રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ કોવિડ-19 અંગે પ્રતિભાવ બાબતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, લેફ્ટેનન્ટ ગવર્નર અને વહીવટી અધિકારી સાથે ચર્ચા કરી

Posted On: 27 MAR 2020 4:38PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ આજે (27 માર્ચ 2020) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, લેફ્ટેનન્ટ ગવર્નર અને વહીવટી અધિકારી સાથે ચર્ચા કરી હતી. કોવિડ-19 રોગચાળાના ઉપદ્રવના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પૂરક માર્ગો શોધવા બાબતે આ ચર્ચા યોજાઇ હતી.

રાષ્ટ્રપતિએ, સમાજની એકતાની તાકાતની પ્રશંસા સાથે બેઠકની શરૂઆત કરી હતી અને તમામ રાજ્યપાલ, LG અને વહીવટી અધિકારીને વિનંતી કરી હતી કે, આ બીમારીને વહેલામાં વહેલી તકે નિયંત્રણમાં લેવા માટે રેડ ક્રોસ સોસાયટીના સ્વયંસેવકો અને ધાર્મિક સંગઠનનોને સક્રિય કરવામાં આવે.

રાષ્ટ્રપતિ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ આશા વ્યક્ત કરી હતી કે, ભારતીય સમાજની જન્મજાત ખાસિયત “વહેંચવું અને સંભાળ લેવી” અને સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોના કારણે ખાસ કરીને બિનસંગઠિત ક્ષેત્રના કામકારો અને નિરાધાર લોકો સહિત સમાજના સૌથી નિઃસહાય સ્થિતિમાં મૂકાઇ ગયેલા વર્ગોની સમસ્યાઓ ડામી શકાશે. વીડિયો કોન્ફરન્સમાં 14 રાજ્યપાલ, દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નરે તેમના પ્રદેશોના અનુભવો જણાવ્યા હતા કારણ કે આ તમામ પ્રદેશો આ મહામારીના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે.

આ વીડિયો કોન્ફરન્સનું સંચાલન ઉપરાષ્ટ્રપતિએ કર્યું હતું અને દેશમાં લૉકડાઉનના અમલ દરમિયાન લોકોની કપરી સ્થિતિ દૂર કરવા માટે વિવિધ રાજ્યો દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીઓ તેમાં સામે આવી હતી.

રાજ્યોમાં કોવિડ-19ની સ્થિતિ, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે ખાસ કરીને લૉકડાઉન સહિતના પ્રયાસો અને આ પરિસ્થિતિના કારણે સર્જાઇ રહેલા નવા પડકારોનો સામનો કરવા માટેના પ્રયાસોમાં પૂરક કામગીરી તરીકે નિઃસહાય વર્ગ પર મુખ્ય ધ્યાન આપવા સાથે રેડ ક્રોસની ભૂમિકા અને સાર્વજનિક સમાજો/ સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

વીડિયો કોન્ફરન્સના પ્રારંભમાં આ મહામારીને નિયંત્રણમાં લેવા માટે મહારાષ્ટ્રના રાજ્ય વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ પર મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીએ પ્રકાશ પાડ્યો હતો. કેરળમાં લોકો સામાજિક અંતર જાળવી રાખે તે માટે સરકાર, સ્વૈચ્છિક સંગઠનો, તબીબી પ્રોફેશનલો, પેરામેડિકલ સ્ટાફ અને પોલીસ વિભાગ દ્વારા સંકલિત રીતે થતી કામગીરીની માહિતી કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને આપી હતી. તેમણે “યું હીં બેસબબ ના ફીરા કરો, કિસી શામ ઘર ભી રહા કરો” (કોઇ કારણ વગર ફરશો નહીં, ઘરે જ રહો) શાયરી કહીને સામાજિક અંતરના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 1800 નિવૃત્ત ડૉક્ટરો અને MBBSના વિદ્યાર્થીઓની યાદી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે જેથી જરૂરિયાતના સમયમાં તેમની સેવા લઇ શકાય. જેઓ ક્વૉરેન્ટાઇનમાં છે અને તેમના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે તેમને યોગ્ય સલાહસૂચન આપવા માટે 375 મનો-ચિકિત્સકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. કેરળનું આ એક નવીન પગલું છે જે અન્ય રાજ્યો માટે પણ અનુકરણીય માનવામાં આવે છે.

કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળાએ આ બીમારી સામે લડવા માટે સમાજની એકતાની શક્તિને બિરદાવી હતી. રાજ્યમાં રેડ ક્રોસ સોસાયટીના અંદાજે 8000 સ્વયંસેવકો આ બીમારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા છે. અક્ષયપાત્ર નામનું સામાજિક સંગઠન પણ આખા રાજ્યમાં લોકોને ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં સક્રીયપણે સામેલ છે.

હરિયાણાના રાજ્યપાલ શ્રી સત્યદેવ નારાયણ આર્યએ જણાવ્યું હતું કે, તમામ પડકારોનો સામનો કરવા માટે રાજ્ય સંપૂર્ણપણે સજ્જ છે. દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી અનિલ બૈજલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને અન્ય તમામ એજન્સીઓ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા અને છતાં પણ લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે એકદમ સંકલિત રીતે કામ કરે છે. તેમણે એ પણ ટાંક્યું હતું કે, ટોચના સ્તરે LG અને દિલ્હીના મુખ્યમંત્રી દરરોજ પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક થાય છે. જિલ્લા સ્તરે, DC અને DCP એકબીજાના સંકલનમાં રહીને લોકો માટે રાહતકાર્યની સુવિધાઓ ચલાવી રહ્યા છે અને સામાજિક અંતર વિશે લોકોને સમજાવી રહ્યા છે.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્વૉરેન્ટાઇન સુવિધાઓ વધારવામાં આવી રહી છે. મીડિયા દ્વારા સામાજિક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે જેથી લોકો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે પ્રેરાય. કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સરકાર, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર, સ્વૈચ્છિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા તેમના સંસાધનોનો ઉપયોગ કરવા માટે ગુજરાતની સહકારની ભાવના જાગી ઉઠી છે.

તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સમુદ્રરાજને માહિતી આપી હતી કે, રાજ્ય દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવે છે. તેમણે કહ્યું કે, લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે રાજ્યમાં સોશિયલ મીડિયાનો ખૂબ વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, રાજભવનની આસપાસમાં રહેતા અંદાજે 800 જરૂરિયાતમંદ પરિવારોને ભોજન આપવા માટે રાજભવન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. શ્રી એમ. વેંકૈયા નાયડૂએ તેલંગાણાના રાજ્યપાલને સૂચન આપ્યું હતું કે, લોકોમાં આ મહામારીની ગંભીરતા અંગે જાગૃતિ ફેલાવવા માટે તેઓ જાણીતા કલાકારો, ફિલ્મ સ્ટાર, લેખકો અને બૌદ્ધિકોની મદદ લઇ શકે છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધાંખરે માહિતી આપી હતી કે, રાજ્યની યુનિવર્સિટીઓને જરૂરિયાતના સમયમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર રાખવામાં આવી છે. વધુમાં, આ બીમારીની વિનાશકારી અસર અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેડ ક્રોસ દ્વારા તેમની પાસે ઉપલબ્ધ સંસાધનોની મર્યાદામાં જ ઉત્તમ કામગીરી કરવામાં આવે છે.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું હતું કે, રેડ ક્રોસ સોસાયટી રાજ્યમાં લોકોની મદદ માટે સતત કામ કરે છે. આદિજાતી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં લોકજાગૃતિ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બિહારના રાજ્યપાલ શ્રી ફાગૂ ચૌહાણે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે રાજ્યની સમીપતા અંગે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તેના કારણે આ બીમારી ફેલાવાનું રાજ્યમાં વધુ જોખમ છે. જોકે તેમણે, બિહાર સરકાર જે પ્રકારે કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે પ્રયાસો કરી રહી છે તે કામગીરીને બિરદાવી હતી. રાજ્યમાં રેડ ક્રોસ દ્વારા પણ તેમના સ્વયંસેવકોની મદદથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ થઇ રહ્યું છે અને તેમની એમ્બ્યુલન્સ જિલ્લા સત્તામંડળોને ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તામિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિતે માહિતી આપી હતી કે, બાંધકામમાં જોડાયેલા શ્રમિકોને ચોખા, દાળ વગેરે આપીને તેમનું ધ્યાન રાખવામાં આવે છે. વધુમાં, PDS હેઠળ આવતા તમામ ચોખા રેશન કાર્ડ ધારકોને રૂપિયા 1000ની રોકડ સહાય કરવામાં આવી છે. સબસિડીના દરે ભોજન પૂરું પાડવા માટે અમ્મા કેન્ટિનનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ તામિલનાડુના રાજ્યપાલને સલાહ આપી હતી કે, આ પ્રયાસોમાં કલાકારો, ખાનગીક્ષેત્રો અને ધાર્મિક અગ્રણીઓની પણ સલાહ લઇ શકાય.

મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી લાલજી ટંડને મધ્યપ્રદેશ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતા ઝડપી પ્રતિભાવની પ્રશંસા કરી હતી. રાજ્ય દ્વારા દૈનિક વેતનના કામદારોને અન્ન મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, રેડ ક્રોસ રાજ્યમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.

પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના વહીવટી અધિકારી શ્રી વી. પી. સિંહ બદનોરે માહિતી આપી હતી કે, ચંદીગઢમાં ફુડ પેકેટ્સનો પૂરવઠો પહોંચાડવામાં રેડ ક્રોસ મદદ કરી રહ્યું છે. કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારનો સામનો કરવા માટે પંજાબ અને ચંદીગઢ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રએ માહિતી આપી હતી કે, લોકો દાન આપી શકે તે માટે એક ભંડોળ ઉભું કરવામાં આવ્યું છે. તમામ સંસ્થાઓ આ પડકારનો સામનો કરવા માટે અને સામાજિક અંતર જાળવવા માટે યોગદાન આપી રહી છે અને લોકો દ્વારા પણ તેનો આગ્રહ રાખવામાં આવે છે.

દિલ્હીના LG અને ચંદીગઢના વહીવટી અધિકારી સહિત 15 રાજ્યપાલોને સમાવતી આ વીડિયો કોન્ફરન્સમાં તમામે પોતાના વિચારો રજૂ કર્યા હતા, રાષ્ટ્રપતિ કોવિંદે દરેકને વિનંતી કરી હતી કે, તેઓ નિયમિત ધોરણે રાજ્યની સરકારો સાથે પરિસ્થિતિની સમીક્ષા કરે અને પોતાના તરફથી એવી રીતે યોગદાન આપે જેથી કોરોના વાયરસ વિરુદ્ધ આ લડાઇને તાર્કિક રીતે ખતમ કરી. તેમણે એવું પણ કહ્યું હતું કે, આ અનુભવોના આધારે, જે પણ શ્રેષ્ઠ કામગીરીઓ હોય તેનું દેશના અન્ય ભાગોમાં પણ અનુકરણ થઇ શકે છે.

RP



(Release ID: 1608686) Visitor Counter : 202