પ્રધાનમંત્રીનું કાર્યાલય

જનઔષધી દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી જનઔષધી પરિયોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ

Posted On: 07 MAR 2020 5:00PM by PIB Ahmedabad

નમસ્કાર !!

ટેકનોલોજીના માધ્યમથી દેશભરના હજારો જનઔષધી કેન્દ્રો સાથે જોડાયેલ તમામ સાથીઓને હોળીની શુભેચ્છાઓ અને આપ સૌનું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અનેક કેન્દ્રોમાં મંત્રી મંડળના મારા તમામ સાથીઓ પણ ઉપસ્થિત છે. આપ સૌને બીજા જનઔષધી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

આજે અઠવાડીયાથી ઉજવવામાં આવી રહેલ જનઔષધી સપ્તાહનો પણ છેલ્લો દિવસ છે. આ પ્રશંસનીય પહેલની માટે પણ તમામ જનઔષધી કેન્દ્રોના સંચાલકોને ભારત સરકાર તરફથી, અને તેમાં સહયોગ આપનારા સૌને ખૂબ ખૂબ અભિનંદન !!

સાથીઓ,

જનઔષધી દિવસ એ માત્ર એક યોજનાની ઉજવણી કરવા માટેનો જ દિવસ નથી, પરંતુ તે એવા કરોડો ભારતીયો, લાખો પરિવારોની સાથે જોડાવાનો દિવસ છે કે જેમને આ યોજના દ્વારા ઘણી રાહત મળી છે, તેમના માધ્યમથી અન્ય લોકો સુધી પણ આ વાતનો વ્યાપક પ્રચાર કરવાનો પણ આ અવસર છે. જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ જરૂરથી ઉઠાવે. દરેક ભારતવાસીના સ્વાસ્થ્ય માટે અમે 4 સૂત્રો ઉપર કામ કરી રહ્યા છીએ.

પહેલું કે દરેક ભારતીયને બીમાર પડવાથી બચાવી શકાય.

બીજું, બીમારીની સ્થિતિમાં સસ્તો અને સારો ઈલાજ મળી રહે.

ત્રીજું, ઈલાજની માટે વધુ સારા અને આધુનિક દવાખાના હોય, પૂરતી સંખ્યામાં સારા ડોક્ટર અને મેડીકલ સ્ટાફ હોય, તે વાતની ખાતરી કરવામાં આવી રહી છે. અને,

ચોથું સૂત્ર છે, મિશન મોડ પર કામ કરીને પડકારોને ઉકેલવામાં આવે.

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના એટલે કે પીએમ-બીજેપી, આની જ એક મહત્વની કડી છે. તે દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી સસ્તો અને ઉત્તમ ઈલાજ પહોંચાડવાનો સંકલ્પ છે. મને ઘણો સંતોષ છે કે અત્યાર સુધી 6 હજારથી વધુ જનઔષધી કેન્દ્રો સંપૂર્ણ દેશમાં ખૂલી ચુક્યા છે. જેમ-જેમ આ નેટવર્ક વધી રહ્યું છે, તેમ-તેમ તેનો લાભ પણ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી રહ્યો છે. આજે દર મહીને એક કરોડથી વધુ પરિવાર આ કેન્દ્રોના માધ્યમથી ઘણી સસ્તી દવાઓનો લાભ લઇ રહ્યા છે.

જેમ કે તમે અનુભવ પણ કર્યો છે કે જનઔષધી કેન્દ્રો પર મળનારી દવાઓની કિંમત બજાર કરતા 50 ટકાથી લઈને 90 ટકા સુધી ઓછી હોય છે. કેન્સરની બીમારીના ઈલાજમાં ઉપયોગમાં આવનારી એક દવા જે બજારમાં લગભગ સાડા 6 હજાર રૂપિયાની મળે છે, તે જનઔષધી કેન્દ્રો પર માત્ર સાડા આઠસો રૂપિયામાં ઉપલબ્ધ છે. તેના વડે પહેલાની સરખામણીએ ઈલાજ પર ખર્ચ બહુ ઓછો થઇ રહ્યો છે.

મને જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના સાથીઓને પહેલા જે ખર્ચો થતો હતો દવા માટે અને હવે જે ખર્ચો થાય છે તે લગભગ લગભગ બે અઢી હજાર કરોડ રૂપિયા, આની બચત આ જે જનઔષધી કેન્દ્રો પરથી જે દવાઓ લીધી તેના કારણે થયો છે. આપણા દેશના એકાદ કરોડ પરિવારના બે અઢી હજાર કરોડ રૂપિયા બચવા એ પોતાનામાં જ તેમની એક બહુ મોટી મદદ છે. 2200 કરોડ રૂપિયાની બચત એ જનઔષધી કેન્દ્રોના કારણે થઇ છે.

સાથીઓ,

આજના આ કાર્યક્રમમાં જનઔષધી કેન્દ્ર ચલાવનારા સાથીઓ પણ જોડાયા છે. આપ સૌ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છો. તમારા આ કામને ઓળખ આપવા માટે સરકારે આ યોજના સાથે જોડાયેલા પુરસ્કારોની શરૂઆત કરવાનો પણ નિર્ણય કર્યો છે.

મને વિશ્વાસ છે કે આ પુરસ્કારો વડે જનઔષધીના ક્ષેત્રમાં એક નવી તંદુરસ્ત સ્પર્ધા શરુ થશે, જેનો લાભ ગરીબને, મધ્યમ વર્ગને મળવાનો છે. દેશને મળશે.

