સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મંત્રીઓના સમૂહે કોવિડ-19 સંબંધે વર્તમાન સ્થિતિ, લેવામાં આવેલા પગલાં અને વ્યવસ્થાપનની સમીક્ષા કરી
ડૉ. હર્ષવર્ધને સામાજિક અંતર, હોમ ક્વૉરેન્ટાઇન પ્રોટોકોલ અને કોવિડ-19 સામેની લડતમાં સાથ આપી રહેલા ડૉક્ટરો / તબીબી સ્ટાફના ખાસ મહત્વ પર ભાર મુક્યો
Posted On:
25 MAR 2020 6:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે નિર્માણભવન ખાતે કોવિડ-19 સંબંધે મંત્રીઓના સમૂહની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપ એસ. પુરી, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાજ્ય ગૃહમંત્રી શ્રી નિત્યાનંદ રાય, જહાજ- રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબે તેમજ સંરક્ષણ સ્ટાફના વડા શ્રી બિપિન રાવત આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ સુશ્રી પ્રીતિ સુદાન, વિદેશ સચિવ શ્રી હર્ષવર્ધન શ્રીંગલા, DHR સચિવ અને ICMRના મહા નિદેશક ડૉ. બલરામ ભાર્ગવ, કાપડ સચિવ શ્રી રવિ કપૂર, વિશેષ આરોગ્ય સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક સચિવ (જહાજ) શ્રી સંજય બંદોપાધ્યાય, વિદેશ મંત્રાલયના અધિક સચિવ શ્રી દામુ રવિ, અધિક સચિવ (ગૃહ મંત્રાલય) શ્રી અનિલ મલિક, DGHS શ્રી રાજીવ ગર્ગ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી લવ અગ્રવાલ ઉપરાંત સૈન્ય, ITBP, ફાર્મા, DGCA અને કાપડ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મંત્રીઓના સમૂહે કોવિડ-19 પર નિયંત્રણ અને વ્યવસ્થાપન વિશે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીઓના સમૂહે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં, સુરક્ષાત્મક વ્યૂહરચના તરીકે સામાજિક અંતર જાળવી રાખવા માટે લેવામાં આવેલા પગલાંની વર્તમાન સ્થિતિ અને કોવિડ-19ને નિયંત્રણમાં રાખવા માટે રાજ્યો દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેલા કડક પગલાં અંગે પણ ચર્ચા કરી હતી. મંત્રીઓના સમૂહે રાજ્યોની ક્ષમતા વધુ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી, જે કોવિડ-19 માટે સમર્પિત હોસ્પિટલો તૈયાર કરવા, PPE, વેન્ટિલેટર્સ અને અન્ય આવશ્યક ઉપકરણો સાથે તબીબી સંસ્થાઓને સજ્જ કરવા માટે પૂરતા સંસાધનો પૂરા પાડવા જરૂરી છે. રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ જીવનજરૂરી સેવાઓ અને ચીજવસ્તુઓનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરે. આમાં હોસ્પિટલો, મેડિકલ દુકાનો અને દવાઓ, રસી, સેનિટાઇઝર્સ, માસ્ક અને તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં સંકળાયેલા એકમો પણ સામેલ છે. મંત્રીઓના સમૂહને એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ગુજરાત, આસામ, ઝારખંડ, રાજસ્થાન, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સમર્પિત હોસ્પિટલો તૈયાર કરવામાં આવી રહી છે. કોવિડ-19ના પરીક્ષણ માટે ICMR નેટવર્કમાં કુલ 118 લેબોરેટરી સમાવવામાં આવી છે. કેબિનેટ સચિવે પત્રો લખીને અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય સચિવો, આરોગ્ય સચિવો અને પોલીસ મહા નિદેશકોને લૉકડાઉનના પગલાંના અમલીકરણ અંગે સૂચનાઓ આપી હોવાની માહિતી પણ મંત્રીઓના સમૂહને આપવામાં આવી હતી.
કોવિડ-19થી સુરક્ષિત રહેવા માટે અને આ બીમારોનો ફેલાવો નિયંત્રિત કરવા માટે અસરકારક વ્યૂહનીતિ ગણાતા સામાજિક અંતરના મહત્વ પર પ્રકાશ પાડતા ડૉ. હર્ષવર્ધને ઘરમાં અને ક્વૉરેન્ટાઇન સુવિધામાં રહેલા તમામ લોકોને આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા પ્રોટોકોલ અનુસાર તેનું પાલન કરવાની તેમની અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો. આ પ્રોટોકોલ મંત્રાલયની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રીએ ગઇકાલે કરેલી જાહેરાત અનુસાર સમગ્ર દેશમાં અત્યારે લૉકડાઉન અમલમાં છે તેના ભાગરૂપે, આપણે આપણા ઘરમાં રહીને પણ સામાજિક અંતર જાળવી રાખવાનું સુનિશ્ચિત કરવું જોઇએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 21 માર્ચ 2020 સુધીમાં અન્ય દેશોમાંથી અંદાજે 64,000 લોકો ભારતમાં આવ્યા છે જેમાંથી 8,000 લોકોને વિવિધ ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં રાખવામાં આવ્યા છે જ્યારે 56,000 લોકો હોમ આઇસોલેશનમાં છે. તેમણે જણાવ્યું હતું કે, “આપણે એક ચેપી રોગ સામે લડી રહ્યાં છીએ. આપણી પોતાની જાતને અને અન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે, આપણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ પ્રોટોકોલ, માર્ગદર્શિકાઓ અને નિર્દેશોનું ચુસ્ત પાલન કરીએ તે અત્યંત આવશ્યક છે, અને જો આમ નહીં થાય તો IPCની ધારા 188 અંતર્ગત કાયદાકીય પગલાં લેવામાં આવશે.”
ડૉ. હર્ષવર્ધનએ પોતાની અપીલનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે, સ્વાસ્થ્ય કટોકટીની આ સ્થિતિમાં અગ્ર મોરચે રહીને લડી રહેલા અને આપણને કોવિડ-19થી બચાવવા માટે સેવા કરી રહેલા ડૉક્ટરો અને અન્ય તબીબી સ્ટાફની નિષ્ઠાને દરેક વ્યક્તિએ ક્યારેય ન ભૂલવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આપણે કોઇપણ અફવાઓ અને બિન-પ્રમાણિત માહિતીઓ ફેલાવવાથી દૂર રહેવું જોઇએ.
SD/DS/GP/RP
(Release ID: 1608152)
Visitor Counter : 250