પ્રધાનમંત્રીનું કાર્યાલય

“પરીક્ષા પે ચર્ચા 3.0”માં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો

Posted On: 20 JAN 2020 3:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેપરીક્ષા પે ચર્ચા 3.0’ સંવાંદનાં ભાગ રૂપે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પરિસંવાદ કાર્યક્રમમાં 50 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. નેવું મિનિટ સુધી ચાલેલા આ પરિસંવાદમાં વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી પાસેથી વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવવાની ઇચ્છા દર્શાવી હતી. આ વર્ષે પણ દેશભરના વિદ્યાર્થીઓ અને વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

 

શરૂઆતમાં પ્રધાનમંત્રીએ તમામ વિદ્યાર્થીઓને નવા વર્ષ અને નવા દાયકા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. દાયકાના મહત્વને સમજાવતા, તેમણે કહ્યું હતું કે, વર્તમાન દાયકાની આશાઓ અને આકાંક્ષાઓ એવા બાળકો પર આધાર રાખે છે જેઓ દેશમાં અત્યારે શાળાના અભ્યાસમાં છે.

 

તેમણે કહ્યું હતું કે, “આ દાયકામાં દેશ જે પણ કરે પરંતુ જે બાળકો હાલમાં 10માં, 11માં અને 12માં ધોરણમાં છે તેમની ભૂમિકા ખૂબ જ મોટી છે. દેશને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે, નવી આશાઓ હાંસલ કરવા માટે, બધો જ આધાર નવી પેઢી પર છે.”

 

વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ શરૂ કરતા પહેલા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે તેમ છતાં, તેમને દિલથી ખૂબ જ પસંદ હોય તેવો એક કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા છે.

 

તેમણે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી તરીકે મારે અનેક પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવાનો હોય છે. આવા પરિસંવાદોમાં ઘણું નવું શીખવાનું મળે છે. આવા દરેક કાર્યક્રમોથી અનુભવોનું નવું ભાથુ મળે છે. પરંતુ, જો કોઈ મને કોઇ એવા કાર્યક્રમ વિશે પૂછે કે જે મારા હૃદયને સૌથી વધુ સ્પર્શતો હોય તો, હું કહીશ કે તે આ પરીક્ષા પે ચર્ચા છે. મને હેકાથોન્સમાં પણ ભાગ લેવાનું પસંદ છે. તેઓ ભારતના યુવાનોની શક્તિ અને પ્રતિભા દર્શાવે છે.”

 

નિરાશા અને બદલાતા મૂડનો સામનો કેવી રીતે કરવો:

 

વિદ્યાર્થી તરફથી પૂછાયેલા એક પ્રશ્ન અને અભ્યાસ કરતી વખતે રુચિ ઘટી જવા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મોટા ભાગે વિદ્યાર્થીઓ તેમના બાહ્ય પરિબળોના કારણે ડિમોટિવટ એટલે કે નિરાશ થાય છે અને તેઓ પોતાની અપેક્ષાઓ ખૂબ જ વળગી રહેવાનો પ્રયાસ કરે છે તેના કારણે પણ આ સ્થિતિ સર્જાય છે.

 

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને નિરાશાનું મૂળ કારણ શોધવા અને તેનો કેવી રીતે સામનો કરવો તે રીત શોધી કાઢવા કહ્યું હતું. તેમણે તાજેતરમાં હાથ ધરાયેલા ચંદ્રયાન મિશન અને ઇસરોની મુલાકાતનું ઉદાહરણ આપ્યું હતું.

 

તેમણે કહ્યું હતું કે, “પ્રેરણા, નિરાશા આ બધુ ખૂબ સામાન્ય છે. દરેક વ્યક્તિ આ લાગણીઓમાંથી પસાર થાય છે. આ સંદર્ભે, હું ચંદ્રયાન દરમિયાન મારી ઈસરોની મુલાકાત અને આપણા સખત પરિશ્રમી વિજ્ઞાનિકો સાથે વિતાવેલો સમય ક્યારેય નહી ભૂલી શકુ.”