આવો, આજની ચર્ચા શરુ કરીએ છીએ-

મને જણાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા આસામના ગુવાહાટી જવાનું છે.

 

પ્રશ્ન: 1 પ્રધાનમંત્રીજી, મારું નામ અશોક કુમાર બેટાલા છે અને હું આસામના ગુવાહાટીથી છું. મારી ઉંમર 60 વર્ષ છે.

મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ છે, હું હૃદય રોગનો દર્દી પણ છું. 5 વર્ષ પહેલા મારી સર્જરી પણ થઇ ચુકી છે, ત્યારથી જ હું દવાઓ લઇ રહ્યો છું. છેલ્લા 10 મહિનામાં જનઔષધી કેન્દ્ર પરથી સતત દવાઓ લઇ રહ્યો છું.

જ્યારથી જનઔષધી કેન્દ્રો પરથી દવાઓ લેવાની શરુ કરી છે, ત્યારથી મારે 2500 રૂપિયાની બચત દર મહીને થઇ રહી છે. આ બચતના પૈસાનો ઉપયોગ હું મારી પૌત્રીના નામ પર સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં જમા કરાવવામાં કરી શકું છુ.

તમારો આવી યોજનાઓ માટે ખૂબ ખૂબ આભાર !!

તમે મારું ટેન્શન તો દૂર કરી દીધું છે પરંતુ આ જે કોરોના વાયરસનું ટેન્શન છે, તેને લઈને ઘણી વાતો ચાલી રહી છે. આ વાયરસથી બચવા માટે અમારે શું કરવું જોઈએ?

ઉત્તર: 1

પહેલા તો તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. જનઔષધીના લીધે તમારી જે બચત થઇ રહી છે, તેનો ઉપયોગ તમે તમારી પૌત્રીના વધુ સારા ભવિષ્ય માટે કરી રહ્યા છો. જ્યાં સુધી કોરોના વાયરસની વાત છે તો એ વાત સાચી છે કે ઘણા બધા લોકો તેના લીધે ઘણી ચિંતામાં છે.

હું સમજુ છું કે તેમાં તમારી અને અમારી સતર્કતા ખૂબ મહત્વની છે. પછી તે કેન્દ્ર સરકાર હોય અથવા અમારી તમામ રાજ્ય સરકારો હોય, બધા જ આ મામલાને લઈને યથા યોગ્ય વ્યવસ્થા અને સારસંભાળ રાખી રહ્યા છે. આપણી પાસે કુશળ ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ પણ છે, સંસાધનો પણ છે અને જાગૃત નાગરિકો પણ છે. આપણે બસ આપણી સાવચેતીઓમાં જરાય ઉણપ નથી આવવા દેવાની. આ સાવચેતીઓ કઈ કઈ છે, તે જુદા-જુદા માધ્યમો વડે તમને જણાવવામાં આવી રહ્યું છે. હું ફરીથી તમારી સામે કહી રહ્યો છું.

સાથીઓ,

એક તો આપણે કારણ વગર ક્યાંય ભેગા થવાનું ટાળવું પડશે અને બીજું આપણે વારે-વારે જેટલું શક્ય હોય તેટલું આપણા હાથ ધોતા રેહવું પડશે. આપણા ચહેરાને, આપણા નાક અને આપણા મોંઢાને અડવાની આપણી એક આદત હોય છે. જેટલું શક્ય હોય તેટલું આપણે આ આદતને કંટ્રોલ કરવાની છે અને ધોયેલા હાથે જ આપણા મોંઢાને અડવાનું છે. તજજ્ઞોનું કહેવું છે કે ઉધરસ ખાતી વખતે અથવા છીંક ખાતી વખતે જે છાંટા બહાર નીકળે છે, તેના સંપર્કમાં આવવાથી ફેલાય છે. એવામાં જે પણ વસ્તુ ઉપર આ છાંટા પડે છે, તેમાં આ વાયરસ કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે. એટલા માટે વારે-વારે સાબુથી હાથ ધોવા જરૂરી હોય છે. એક બીજી આદત આપણે જરૂરથી પાડવાની છે. જો ઉધરસ અથવા છીંક આપણને આવે છે તો પ્રયાસ એ જ કરવો જોઈએ કે બીજાઓની ઉપર તેના છાંટા ન પડે અને જે કપડું અથવા રૂમાલ આપણે છીંક ખાતી વખતે ઉપયોગમાં લીધો છે તેને પણ બીજાઓના સંપર્કમાં ન આવવા દઈએ.

સાથીઓ,

જે સાથીઓના આ ચેપ લાગ્યો છે તેમને તો જરૂરી દેખરેખમાં રાખવામાં આવી જ રહ્યા છે પરંતુ જો કોઈ સાથીને શંકા જાય છે કે તે કોઈ ચેપ લાગેલ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે તો તેણે વધુ ગભરાવાની જરૂર નથી. પોતાના મોંઢાને માસ્કથી ઢાંકીને અથવા કોઈ કપડાથી ઢાંકીને પહેલા કોઈ નજીકના દવાખાનામાં ચેક અપ કરાવવા માટે જતા રહો. પરિવારમાં જે અન્ય લોકો હોય છે તેમને પણ ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે, એવામાં તેમણે પણ જરૂરી ટેસ્ટ કરાવી લેવા જોઈએ. આવા સાથીઓએ માસ્ક પણ પહેરવું જોઈએ, હાથ મોજા પણ પહેરવા જોઈએ અને બીજા લોકોથી થોડું અંતર પણ રાખવું જોઈએ.

