માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રસિદ્ધ ધારાવાહિક રામાયણ દૂરદર્શન નેશનલ ચેનલ પરથી પુનઃ પ્રસારિત કરાશે

Posted On: 27 MAR 2020 6:27PM by PIB Ahmedabad

દેશમાં હાલમાં વ્યાપેલા કોરોનાવાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ 21 દિવસ લૉકડાઉન દરમિયાન ઘરમાં બેઠેલા લોકોના હિતને અનુલક્ષીને માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ પ્રસાર ભારતીએ રામાનંદ સાગરની પ્રસિદ્ધ ધારાવાહિક રામાયણને 28મી માર્ચ, 2020, શનિવારથી દૂરદર્શન નેશનલ ચેનલ ઉપરથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે.

આ જાહેરાત કરતાં કેન્દ્રિય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે રામાયણનું પુનઃ પ્રસારણ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. પ્રસારણ દરરોજ બે ભાગમાં કરાશે. સવારે નવથી દસ તેમજ સાંજે નવથી દસ. સાંજે ધારાવાહિકનો નવો એપિસોડ પ્રસારિત કરાશે.

આ નિર્ણય ધારાવાહિકમાં લોકોના અસાધારણ રસ તેમજ તેના પુનઃપ્રસારણ માટેની લોકોની માગણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે. પ્રસાર ભારતીના સીઈઓ શ્રી શશી શેખર વેમ્પતિએ આ માટે રાત દિવસ કાર્યરત રહેલી દૂરદર્શનની ટીમને ધન્યવાદ આપ્યા હતા. શ્રી વેમ્પતિએ દૂરદર્શનને આ ધારાવાહિકનું કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવા બદલ સાગર પરિવારનો પણ આભાર માન્યો હતો.

કોવિડ-19 અંગે જાગરુકતા ફેલાવવા માટે પ્રસાર ભારતી વિશેષ પ્રયાસો કરી રહી છે. ન્યુ સર્વિસીઝ ડિવિઝન સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન તેમજ સાંજે 8 થી 9 વાગ્યા દરમ્યાન હિન્દી અને અંગ્રેજીમાં વિશેષ બુલેટિનો પ્રસારિત કરે છે. ડીડી ન્યુઝ અને ડીડી ઇન્ડિયા પર પણ અનેક વિશેષ કાર્યક્રમો પ્રસારિત થઈ રહ્યા છે.



(Release ID: 1608709) Visitor Counter : 243