મંત્રીમંડળ

મંત્રીમંડળે ગર્ભપાત (સંશોધન) બિલ, 2020ને મંજૂરી આપી

Posted On: 29 JAN 2020 1:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે ગર્ભાપાત (સંશોધન) બિલ, 2020ને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ ગર્ભાપાત ધારા, 1971માં સંશોધનનો છે. આ બિલ સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

સૂચિત સુધારાઓની વિશિષ્ટ ખાસિયતોઃ

  • ગર્ભ 20 અઠવાડિયા સુધી પરિપક્વ થાય ત્યાં સુધીમાં એનો નિકાલ કરવા માટે એક ચિકિત્સકનાં અભિપ્રાયની અને 20 થી 24 અઠવાડિયાનાં ગર્ભને દૂર કરવા માટે બે ચિકિત્સકોનાં અભિપ્રાયના જરૂરની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
  • ખાસ શ્રેણીની મહિલાઓ માટે ગર્ભનાં વિકાસની ટોચમર્યાદા 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી છે, જેને એમટીપીનાં નિયમો સાથે સંબંધિત સુધારામાં પરિભાષિત કરવામાં આવશે અને તેમાં બળાત્કારથી પીડિતા, વ્યભિચારથી પીડિતા અને અન્ય વંચિત મહિલાઓ (જેમ કે દિવ્યાંગ મહિલાઓ, સગીર વયની યુવતીઓ) વગેરે સહિત મહિલાઓને સામેલ કરવામાં આવશે.
  • મેડિકલ બોર્ડ દ્વારા ગર્ભમાં અસાધારણ સ્થિતિનું નિદાન થવાના કેસમાં ગર્ભના વિકાસની ટોચમર્યાદા લાગુ નહીં પડે. મેડિકલ બોર્ડનાં સભ્યો, કાર્યો અને અન્ય વિગતો વિશે કાયદા અંતર્ગત નિયમોમાં પછીથી નક્કી કરવામાં આવશે.
  • જે મહિલાના ગર્ભને દૂર કરવામાં આવ્યો છે એનું નામ અને અન્ય વિગતો જે તે સમયે લાગુ કોઈ કાયદામાં અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈ સામે જાહેર નહીં કરવામાં આવે.

તબીબી રીતે ગર્ભપાત (સંશોધન)નું બિલ, 2020નો ઉદ્દેશ રોગનિવારણ, પ્રજનન સાથે સંબંધિત, માનવતા કે સામાજિક ધોરણે સલામત અને કાયદેસર ગર્ભનિવારણ સેવાઓ મહિલાઓને સુલભ કરાવવાનો છે. સૂચિત સુધારાઓમાં હાલનાં ગર્ભને તબીબી રીતે દૂર કરવાનાં કાયદા, 1971માં ચોક્કસ પેટાકલમોનો વિકલ્પ, કેટલીક જોગવાઈઓ અંતર્ગત ચોક્કસ નવી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે, જે ચોક્કસ સંજોગો અંતર્ગત ગર્ભને દૂર કરવા માટે ગર્ભનાં વિકાસની ટોચમર્યાદા વધારવા અને સેવાની ગુણવત્તા અને સલામત ગર્ભપાતની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના કડક શરતો હેઠળ ગર્ભપાતની વિસ્તૃત સારસંભાળની સુલભતા વધારવા માટે ઉમેરવામાં આવી છે.

આ મહિલાઓની સલામતી અને સુખાકારી તરફનું એક પગલું છે તથા તેનો ઘણી મહિલાઓને લાભ થશે. તાજેતરમાં કેટલીક અરજીઓ અદાલતોને મળી હતી, જેમાં અસાધારણ ગર્ભ કે જાતિય હિંસાને કારણે રહેલા ગર્ભ કારણે અમુક સમયગાળાથી વધારે સમયના ગર્ભને દૂર કરવા ગર્ભપાતની મંજૂરી મેળવવામાં આવી હતી. એટલે ગર્ભનાં ગાળામાં સૂચિત વધારો ગર્ભપાતની જરૂરિયાત ધરાવતી મહિલાઓ માટે સન્માન, સ્વાયતત્તા, આત્મવિશ્વાસ અને ન્યાય સુનિશ્ચિત કરશે.

ગર્ભપાતની સલામત સેવાઓની સુલભતા વધારવા અને તબીબી તકનીકમાં થયેલી પ્રગતિનો લાભ આપવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વિવિધ હિતધારકો અને કેટલાંક મંત્રાલયો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી સૂચિત સુધારા રજૂ કર્યા હતા.

SD/RP/GP



(Release ID: 1600935) Visitor Counter : 387