માસ્ક પહેરવાનું છે કે નથી પહેરવાનું, તે અંગે તજજ્ઞોના જુદા-જુદા અભિપ્રાય છે, પરંતુ ધ્યાન એ જ વાતનું રાખવાનું છે કે ઉધરસ ખાતી વખતે અથવા છીંક ખાતી વખતે તેના છાંટા કે ટીપા બીજાઓ ઉપર ન પડે. જોકે માસ્ક પહેરતી વખતે પણ એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. માસ્કને સરખું ગોઠવતી વખતે આપણો હાથ વારંવાર મોંઢાને અડે છે. તેના લીધે બચાવને બદલે ચેપ લાગવાનો ભય વધારે વધી જાય છે.

સાથીઓ,

એવા સમયમાં અફવાઓ પણ ઝડપથી ફેલાય છે. કોઈ કહે છે આ નથી ખાવાનું, તે નથી કરવાનું, કેટલાક લોકો ચાર નવી વસ્તુઓ લઈને આવી જશે કે આ ખાવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. આપણે આ અફવાઓથી પણ બચવું પડશે. જે પણ કરીએ આપણા ડોક્ટર પાસેથી સલાહ લઇને કરીએ. અને હા, આખી દુનિયા નમસ્તેની આદત પાડી રહી છે. જો કોઈ કારણસર આપણે આ આદત છોડી દીધી છે, તો હાથ મિલાવવાને બદલે આ આદતને ફરીથી પાડવા માટેનો પણ આ યોગ્ય સમય છે.

મોદીજીને સાદર પ્રણામ, સર મારું નામ મુકેશ અગ્રવાલ છે, હું દહેરાદૂનમાં અનેક જનઔષધી કેન્દ્રોનું સંચાલન કરું છું અને આ પ્રેરણા મને એટલા માટે મળી છે કે અહિયાં આગળ કેટલાક દર્દીઓ એવા હતા જેઓ દયનીય સ્થિતિમાં હતા. હું તેમની મદદ કરવા માંગતો હતો પરંતુ મોંઘી દવાઓના હોવાના કારણે હું તેમને સહમત નહોતો થઇ શકતો. ત્યારે આ જનઔષધી કેન્દ્રોની જાણકારી મળી. માનનીય મુખ્યમંત્રીજી સાથે અમારો સહયોગ છે તો પછી અમે આની માટે પ્રયાસ કર્યો. અમે ચેરીટેબલ પ્રયાસ ટ્રસ્ટ બનાવ્યું અને અમે લોકોને મફત દવાઓ પણ આપી છે. સસ્તી દવાઓને અમે ડિસ્પ્લે કરીએ છીએ.

પ્રશ્ન: 2 નમસ્કાર પ્રધાનમંત્રીજી !!

મારું નામ દીપા શાહ છે. હું દહેરાદૂન ઉત્તરાખંડથી છું. મારી ઉંમર 65 વર્ષ છે.

મને 2011માં પેરાલિસીસ થયો હતો. ત્યારથી જ હું દવાઓ લઇ રહી છું. પરંતુ 2015થી હું જનઔષધી કેન્દ્રોમાંથી દવાઓ લઇ રહી છું. મારા પતિ પણ દિવ્યાંગ છે. એવામાં દર મહીને હું પહેલાની સરખામણીએ અમારો ખર્ચ ૩૦૦૦ રૂપિયા ઓછો થયો છે. મારો અનુભવ છે કે આ દવાઓ સસ્તી પણ છે અને સારી ગુણવત્તાની પણ છે. પહેલા વાત કરવામાં અને હરવા ફરવામાં મને બહુ તકલીફ પડતી હતી, હવે તેમાં ઘણો સુધારો થયો છે. પરંતુ લોકોમાં હજુ પણ જેનરિક દવાઓને લઇને કેટલાક ભ્રમ છે. આવા ભ્રમને દૂર કરવા માટે શું કરવામાં આવે?

ઉત્તર: 2

તમે સાચું કહ્યું કે જેનરિક દવાઓને લઈને અફવાઓ ફેલાવવામાં આવે છે. જૂના અનુભવોના આધાર પર કેટલાક લોકોને એવું પણ લાગે છે કે આખરે આટલી સસ્તી દવા કઈ રીતે હોઈ શકે, ક્યાંક તેમાં કો ખોટ તો નથી ને. ક્યાંક રંગીન ગોળીઓ બનાવીને તો કોઈ નથી આપી રહ્યું ને, એવા ભ્રમ ફેલાવવામાં આવે છે. પરંતુ દીપાજી તમને જોઈને સમગ્ર દેશવાસીઓને વિશ્વાસ બેસશે કે જેનરિક દવાઓની તાકાત શું હોય છે. આજે તમે સાબિતી સાથે તેને રજૂ કર્યું છે. હું સમજુ છું કે કોઈ પ્રયોગશાળા કરતા વધુ મોટો દીપાજી તમારો અનુભવ છે.

આવા તમામ સાથીઓને હું જણાવી દઉં કે આ દવાઓ દુનિયાભરના બજારમાં ઉપલબ્ધ કોઇપણ દવા કરતા જરાય ઉતરતી નથી. આ દવાઓ સર્વશ્રેષ્ઠ પ્રયોગશાળાઓ દ્વારા પ્રમાણિત હોય છે, દરેક પ્રકારની કડક તપાસમાંથી પસાર થયેલ દવા નિર્માતાઓ પાસેથી ખરીદવામાં આવે છે. જો કોઈ દવા નિર્માતા વિરુદ્ધ ફરિયાદો આવે છે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે.

