વિવિધ કામગીરી ચાલુ રાખવામાં સુગમતા રહે તે માટે અમલીકરણ બાબતે માર્ગરેખાઓ બહાર પાડી છે.

RP

* * * * *



(Release ID: 1609739) Visitor Counter : 213