ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર, સરકાર લૉકડાઉનના સમયમાં તમામ વિસ્થાપિત શ્રમિકોને સંપૂર્ણ સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે: શ્રી અમિત શાહ


રાજ્ય સરકારોને ધોરીમાર્ગોની બાજુમાં રાહત શિબિરો શરૂ કરવાની સલાહ આપવામાં આવી જેથી વતન રાજ્યમાં પરત ફરી રહેલા વિસ્થાપિત શ્રમિકોને ભોજન અને આશ્રય મળી શકે

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન વિસ્થાપિત શ્રમિકો માટે રાહતના પગલાં લેવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળનો ઉપયોગ કરવાની સત્તા આપી

Posted On: 28 MAR 2020 5:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા નિર્દેશો અનુસાર, સરકાર લૉકડાઉનના સમયગાળા દરમિયાન દરેક વિસ્થાપિત શ્રમિકોને તમામ પ્રકારની સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે.

વિસ્થાપિત શ્રમિકોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવાના મોદી સરકારના આશય સાથે, કેન્દ્રીય ગૃહ સચિવે ફરી એકવાર તમામ રાજ્યોને પત્ર લખીને વિનંતી કરી હતી કે, લૉકડાઉનના સમયગાળા દરમિયાન પોતાના વતન રાજ્યમાં પરત ફરી રહેલા અથવા પરત જવાનો પ્રયાસ કરી રહેલા દરેક વિસ્થાપિત શ્રમિકો/યાત્રાળુઓ વગેરે માટે તાત્કાલિક રાહત શિબિરો ઉભી કરવામાં આવે. રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, સાર્વજનિક સંબોધન સિસ્ટમ્સ, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમજ સ્વયંસેવકો અને NGOની સેવાઓનો ઉપયોગ કરીને નીચે દર્શાવેલી બાબતો વિશે સચોટ માહિતી લોકો સુધી પહોંડાવા માટે પ્રચાર અને અને લોકજાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવે:

(i) રાહત શિબિરોનું સ્થળ અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની વિગતો,

(ii) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઉપલબ્ધ રાહત પેકેજ અને રાજ્ય સરકારના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવતા પગલાંની માહિતી.

રાજ્યોને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, ધોરીમાર્ગો પરથી પસાર થઇ રહેલા લોકો માટે ધોરીમાર્ગોની બાજુમાં તંબુમાં રહેવાની સુવિધા સહિતની રાહત શિબિરો ઉભી કરવામાં આવે જેથી આવા લોકો લૉકડાઉનના આદેશના અમલ દરમિયાન ત્યાં રોકાણ કરે તે સુનિશ્ચિત થઇ શકે. આશ્રય કેન્દ્રોનું આયોજન સામાજિક અંતર સહિતની વિવિધ સાવચેતીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તેમજ સાથે પૂરતા પ્રમાણમાં તબીબી તપાસની કામગીરી પણ કરવામાં આવશે જેથી શંકાસ્પદ કેસોને ઓળખી શકાય અને ક્વૉરેન્ટાઇનની જરૂર હોય તેમને અલગ રાખી શકાય અથવા હોસ્પિટલમાં દાખલ કરી શકાય.

વિસ્થાપિત શ્રમિકો માટે આવા રાહતના પગલાં લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળનો ઉપયોગ કરવાની સત્તા આપી છે. સમસ્યાનો સામનો કરવા માટે પગલાં હજુ પણ વધુ મજબૂત કરવામાં આવશે.

 

GP/DS



(Release ID: 1608874) Visitor Counter : 244