આ દવાઓ ભારતમાં જ બને છે એટલા માટે સસ્તી છે. ભારતમાં બનેલી જેનરિક દવાઓની આખી દુનિયામાં માંગ છે. સરકારે દરેક દવાખાના માટે જેનરિક દવાઓ લખવી જરૂરી કરી દીધી છે. કેટલીક ખાસ પરિસ્થિતિઓ સિવાય ડોક્ટર જેનરિક દવાઓ જ લખે એ બાબતની ખાતરી કરવી જરૂરી છે. મારુ આપ સૌ લાભાર્થીઓને પણ નિવેદન રહેશે કે તમારા અનુભવોને વધુમાં વધુ લોકો સુધી વહેંચો. તેનાથી જનઔષધીનો લાભ વધુમાં વધુ દર્દીઓ સુધી પહોંચી શકશે.

પ્રશ્ન: ૩ નમસ્કાર પ્રધાનમંત્રીજી !!

હું  ઝેબા ખાન છું. હું પુણેથી છું. મારી ઉંમર 41 વર્ષ છે.

હું કીડનીની દર્દી છું અને જનઔષધી કેન્દ્રની દવાઓ વડે મને ઈલાજમાં ઘણી મદદ મળી રહી છે.

છેલ્લા 6 મહિનાથી હું જનઔષધી કેન્દ્ર ઉપરથી દવા લઇ રહી છું. પહેલાની સરખામણીએ મને 14-15 સો રૂપિયા દર મહીને ઓછા ખર્ચ કરવા પડી રહ્યા છે. આ જેટલા પણ પૈસા હું બચાવી શકું છું તેનાથી મારી ત્રણ દીકરીઓના ભણતરમાં ઘણી મદદ મળી રહે છે.

જનઔષધી કેન્દ્રો માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે દવાઓ સસ્તી કરી, સ્ટેન્ટ પણ ઘણા સસ્તા કર્યા, 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની પણ ખાતરી કરી. યોગ અને આયુર્વેદને લઈને પણ તમે હંમેશા વાતો કરતા રહો છો.

હવે તમારી પાસેથી ગરીબ અને મધ્યમ વર્ગની અપેક્ષાઓ વધારે વધી ગઈ છે. કરોડો લોકોની અપેક્ષાઓના દબાણને તમે કઈ રીતે પહોંચી વળો છો?

ઉત્તર: ૩

સૌથી પહેલા તો હું તમારા સારા સ્વાસ્થ્યની કામના કરું છું. તમારી દીકરીઓના વધુ સારા ભવિષ્ય માટે પણ શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે તમે જરૂરથી આ દવાઓથી જે લાભ તમને થયો છે, બે પ્રકારના લાભ થયા છે, એક તો તમે સૌથી વધુ મોંઘી અને કષ્ટદાયક સ્થિતિમાંથી નીકળ્યા છો અને તેની માટે ઓછામાં ઓછી તમને મદદ મળી ગઈ. અને આ વ્યવસ્થા હોવાના કારણે હવે તમને દવાઓ સસ્તી મળી છે, ડાયાલિસીસની સુવિધા પણ મળી છે. અને તમે તમારા પરિવારની પણ સારી દેખરેખ રાખી રહ્યા છો. હું સમજુ છું કે જ્યારે સરકારની કોઈ યોજના આખા પરિવારનું હિત કરે છે, સંપૂર્ણ સમાજનું હિત કરે છે તો તે પોતાનામાં જ આશીર્વાદનું કારણ બને છે.

જુઓ, જ્યારે તમારી જેવા દેશના કરોડો સાથીઓના જીવનમાં આવનાર પરિવર્તન વિષે સાંભળું છું તો પ્રેશર માટે કોઈ જગ્યા જ નથી રહેતી. હું અપેક્ષાને દબાણ નથી સમજતો પરંતુ પ્રોત્સાહન માનું છું.

દેશના ગરીબને, મધ્યમ વર્ગને એ વિશ્વાસ થયો છે કે તેમની સરકાર તેમને ઉત્તમ, સસ્તો અને સુલભ ઈલાજ આપવામાં લાગેલી છે. તેનાથી અપેક્ષા જેટલી વધી છે, તેટલા જ અમારા પ્રયાસો પણ વ્યાપક બની રહ્યા છે.

હવે જુઓ, લગભગ લગભગ 90 લાખ ગરીબ દર્દીઓને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઈલાજ મળી ચુક્યો છે. પ્રધાનમંત્રી ડાયાલિસીસ કાર્યક્રમ અંતર્ગત 6 લાખથી વધુનું મફતમાં ડાયાલિસીસ કરવામાં આવી ચુક્યું છે.

એટલું જ નહી, એક હજારથી વધુ જરૂરી દવાઓની કિંમત નિયંત્રિત થવાથી દર્દીઓના 12,500 કરોડ રૂપિયા બચ્યા છે. સ્ટેન્ટ અને ની-ઇમ્પ્લાન્ટની કિંમત ઓછી થવાથી લાખો દર્દીઓને નવું જીવન મળ્યું છે. વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાની દિશામાં અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. આ યોજના અંતર્ગત દેશના ગામડે ગામડામાં આધુનિક આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જે 31 હજારથી વધુ કેન્દ્રો તૈયાર થઇ ચુક્યા છે તેમાં 11 કરોડથી વધુ સાથીઓ પોતાની તપાસ કરાવી ચુક્યા છે.

