રસાયણ અને ખાતર મંત્રાલય

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડાએ તેમના મંત્રાલય હેઠળનાં જાહેર ક્ષેત્રનાં એકમોને પોતાનાં સીએસઆર ભંડોળને કોરોના વાયરસ સામેની લડત માટે છૂટાં કરવા અનુરોધ કર્યો


મંત્રીશ્રી એ કર્મચારીઓને ઓછામાં ઓછુ એક દિવસનુ વેતન આપવા પણ અનુરોધ કર્યો

Posted On: 31 MAR 2020 11:41AM by PIB Ahmedabad

કોરોનાવાયરસ રોગચાળા સામેની લડત માટે તાકીદની ઉભી થયેલી જરૂરિયાતના સંદર્ભમાં કેન્દ્રના રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. ગૌડાએ પોતાના મંત્રાલય હેઠળનાં તમામ નફો કરતાં જાહેર ક્ષેત્રનાં એકમોને પોતાના કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી ફંડનો કેટલોક હિસ્સો પ્રધાનમંત્રીના સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન ફંડ (પીએમ કેર્સ) માટે ફાળવવા અનુરોધ કર્યો હતો.

જાહેર ક્ષેત્રનાં તમામ એકમોના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર્સને લખેલા એક પત્રમાં શ્રી ગૌડાએ જણાવ્યું છે કે ભારત સરકાર રોગચાળાને ફેલાતો અટકાવવા તમામ પગલાં લઈ રહી છે, પરંતુ આટલો મોટો વ્યાપ ધરાવતો રોગચાળો સમાજના તમામ વર્ગોના સંયુક્ત પ્રયાસો માગી લે છે, આથી હું આપ સૌને વિનંતિ કરૂ છું કે તમારા કૉર્પોરેટ સામાજિક જવાબદારીના બજેટની શક્ય તેટલી મહત્તમ રકમનુ પીએમ કેર્સ ફંડમાં યોગદાન આપવામાં આવે.

શ્રી ગૌડાએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારે કોરોના વાયરસ જેવા રોગચાળાને કારણે ઉભી થનાર કોઈ પણ વિપરીત અને તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પીએમ કેર્સ ફંડની સ્થાપના કરી છે અને કંપની બાબતોનુ મંત્રાલય એ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યુ છે કે આ ભંડોળમાં અપાનાર કોઈ પણ રકમનુ યોગદાન કંપનીઓના કાયદા 2013 હેઠળ કૉર્પોરેટ સામાજિક જવાબદારી ખર્ચ તરીકે માન્ય ગણવામાં આવશે.

આ ઉપરાંત શ્રી ગૌડાએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રનાં એકમો માટે ઉપર દર્શાવેલ ફંડમાં તેમનુ નાણાંકીય વર્ષ 2019- 20ના નહીં વપરાયેલા કૉર્પોરેટ સામાજિક જવાબદારી ભંડોળનો તાત્કાલિક ઉપયોગ કરવાની આ સારી તક છે. સમાન પ્રકારે કંપનીઓ પણ નાણાંકીય વર્ષ 2020-21 માટે એપ્રિલ, 2020થી આ ભંડોળમાં યોગદાન આપી શકશે.

કેન્દ્ર સરકારના આ મંત્રીએ જાહેર ક્ષેત્રનાં એકમોના તમામ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરોને વધુમાં પોતાના કર્મચારીઓને સ્વેચ્છાએ તેમના માસિક પગારનુ ઓછામાં ઓછુ એક દિવસનુ વેતન પણ પીએમ કેર્સ ફંડમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

શ્રી ગૌડા પોતાનુ એક માસનુ વેતન અને પોતાને સંસદ સભ્ય તરીકે મળતા ભંડોળમાંથી રૂ. 1 કરોડનુ પીએમ નેશનલ રિલિફ ફંડમાં યોગદાન આપી ચૂક્યા છે.

GP/RP

* * * * * * *



(Release ID: 1609537) Visitor Counter : 166