સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને વ્યવસ્થાપન માટેના પગલાં અંગે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી

Posted On: 26 MAR 2020 7:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાં અને તૈયારીઓ અંગે આજે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો તેમજ આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.

આ વીડિયો કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, તામિલનાડુ, દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ઓડિશા, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, દાદરા અને નગર હવેલી, લદ્દાખ, મિઝોરમ, આંદામાન અને નિકોબાર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, છત્તીસગઢ વગેરેના મંત્રાલય, NCDC અને ICMRના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેરળના આરોગ્ય મંત્રી શ્રીમતી કે. કે. શૈલેજા વીડિયો કોન્ફરન્સના જોડાયા નહોતા, તેથી તેમની સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં સહભાગીઓને સંબોધતા ડૉ. હર્ષવર્ધને આ બીમારીના અસરકારક નિયંત્રણ માટે સામાજિક અંતરના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ભારતમાં આ બીમારીના સંક્રમણની સાંકળ તોડવા માટે તમામ સંભવિત નિયંત્રણ વ્યૂહરચનાઓનો અમલ કરવા અને વધુ ચાંપતી નજર રાખવાનું તમામ રાજ્યોને જણાવ્યું હતું. તેમણે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરી હતી કે, લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવે અને લોકોને જીવનજરૂરી સેવાઓ તેમજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે રાજ્યોમાં કોવિડ-19 માટે ખાસ હોસ્પિટલો ઉભી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડૉ. હર્ષવર્ધને પુષ્ટિ થયેલા કેસોની પ્રોટોકોલ અનુસાર સારવાર અને તમામ કેસોમાં સંપર્ક ટ્રેસિંગ સુનિશ્ચિત કરવા તેમજ તેનું ફોલોઅપ લેવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને છેલ્લા એક મહિનામાં ભારતમાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને અસરકારક સામુદાયિક દેખરેખની સલાહ આપી હતી. વધુમાં, તેમણે હોમ ક્વૉરેન્ટાઇનની રેન્ડમ ચકાસણી કરવાની અને ચૂક કરનારાઓ સામે પગલાં લેવાની પણ તમામને સલાહ આપી હતી.

વીડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ દરમિયાન, ડૉ. હર્ષવર્ધને રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 સામેની લડાઇમાં કામની ઉત્પાદકતા વધારવા માટે નિવૃત્ત ડૉક્ટરોનો સંપર્ક કરીને તેમને સ્વૈચ્છિક રીતે જોડાવા માટે વિનંતી કરવાની સલાહ આપી હતી. વધુમાં, રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, એમ્બ્યુલન્સના ડ્રાઇવરો, કૉલ સેન્ટરના કર્મચારીઓ અને EMRની ટીમના સભ્યોને પૂરતી તાલીમ આપવાનું રાજ્યો સુનિશ્ચિત કરે અને કોવિડ-19 પોર્ટલ પર જિલ્લા અનુસાર એમ્બ્યુલન્સની વિગતો અપડેટ કરે.

ડૉ. હર્ષવર્ધને રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્વાસ્થ્ય કામદારોના પરિવહનના મુદ્દાને પ્રાથમિકતાએ ધ્યાનમાં લેવાની વિનંતી કરી હતી જેથી મેડિકલ સુવિધાઓમાં ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્ય સ્ટાફની કોઇ અછત વર્તાય નહીં. તેમણે તમામને સલાહ આપી હતી કે, ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સામાન્ય પરિવહનની વ્યવસ્થા કરવામાં આવે. વધુમાં, તેમણે કોવિડ-19ના દર્દીઓની સંભાળ માટે AIIMSના પોર્ટલ સાથે અસરકારક સંકલન અને IMA તેમજ અન્ય નર્સો અને પેરામેડિક્સ સંગઠનો સાથે સક્રીય સંકલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

કોવિડ-19 સામેની લડાઇમાં દેશની સેવા કરી રહેલા ડૉક્ટરો/પેરામેડિક્સને કેટલાક ઘરમાલિકો તેમનું મકાન ખાલી કરવાનું કહી રહ્યા હોવાના તાજેતરમાં આવેલા કેટલાક અહેવાલો ટાંકતા તેમણે રાજ્યોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મુદ્દે નિર્દેશો બહાર પાડી ડૉક્ટરો, નર્સો તેમજ અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓને મકાન ખાલી ન કરાવવાની સૂચના આપવામાં આવે.

આરોગ્ય મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના ઉપદ્રવ સામે લડી રહેલા ડૉક્ટરો, પેરામેડિક્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સરકારે આજે રૂ. 50 લાખના વીમા કવચની જાહેરાત કરી છે. તેમણે રાજ્યોને સલાહ આપી હતી કે, તેઓ NHM અંતર્ગત મેડિકલ કોલેજોને કોવિડ-19 સંબંધિત ચીજવસ્તુઓની ખરીદી માટે ભંડોળ પૂરું પાડે.

તેમણે જણાવ્યું હતું કે, 21 દિવસના લૉકડાઉનના સમય દરમિયાન જીવન જરૂરિયાતની ચીજો, દવાઓ અને ઉપકરણોને પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે માટે ગૃહ મંત્રાલય અને અન્ય વિભાગો સહાયક અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જીવન જરૂરિયાતની તમામ ચીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય નિર્દેશો આપી દેવાયા છે. વધુમાં, તેમણે રાજ્યોને સલાહ આપી હતી કે, ફાર્મસીઓએ લોકોના ઘર સુધી દવાઓની ડિલિવરીની સુવિધા પૂરી પાડવી જોઇએ; આ સંબંધે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જેઓ ક્વૉરેન્ટાઇનમાં છે તેમના માનસિક સ્વાસ્થ્યની ખાતરી માટે ડૉ. હર્ષવર્ધને રાજ્યોને સલાહ આપી હતી કે, જેઓ પહેલાંથી ક્વૉરેન્ટાઇન (મનોચિકિત્સક)માં છે તેમના માટે એક હેલ્પલાઇન શરૂ કરવી જોઇએ. ટેલિમેડિસિન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી રહી છે તેમ જણાવતા તેમણે રાજ્યોને કહ્યું હતું કે, લોકોને ઘરે સલાહ આપવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા તેવા ડૉક્ટરોને ઓળખી કાઢવા જોઈએ.


(Release ID: 1608444) Visitor Counter : 258