તેમાં લગભગ સાડા ૩ કરોડ હાયપરટેન્શન, આશરે ૩ કરોડ ડાયાબિટીસ, 1 કરોડ 75 લાખ ઓરલ કેન્સર, 70 લાખ સર્વાઇકલ કેન્સર, 1 કરોડથી વધુ બ્રેસ્ટ કેન્સર, એવી અનેક ગંભીર બીમારીઓની સ્ક્રીનીંગ આ કેન્દ્રો પર થઇ ચુકી છે. પ્રયાસ એ છે કે દેશમાં લોકોને મેડીકલ સુવિધાઓની માટે વધુ દૂર ન જવું પડે. એટલા માટે દેશભરમાં 22 નવા એઈમ્સ બનાવવામાં આવી રહ્યા છે. દેશભરમાં 75 જીલ્લા દવાખાનાઓને મેડીકલ કોલેજોમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે, જેથી નવા સ્વિકૃત મેડીકલ કોલેજોની સંખ્યા 157 થઇ ચુકી છે.

આ જ વર્ષે દેશમાં 75 નવા મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી દેશમાં મેડીકલની 4 હજારથી વધુ પીજી અને લગભગ 16 હજાર એમબીબીએસની બેઠકોમાં વધારો થશે. યોગ્ય માત્રામાં સારા ડોક્ટર અને અન્ય મેડીકલ સ્ટાફ તૈયાર થાય તેની માટે જરૂરી કાયદાકીય પરિવર્તનો કરવામાં આવી રહ્યા છે. નેશનલ મેડીકલ કમીશન એ આ જ દિશામાં ભરવામાં આવેલ પગલું છે.

દેશમાં વધુ સારી દવાઓના નિર્માણ માટે સંશોધન અને ક્લિનિકલ ટ્રાયલની માટે નિયમ બનાવવામાં આવ્યા છે. હમણાં તાજેતરમાં જ તમે સાંભળ્યું હશે કે બધા મેડીકલ સાધનોને પણ દવાઓની પરિભાષાની સીમામાં લાવવામાં આવ્યા છે. ભારતમાં જ્યારે આ દવાઓ અને અન્ય સામાન વધુમાં વધુ બનશે તો તેની કિંમતમાં હજુ વધારે ઘટાડો થવો સ્વાભાવિક છે. આવા અનેક પ્રયાસો ચાલી રહ્યા છે, જે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં વ્યાપક સુધારો લાવવાના છે.

પ્રશ્ન: 4 મારું નામ અલકા મહેરા છે.

મારી ઉંમર 45 વર્ષ છે. હું તમારા શહેર વારાણસીથી છું.

આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. હું પોતે પણ જનઔષધી કેન્દ્ર ચલાવું છું. જનઔષધી કેન્દ્રમાં માત્ર 1 રૂપિયામાં સેનેટરી પેડ્સ આજે ઉપલબ્ધ થઇ રહ્યા છે, જેથી ગ્રામીણ મહિલાઓને ઘણો લાભ મળી રહ્યો છે. એવી જ અનેક યોજનાઓ છે જે મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમે શરુ કરી છે.

પછી તે શૌચાલય હોય, સેનેટરી પેડ હોય, ઉજ્જવલા હોય, તમે સમાજની જૂની વિચારધારાને પડકાર ફેંક્યો છે. આ નિર્ણયોના લીધે તમારા મનમાં ક્યારેય એવી ચિંતા ન આવી કે સમાજ કેવો પ્રતિભાવ આપશે?

ઉત્તર: 4

અલકાજી હર હર મહાદેવ!

આપ સૌને, દેશભરની બહેનોને, દીકરીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અગ્રિમ શુભેચ્છાઓ. જેમ કે તમે જાણો જ છો કે આવતીકાલે મારું સોશ્યલ મીડિયાનું એકાઉન્ટ કેટલીક બહેનો જ હેન્ડલ કરવાની છે. વીતેલા એક અઠવાડિયાથી અનેક બહેનોના પ્રેરક પ્રસંગો દેશભરમાંથી બહેનો મોકલી રહી છે, જે ઉત્સાહિત કરનારા છે અને દેશની નારી શક્તિના સામર્થ્ય વિષે અદ્ભુત જાણકારી આપનારા પણ છે. જ્યાં સુધી તમે મહિલા સ્વાસ્થ્યને લઇને જૂની વિચારધારાની વાત કરી છે તો તેમાંથી દેશને બહાર કાઢવા માટે જ તો આપણે કામ કરવાનું છે.

જો કોઈ વાત સાચી છે તો મારું હંમેશાથી એવું માનવાનું રહ્યું છે કે સમાજ પણ તે વાતને જરૂર સમજે છે, બસ ખાલી એક પગલું ભરવાની જરૂર હોય છે. આ જ વસ્તુ આ યોજનાઓમાં પણ થઇ છે. સરકારે માત્ર એક પગલું ભર્યું, બાકીનું કામ પોતે તે સમાજે કર્યું.