 

તેમણે ઉમેર્યું કહ્યું કે, “આપણે નિષ્ફળતાઓને પછડાટો અથવા માર્ગમાં આવતા અવરોધો તરીકે ન જોવા જોઈએ. આપણે જીવનના દરેક પાસામાં ઉત્સાહ ઉમેરી શકીએ છીએ. થોડા સમય માટે આવેલા પછડાટનો અર્થ એ નથી કે આપણે જીવનમાં સફળ થઈ શકતા નથી. હકીકતમાં આવા પછડાટોનો અર્થ એવો હોઈ શકે કે હજું શ્રેષ્ઠ આવવાનું બાકી છે. આપણે આપણી દુ:ખ પૂર્ણ પરિસ્થિતિઓને ઉજ્જવળ ભાવિના પગથિયા તરીકે રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ

 

પ્રધાનમંત્રીએ 2001માં ઑસ્ટ્રેલિયા સામે ભારત જે ક્રિકેટ મેચમાં બાજી હારી રહ્યું હતું ત્યાંથી જીતના માર્ગ સુધી લઇ જવામાં રાહુલ દ્રવિડ અને વી.વી.એસ. લક્ષમણ જેવા ક્રિકેટરોએ કેવી રીતે યોગદાન આપ્યું તેનું પણ ઉદાહરણ આપ્યું હતું.

 

તેમણે ભારતના બોલર અનિલ કુંબલેને ઈજા હોવા છતાં કેવી રીતે ભારતની કીર્તિ માટે બોલિંગ કરી તેના વિશે પણ વિદ્યાર્થીઓને વાત કરી હતી.

 

તેમણે કહ્યું કે "આ જ તો સકારાત્મક પ્રેરણાની શક્તિ છે".

 

અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓ અને અધ્યયનમાં સંતુલન:

 

અધ્યયન અને અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સંતુલન રાખવું તે અંગેના સવાલના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવનમાં અભ્યાસક્રમ સહિતના અન્ય અભ્યાસની પ્રવૃત્તિઓનું મહત્વ ઓછું આંકી શકાય નહીં.

 

તેમણે કહ્યું કે, “અભ્યાસક્રમ ઉપરાંતની પ્રવૃત્તિઓ ન કરવાથી વિદ્યાર્થી રોબોટ જેવા થઇ જાય તેવી શક્યતા છે.”

 

પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે અભ્યાસ અને અભ્યાસક્રમ ઉપરાંતની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠત્તમ અને સારી રીતે સંતુલન કરવું જરૂરી છે.

 

તેમણે કહ્યું કે, “આજે આપણી સમક્ષ પુષ્કળ તકો છે અને હું આશા રાખું છું કે યુવાનો તેનો ઉપયોગ કરે સાથે કોઈ શોખ કેળવે અથવા તેમને રૂચિ હોય તેવી કોઇ પ્રવૃત્તિમાં યોગ્ય ઉત્સાહ સાથે ભાગ લે.

 

જો કે તેમણે માતાપિતાને પણ ચેતવણી આપી હતી કે, ફેશનના મોભા અથવા સમાજમાં સારા દેખાવા માટે તેઓ તેમના બાળકો પર અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે વધુ પડતું દબાણ ન કરે.

 

તેમણે જણાવ્યું હતું કે, “બાળકો જ્યારે માતા-પિતા માટે માત્ર ફેશન કે મોભાનું કારણ બની જાય તે સંજોગો સારા નથી. અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓ માત્ર મોભા કે દેખાવ આધારિત ન હોવી જોઇએ. દરેક બાળકને પોતાને જેમાં રસ હોય તેમાં આગળ વધવાની તક આપો.”

 

માત્ર ગુણ જ સર્વસ્વ નથી:

 

પરીક્ષાઓમાં કેવી રીતે વધુ ગુણ મેળવવા અને તે નિર્ધારિત કરનારા પરિબળો કયા છે તે અંગેના એક સવાલ પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણી શિક્ષણ પદ્ધતિ વિવિધ પરીક્ષાઓમાં આપણા દેખાવના આધારે આપણી સફળતા નક્કી કરે છે. ભલે આપણે માત્ર સારા ગુણ મેળવવા પર જ ધ્યાન આપી છીએ અને આપણા માતાપિતા પણ તેના માટે આપણને સતત પ્રોત્સાહિત કરે છે."

