પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો; આજનાં દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો
પ્રધાનમંત્રીએ આખા દેશમાં 10,000 ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ)નો શુભારંભ કર્યો
Posted On:
29 FEB 2020 6:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચિત્રકૂટમાં 296 કિલોમીટરની લંબાઈ ધરાવતા બુંદેલખંડ એક્સપ્રેસવેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ એક્સપ્રેસવે ફેબ્રુઆરી, 2018માં જાહેર થયેલા ઉત્તરપ્રદેશ ડિફેન્સ કોરિડોરનાં નિર્માણમાં પૂરક બનશે. રૂ. 14,849 કરોડનાં ખર્ચે તૈયાર થનાર આ એક્સપ્રેસવેથી ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા જિલ્લાઓને લાભ થશે એવી અપેક્ષા છે. આ કાર્યક્રમ દરમિયાન જ આજે ચિત્રકૂટમાં સંપૂર્ણ દેશ માટે 10,000 ખેડૂત ઉત્પાદક મંડળી (એફપીઓ)નો શુભારંભ પણ થયો હતો. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન યોજના (પીએમ-કિસાન)ના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)નાં વિતરણ માટે અભિયાન પણ શરૂ કર્યું હતું.
દેશમાં રોજગારીનાં સર્જન માટે વિવિધ પ્રકારની પહેલ હાથ ધરવા માટે સરકારની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડ એક્સપ્રેસવે,સ પૂર્વાંચલ એક્સપ્રેસવે અથવા પ્રસ્તાવિત ગંગા એક્સપ્રેસવેથી ઉત્તરપ્રદેશમાં જોડાણ વધવાની સાથે સાથે રોજગારીની અનેક નવી તકો પેદા થશે તેમજ આ લોકોને મોટા શહેરોમાં ઉપલબ્ધ સુવિધાઓ સાથે પણ જોડશે.
પાયદળની વિવિધ વ્યવસ્થાઓ, જહાજો અને સબમિરનથી લઈને લડાયક વિમાન, હેલિકોપ્ટર, શસ્ત્રો અને સેન્સર જેવી સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણોની વ્યાપક જરૂરિયાતોનો ઉલ્લેખ કરીને પ્રધાનંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષનાં બજેટમાં ઉત્તરપ્રદેશ ડિફેન્સ કોરિડોર માટે રૂ. 3,700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, બુંદેલખંડ એક્સપ્રેસવેથી ઉત્તરપ્રદેશ ડિફેન્સ કોરિડોરને પણ વેગ મળી રહ્યો છે.
દેશનાં ખેડૂતોની આવક વધારવા અને તેમને સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રીએ 10,000 એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદક મંડળીઓ સ્થાપિત કરવાની એક યોજનાનો શુભારંભ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઉત્પાદક બની રહેલા ખેડૂતો હવે એફપીઓનાં માધ્યમથી વ્યવસાય પણ કરશે. ખેડૂતો માટે સરકારે હાથ ધરેલી વિવિધ પહેલો વિશે જાણકારી આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે ખેડૂતોનાં હિત સાથે સંબંધિત દરેક ક્ષેત્ર પર કામગીરી કરી છે. એમાં એમએસપી (લઘુતમ ટેકાના ભાવ), જમીનની જાણકારી આપતા હેલ્થ કાર્ડ, યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ અને દાયકાઓથી અધૂરી રહેલી સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરવાનું સામેલ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એફપીઓ ખેડૂતોનાં પ્રયાસોને એક દિશા આપવામાં મદદ કરશે, જેથી તેઓ પોતાના ઉત્પાદનનું વેચાણ વધારે મૂલ્ય પર કરી શકે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે દેશના 100થી વધારે આકાંક્ષી જિલ્લાઓમાં એફપીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે, જેમાં દરેક બ્લોકમાં ઓછામાં ઓછા એક એફપીઓની સ્થાપના સામેલ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચિત્રકૂટ સહિત આખા ઉત્તરપ્રદેશના લગભગ 2 કરોડ ખેડૂત પરિવાર એક વર્ષમાં 12,000 કરોડ રૂપિયાથી વધારેનો પોતાનો અધિકાર મેળવી રહ્યાં છે, જેને કોઈ પણ પ્રકારનાં ભેદભાવ વિના અને વચેટિયાઓ વિના સીધા એમના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવે છે. તેમણે એની સરખામણી બુંદેલખંડનાં ખેડૂતોનાં નામે હજારો કરોડનાં પેકેજની જાહેરાતો સાથે કરી હતી, પણ ખેડૂતોનાં ખિસ્સામાં ફૂડી કોડી પણ પહોંચી નહોતી. તેમણે કહ્યું હતું કે, પીએમ-કિસાન યોજનાનાં લાભાર્થીઓને હવે પીએમ જીવન જ્યોતિ વીમા અને પીએમ જીવન સુરક્ષા વીમા યોજના સાથે પણ જોડવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, એના માધ્યમથી મુશ્કેલ સ્થિતિ અને સંજોગોમાં ખેડૂતોને રૂ. 2 લાખ સુધીની વીમાની રકમ પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતોની આવક વધારવા માટે 16 મુદ્દાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ પણ કરી રહી છે કે, ખેડૂતનાં ખેતરથી થોડા કિલોમીટરનાં અંતરે જ એક ગ્રામીણ હાટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેના માધ્યમ થકી એને દેશનાં કોઈ પણ બજાર સાથે જોડી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં આ ગ્રામીણ હાટ કૃષિ અર્થતંત્રનાં નવા કેન્દ્ર બની જશે.
RP
(Release ID: 1604771)
Visitor Counter : 171