આ યોજનાઓનું પરિણામ એ આવ્યું છે કે આજે મહિલા સ્વાસ્થ્યમાં અભૂતપૂર્વ સુધારો થઇ રહ્યો છે. દીકરીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે. શાળાઓમાં જુદા શૌચાલયો બનવાથી દીકરીઓ હવે અધવચ્ચેથી શાળા નથી છોડતી. સુરક્ષિત માતૃત્વ અભિયાન વડે માતા અને બાળક બંનેના જીવન પરનું જોખમ ઘણું ઓછું થઇ ગયું છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત દેશની 1 કરોડ 20 લાખ મહિલાઓને લગભગ 5 હજાર કરોડ રૂપિયા સરકાર દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત ૩ કરોડ 50 લાખ બાળકો અને લગભગ 90 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ થઇ ચુક્યું છે. જનઔષધી યોજનાનો લાભ પણ તો સમાજના દરેક વર્ગને થયો છે, ગરીબ અને મધ્યમ વર્ગને થયો છે. તેમાં પણ આપણી દીકરીઓ, બહેનોને ખાસ લાભ થયો છે. આજના આ કાર્યક્રમમાં પણ અનેક બહેનો જોડાયેલી છે.

બજારમાં 10 રૂપિયા સુધીમાં મળતા સેનેટરી પેડ્સ આજે જનઔષધી કેન્દ્રોમાં 1 રૂપિયામાં ઉપલબ્ધ છે. તમને યાદ હશે કે ચૂંટણી દરમિયાન અમે કહ્યું હતું કે જનઔષધી કેન્દ્રો પર અઢી રૂપિયાના પેડની કિંમત 1 રૂપિયા કરવામાં આવશે. આ વાયદાને પહેલા 100 દિવસમાં જ પૂરો કરવામાં આવ્યો છે. આ સેનેટરી નેપકીન સસ્તા પણ છે અને પર્યાવરણને અનુકુળ પણ છે. તમે વધુમાં વધુ દીકરીઓ સુધી તેનો લાભ પહોંચાડવામાં લાગેલા છો. ભોલે બાબા તમને વધુ શક્તિ આપે, સામર્થ્ય આપે, સારું સ્વાસ્થ્ય આપે, એવી મારી શુભેચ્છા છે.

પ્રશ્ન: 5 નમસ્કાર પ્રાઈમ મીનીસ્ટર સાહેબ!

મારું નામ ગુલામ નબી ડાર છે. હું જમ્મુ કાશ્મીરના પુલવામાંથી છું. હું 74 વર્ષનો છું.

મને થાઈરોઈડ, બ્લડ પ્રેશર, ગેસ્ટ્રોની તકલીફ છે. મને ડોક્ટરોએ સતત દવાઓ લેવા માટેની સલાહ આપી છે. પહેલા બજારમાંથી દવાઓ લેતો હતો,પરંતુ વીતેલા 2 અઢી વર્ષથી જનઔષધી કેન્દ્રમાંથી લઇ રહ્યો છું. મારી માસિક આવક 20-22 હજાર રૂપિયા છે. પહેલા તેનો મોટો ભાગ દવાઓમાં જ લાગી જતો હતો. જનઔષધીની દવાઓ લીધા પછી દર મહીને 8-9 હજાર રૂપિયાની બચત થઇ રહી છે. મારી તમને વિનંતી છે કે જમ્મુ કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં તેને હજુ વધુ પ્રોત્સાહન આપવામાં આવે.

ઉત્તર: 5

ગુલામ નબી સાહેબ, તમારા એક હમનામ તો અહિયાં દિલ્હીમાં મારા ખૂબ નજીકના મિત્ર પણ છે. જમ્મુ કાશ્મીરના જ છે અને દેશના સ્વાસ્થ્યમંત્રી પણ રહી ચુક્યા છે. હું તેમને મળીશ તો તમારા વિષે જરૂરથી જણાવીશ. ગુલામ નબીજી, તમારી જે તકલીફો છે, તેમાં સતત દવાઓ લેવાની જરૂર રહે છે. અમને સંતોષ છે કે જમ્મુ કાશ્મીરમાં જનઔષધી યોજના અંતર્ગત તમારા જેવા સાથીઓને ઘણો લાભ મળી રહ્યો છે.

તમે સાચી વાત કરી છે કે જમ્મુ કાશ્મીર હોય, પૂર્વોત્તર હોય કે બીજો કોઈ પહાડી અને આદિવાસી વિસ્તાર હોય, ત્યાં આગળ જનઔષધી યોજનાઓનું વિસ્તરણ થવું પણ જોઈએ અને સારી દવાઓ ઉપલબ્ધ રહે તે બાબતની ખાતરી કરવી પણ ખૂબ જરૂરી છે. સરકારનો પણ સતત પ્રયાસ આ જ છે. હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જે નવી વ્યવસ્થાઓ બની છે, તેમાંથી આ પ્રકારની સુવિધાઓમાં વધુ ઝડપ આવશે. પહેલા કેન્દ્રની યોજનાઓને ત્યાં લાગુ કરી શકવી બહુ મુશ્કેલ હતી પરંતુ હવે આ અડચણો ખસી ગઈ છે. વીતેલા દોઢ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં અભૂતપૂર્વ ઝડપથી વિકાસનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન સાડા ૩ લાખથી વધુ સાથીઓને આયુષ્માન યોજના સાથે જોડવામાં આવ્યા છે, ૩ લાખ વડીલો, મહિલાઓ અને દિવ્યાંગજનોને સરકારની પેન્શન યોજના સાથે જોડવામાં આવ્યા છે.