 

આજે ઘણી તકો ઉપલબ્ધ છે તેમ કહેતા તેમણે વિદ્યાર્થીઓને એવી લાગણીમાંથી બહાર આવવા કહ્યું કે પરીક્ષામાં મળતી સફળતા કે નિષ્ફળતા જ બધુ નક્કી કરે છે તેવી લાગણીઓમાંથી વિદ્યાર્થીઓએ બહાર આવવું જોઇએ.

 

તેમણે કહ્યું હતું કે, “માત્ર ગુણ જ જીવન નથી. એ જ રીતે પરીક્ષા એ આપણા આખા જીવનનું નિર્ધારક પરિબળ નથી. તે માત્ર એક પગથિયા સમાન છે, જીવનનાં મહત્વપૂર્ણ પગથિયાં. હું માતાપિતાને પ્રાર્થના કરું છું કે તેઓને એમ ન કહો કે આ સર્વસ્વ છે. જો તેવું ન થાય, તો તેમણે જાણે બધુ ગુમાવી દીધું હોય તેવું વર્તન તેમની સાથે ન કરો. તમે કોઈપણ ક્ષેત્રમાં જઈ શકો છો. સંખ્યાબંધ તકો આપણી સમક્ષ છે.”

 

તેમણે કહ્યું કે, પરીક્ષાઓનું મહત્વ ઘણું છે, પરંતુ માત્ર પરીક્ષાઓ જીવન નથી. તમારે આ વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ.

 

શિક્ષણમાં ટેકનોલોજીનું મહત્વ:

 

શિક્ષણમાં ટેકનોલોજીના મહત્વ અને તેના ઉપયોગ અંગેના એક સવાલના જવાબમાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને અદ્યતન ટેક્નોલોજીથી પોતાને અપડેટ રાખવા જણાવ્યું હતું અને વિનંતી કરી હતી કે તેઓ ટેકનોલોજીનો કોઇપણ પ્રકારના દૂરુપયોગથી પોતાને દૂર રાખે.

 

તેમણે કહ્યું હતું કે, “ટેકનોલોજીનો ડર સારો નથી. ટેકનોલોજી એ એક મિત્ર છે. ટેકનોલોજીનું માત્ર સામાન્ય જ્ઞાન પૂરતું નથી. તેનો ઉપયોગ મહત્વનો છે. ટેકનોલોજી આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે, પરંતુ જો આપણે તેનો દૂરુપયોગ કરીશું તો તે આપણો કિંમતી સમય અને સંસાધનો લૂંટી લેશે.”

 

અધિકારો અને ફરજો

 

વિદ્યાર્થીઓના અધિકારો શું છે અને નાગરિકોને તેમની ફરજો વિશે કેવી રીતે જાગૃત કરવું તે અંગેના પ્રશ્નના પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક વ્યક્તિના અધિકારો તેમની ફરજો સાથે જોડાયેલા હોય છે.

 

એક શિક્ષકનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, જો કોઈ શિક્ષક પોતાની ફરજો બજાવે છે તો તે વિદ્યાર્થીઓના અધિકારોની પૂર્તિ કરી રહ્યા છે.

 

રાષ્ટ્રપિતાએ આ મુદ્દે જે કહ્યું હતું તેનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મૂળભૂત અધિકારો નથી હોતા પરંતુ મૂળભૂત ફરજો હોય છે."

 

તેમણે કહ્યું કે, “આજે, હું એવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો છું કે જેઓ 2047માં ભારતની સ્વતંત્રતાના સો વર્ષ પૂરા થશે ત્યારે ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે. હું આશા રાખું છું કે આ પેઢી આપણા બંધારણમાં સમાવિષ્ટ કેટલીક મૂળભૂત ફરજો પર પોતાનું કાર્ય કરશે.”

 

માતાપિતા અને શિક્ષકો દ્વારા દબાણ અને અપેક્ષાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

 

માતાપિતા અને શિક્ષકોના દબાણ અને અપેક્ષાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે પ્રધાનમંત્રીએ વાલીઓને વિનંતી કરી કે તેઓ વિદ્યાર્થીઓ ઉપર દબાણ ન કરે પરંતુ તેમની સાથે આગળ વધવામાં પ્રોત્સાહન આપે.

