પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને રશિયન સંઘના રાષ્ટ્રપતિએ ટેલીફોન પર વાત કરી

Posted On: 25 MAR 2020 10:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર વી પુતિન સાથે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિની ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ રશિયામાં રોગથી પીડિત તમામ લોકોની તબિયતમાં વહેલામાં વહેલી તકે સુધારો થાય એવી કામના વ્યક્ત કરી હતી અને આશા વ્યક્તિ કરી હતી કે, રાષ્ટ્રપતિ  પુતિનના નેતૃત્વમાં રોગ સામે લડવાના રશિયાના પ્રયાસોને સફળતા મળશે.

રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને કોવિડ-19 સામે લડવા ભારતે અપનાવેલા કડક પગલાંઓને સફળતા મળે એવી શુભેચ્છા પાઠવી હતી.

બંને નેતાઓ આ મોટી આંતરરાષ્ટ્રીય કટોકટીના તમામ પડકારોનું પર્યાપ્ત સમાધાન કરવામાં વધારે ચર્ચાવિચારણા કરવા અને સાથસહકાર આપવા સંમત થયા હતા, જેમાં સ્વાસ્થ્ય, તબીબી, વૈજ્ઞાનિક સંશોધન, માનવતા સાથે સંબંધિત બાબતો અને વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરે એવી બાબતો સામેલ છે. તેમણે કોવિડ-19 સામે એક થઈને લડવા આંતરરાષ્ટ્રીય સાથસહકારનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં જી20 માળખાની અંદર સાથસહકાર સામેલ છે.

પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સુખાકારી સુનિશ્ચિત કરવામાં રશિયન સત્તામંડળોના સાથસહકારની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રકારનો સાથસહકાર ભવિષ્યમાં જળવાઈ રહેશે. રાષ્ટ્રપતિ પુતિને આ સંબંધમાં તમામ મદદની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને જણાવ્યું હતું કે, ભારતીય ઑથોરિટી રશિયન નાગરિકોને જ્યારે જરૂર જણાશે ત્યારે રશિયા પરત ફરવાની વ્યવસ્થા કરશે અને એમનું સ્વાસ્થ્ય જાળવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. 

બંને નેતાઓ બંને દેશો વચ્ચે ગાઢ દ્વિપક્ષીય સંબંધોને જાળવવા અને એને વેગ આપવા પણ સંમત થયા હતા. તેમણે ભાર મૂક્યો હતો કે, તેઓ વર્ષ દરમિયાન પ્રત્યક્ષ ચર્ચા કરવા માટેની કેટલીક તકો ઝડપી લેવા આતુર છે.

 

RP


(Release ID: 1608344) Visitor Counter : 184