એટલું જ નહી, પીએમ આવાસ યોજના અંતર્ગત 24 હજારથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, અઢી લાખ શૌચાલયો બનાવવામાં આવ્યા છે અને સવા ૩ લાખથી વધુ ઘરોને મફત વીજળીના જોડાણો આપવામાં આવ્યા છે. જ્યાં સુધી સ્વાસ્થ્ય સુવિધાઓની વાત છે, તો ત્યાં 2 એઈમ્સ અને અન્ય મેડીકલ કોલેજો પર પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના વિકાસમાં આવી રહેલ આ ઝડપ હવે વધારે વધવાની છે. હવે સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની ભાવના ત્યાં આગળ જમીન પર ઉતરવા જઈ રહી છે.

પ્રશ્ન: 6 પ્રધાનમંત્રી સર,

મારું નામ ગીતા છે. હું કોઇમ્બતુર, તામિલનાડુથી બોલું છું. હું 62 વર્ષની છું.

હું ડાયાબિટીસ અને હાયપરટેન્શનનો ઈલાજ કરાવી રહી છું. જ્યારથી જનઔષધી કેન્દ્રો પરથી દવાઓ લઇ રહી છું ત્યારથી દર વર્ષે ૩૦ હજાર રૂપિયા સુધીની બચત થઇ રહી છે.  ગરીબ અને મધ્યમ વર્ગની માટે આ બહુ મોટી રાહત છે. તેની માટે તમને ખૂબ ખૂબ આભાર! હું મારી આસપાસ મારા ઓળખીતાઓને પણ જનઔષધીની દવાઓ લેવા માટે કહું છું અને તેમને જણાવું છું.

કારણ કે તમે યોગ અને આયુર્વેદને લઈને પણ વાત કરતા રહો છો, તો હું એ જાણવા માંગું છું કે ડાયાબિટીસ જેવી બીમારીઓ પર તેની કેટલી અસર થાય છે?

ઉત્તર: 6 આભાર ગીતાજી.

તમારે જે બચત થઇ રહી છે તેનો લાભ બીજાઓને પણ મળે, તમે તેની ખાતરી કરી રહ્યા છો. તમારા જેવા જાગૃત નાગરિકો જ આ દેશને વધુ મજબૂત બનાવી રહ્યા છો. તમે પોતાનું જ નહી પરંતુ અન્ય લોકોનું પણ ભલું કરવાનું વિચારો છો, આ જ એક નાગરિકના રૂપમાં આપણી સૌથી મોટી જવાબદારી હોય છે. દરેક જરૂરીયાતમંદને સારો અને સસ્તો ઈલાજ મળે એ સરકારની જવાબદારી હોય છે. પરંતુ ઈલાજના ચક્કરમાં જ ન પડવું પડે, પ્રયાસ એવો હોવો જોઈએ. નીરોગી થવા કરતા વધુ સારું છે નીરોગી રહેવું. સરકાર સ્વચ્છ ભારત, યોગ દિવસ, ફીટ ઇન્ડિયા જેવા અભિયાન એટલા માટે જ તો ચલાવી રહી છે.

જુઓ, ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી અનેક બીમારીઓ આજે દેશમાં ઝડપથી વધી રહી છે. આ બધી જીવનશૈલી સાથે જોડાયેલ બીમારીઓ છે. તેમનો સંપૂર્ણ રીતે ઈલાજ એટલો શક્ય નથી, તેમને નિયંત્રિત કરવી પડે છે. જ્યારે આનું કારણ જ આપણી જીવનશૈલી છે તો સ્વાભાવિક છે નિયંત્રણ પણ આપણી જીવનશૈલીમાં જ છે. આ જ કારણ છે કે આપણી જીવનશૈલીમાં આપણે તંદુરસ્તી અને સ્વચ્છતા સાથે જોડાયેલ આદતોને અપનાવવી જરૂરી છે.

યોગ આ જ કામ કરે છે. યોગ આપણા અંગોની સાથે-સાથે આપણા શ્વાસોનો પણ વ્યાયામ છે. તે એક રીતે આપણને શિસ્તબદ્ધ રીતે જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. બહેનો માટે તો આ વધુ જરૂરી છે. કારણ કે અવારનવાર બહેનો પરિવારમાં સૌનું ધ્યાન રાખતા-રાખતા, પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે. તે સારી વાત નથી. પરિવારના અન્ય સભ્યોની પણ એ જવાબદારી છે કે તે ઘરનું બધું કામ સંભાળનારી બહેનોને, માતાઓને, તંદુરસ્તી માટે પ્રેરિત કરતા રહે.

પ્રશ્ન: 7 સર, મારું નામ પંકજ કુમાર ઝા છે. હું બિહારના મુઝફ્ફરપુરથી છું.

7 વર્ષ પહેલા નક્સલીઓએ મારા ગામમાં એક બોમ્બ મૂક્યો હતો. જેના ફાટવાથી મારે મારો હાથ ગુમાવવો પડ્યો. મેં હાથ જરૂરથી ગુમાવ્યો પરંતુ ઉત્સાહને ઓછો ના થવા દીધો. એક દિવસ સમાચારપત્રમાં મેં જનઔષધી યોજના વિષે જાણકારી મળી અને મેં તેની સાથે જોડાવાનો નિર્ણય કર્યો. હું ૩ વર્ષથી આ કામ કરી રહ્યો છું. આજે લોકોની સેવા પણ થઇ રહી છે અને 4-5 લાખ રૂપિયાનું વેચાણ દર મહીને થઇ જાય છે.

મારો પ્રશ્ન એ છે સાહેબ કે દિવ્યાંગોને વધુમાં વધુ આ યોજના સાથે જોડવા માટે આપણે શું કરી શકીએ છીએ?