 

બાળકની પ્રગતિનો માર્ગ કંઇક નવું શીખવામાં છે તેમના પર દબાણ કરવામાં નહીં. બાળકોને એવી બાબતો કરવા પ્રેરણા આપો જે તેમની આંતરિક શક્તિઓને બહાર લાવે.”

 

અભ્યાસ માટેનો શ્રેષ્ઠ સમય અને બોર્ડની પરીક્ષા દરમિયાન તેના ડરમાંથી કેવી રીતે બહાર આવવું?

 

અભ્યાસ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે તે અંગેના એક સવાલ પર પ્રધાનમંત્રીએ સલાહ આપી હતી કે અભ્યાસ જેટલું જ મહત્વ પૂરતા પ્રમાણમાં આરામનું પણ છે.

 

તેમણે કહ્યું કે, “જે પ્રકારે વરસાદ પડી ગયા પછી આકાશ એકદમ સ્વચ્છ હોય છે તે પ્રકારે વહેલી સવાર મન ખૂબ જ તાજગીમાં હોય છે, માટે દરેક વ્યક્તિએ આ સમયમાં અભ્યાસ કરવો જોઇએ, કારણ કે ત્યારે વધુ અનુકૂળતા હોય છે.”

 

પરીક્ષા દરમિયાન અચાનક અભ્યાસ છોડી દેવાના મુદ્દા પર, પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમની તૈયારીમાં સંપૂર્ણ બનવા જણાવ્યું હતું.

 

તેમણે કહ્યું હતું કે, “હું વિદ્યાર્થીઓને તેમની પોતાની તૈયારી અંગે આત્મવિશ્વાસ રાખવા વિનંતી કરું છુ. કોઈ પણ પ્રકારના દબાણ સાથે પરીક્ષા હોલમાં પ્રવેશ ન કરો. અન્ય લોકો શું કરે છે તેની ચિંતા કરશો નહીં. તમારામાં વિશ્વાસ રાખો અને તમે જે તૈયાર કર્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.”

 

ભાવિ કારકિર્દીના વિકલ્પો

 

ભાવિ કારકિર્દીના વિકલ્પોના વિષય પર, પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને તેના વિકાસ માટે પૂર્ણ ઉત્સાહ સાથે અને દિલથી કામ કરવાની વિનંતી કરી હતી.

 

તેમણે કહ્યું હતું કે, “કારકિર્દી ખૂબ મહત્વની હોય છે, દરેક વ્યક્તિએ થોડી જવાબદારી લેવી પડે છે. આપણે આપણી જવાબદારીઓ નિભાવતી વખતે રાષ્ટ્રના વિકાસમાં હંમેશા યોગદાન આપી શકીએ છીએ.”

 

પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમના ત્રીજા સંસ્કરણ પરીક્ષા પે ચર્ચા 2020”માં ભાગ લેવા માટે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન 'ટૂંકા નિબંધ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માટે 2 ડિસેમ્બર, 2019 થી 23 ડિસેમ્બર, 2019 દરમિયાન www.mygov.in પર એન્ટ્રી મંગાવવામાં આવી હતી. આ સ્પર્ધા માટે 3 લાખથી વધુ બાળકોએ પોતાનું નામ નોંધાવ્યું હતું, જેમાંથી 2.6 લાખ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, તે પૈકી પસંદ કરેલા વિજેતાઓએ પરીક્ષા પે ચર્ચા 2020માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીતમાં ભાગ લીધો હતો.

 

સી.બી.એસ.. અને કે.વી.એસ. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત મુદ્દાઓ પર પેઇન્ટિંગ અને પોસ્ટર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 750 પોસ્ટરો અને પેઇન્ટિંગ્સ પ્રાપ્ત થયા હતા. તેમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ 50 પેઇન્ટિંગ્સ/પોસ્ટરો પરીક્ષા પે ચર્ચા 2020 દરમિયાન પ્રધાનમંત્રી સમક્ષ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા હતા.

 

NP/DS/GP/RP



(Release ID: 1599887) Visitor Counter : 437