ઉત્તર: જુઓ પંકજ, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ સાધુવાદ. તમારો ઉત્સાહ પ્રશંસનીય છે. તમે સાચા અર્થમાં જનઔષધીની ભાવનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો.

આ યોજના સસ્તી દવાઓની સાથે-સાથે આજે દિવ્યાંગ જનો સહીત અનેક યુવાન સાથીઓની માટે આત્મવિશ્વાસનું બહુ મોટું સાધન પણ બની રહી છે. જનઔષધી કેન્દ્રોની સાથે-સાથે ડીસ્ટ્રીબ્યુશન, ક્વોલીટી ટેસ્ટીંગ લેબ જેવા અનેક અન્ય સાધનોનો પણ વિસ્તાર થઇ રહ્યો છે. જેમાં હજારો યુવાન સાથીઓને રોજગાર મળી રહ્યો છે.

જ્યાં સુધી દિવ્યાંગ જનોનો સવાલ છે તો મારું હંમેશાથી એવું માનવાનું રહ્યું છે કે તેમના સામર્થ્યનો હજુ વધુ સારો ઉપયોગ કરવો જોઈએ.

21મી સદીમાં ભારતની અર્થવ્યવસ્થામાં દિવ્યાંગ જનોના કૌશલ્યને, તેમની ઉત્પાદકતાને રાષ્ટ્રના વિકાસમાં વધુમાં વધુ ભાગીદારી આપવી જરૂરી છે. આ જ કારણ છે કે વીતેલા 5 વર્ષોથી દિવ્યાંગ જનોની સુવિધા અને તેમના કૌશલ્ય વિકાસને લઈને વ્યાપક ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દિવ્યાંગોને શિક્ષણ, રોજગાર અને અન્ય અધિકારો આપવા માટે જરૂરી કાયદાઓમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. નિશ્ચિતપણે જનઔષધી જેવી અમારી યોજનાઓમાં પણ દિવ્યાંગોની વધુમાં વધુ ભાગીદારી થાય તેની આપણે બધાએ ખાતરી કરવાની છે.

અમારા મંત્રીજી, સાંસદો ત્યાં બેઠા છે. એક રીતે તમે જનઔષધી કેન્દ્રના એક ઉત્સવ જેવું ઉભું કરી દીધું છે તો ખરેખર આજે જ્યાં-જ્યાં દેશના ખૂણામાં મને વાત કરવાનો અવસર મળ્યો છે તમે લોકોએ સમય કાઢ્યો છે પણ એક વાત છે જનઔષધી કેન્દ્ર સાચા અર્થમાં જનશક્તિ બની રહ્યા છે. સરકાર દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓનું વિસ્તરણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. જનઔષધી યોજનાને પણ હજુ વધારે અસરકારક બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે. તેની સાથે-સાથે જરૂરી એ છે કે દેશનો દરેક નાગરિક સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની જવાબદારી પણ સમજે. આપણે, આપણા જીવનમાં આપણી દિનચર્યામાં સ્વચ્છતા, યોગ, સંતુલિત આહાર, રમતગમત અને અન્ય વ્યાયામને જરૂરથી જગ્યા આપવી જોઈએ. હું માતાપિતાઓને પણ આગ્રહ કરીશ કે બાળકોને ભણવા માટે તમે જેટલો આગ્રહ કરો છો રમવા માટે પણ તેટલો જ આગ્રહ કરો. બાળકનો જો દિવસમાં 4 વખત પરસેવો નથી આવતો, તેટલી મહેનત નથી કરતો તો માં બાપે ચિંતા કરવી જોઈએ. તંદુરસ્તીને લઇને આપણા પ્રયાસો જ સ્વસ્થ ભારતના સંકલ્પને સિદ્ધ કરશે.

હું એકવાર ફરી જનઔષધી કેન્દ્રને આ અભિયાન સાથે જોડાવા બદલ જે જનઔષધી કેન્દ્રો ચલાવી રહ્યા છે તેમને પણ અનેક અનેક શુભકામનાઓ આપું છું. દેશના કોટિ-કોટિ જન પણ આ વ્યવસ્થા વડે અપરિચિત છે, હું તમને પણ કહીશ, હું મીડિયાના સાથીઓને પણ કહીશ કે માનવતાનું કામ છે, સેવાનું કામ છે તમે તમારા તરફથી તેનો ભરપૂર પ્રચાર કરો, પ્રસાર કરો અને ગરીબમાં ગરીબ લોકો આ સુવિધાઓનો લાભ લે, તમે કોઈ ને કોઈની જિંદગીમાં મદદગાર થશો, હવે આ કામને સાથે મળીને કરો. આપ સૌને ફરી એકવાર વધુ સારા સ્વાસ્થ્યની મંગલકામનાઓ કરું છું. આપ સૌને હોળીની પાવન પવિત્ર તહેવારની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને જેમ કે પ્રારંભમાં જ કહ્યું હતું કે આ કોરોના વાયરસના નામ પર ડરવાની જરૂર નથી, જાગૃત થવાની જરૂર, અફવાઓ ફેલાવાની જરૂર નથી. તેમાં જે ‘ડુ અને ડોન્ટ’ છે તેનું પાલન કરવાની જરૂર છે જો આટલું આપણે કરી લઈશું તો આપણે વિજયી બનીને આગળ વધીશું. મારા તરફથી એકવાર ફરી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર!

SD/GP/BT/DS


(Release ID: 1605805) Visitor Counter : 372