પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠનાં ભવ્ય સમારંભમાં સામેલ થયા, કોલકાતા બંદર માટે વિવિધલક્ષી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રીએ પોર્ટ એન્થમ લોંચ કર્યું
આપણા દરિયાકિનારા વિકાસનાં દ્વાર છે – પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું નામ આપ્યું
પ્રધાનમંત્રીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં કર્મચારીઓને પેન્શન ફંડ માટે 501 કરોડ રૂપિયાનો ચેક સુપરત કર્યો
સુંદરવનની આદિવાસી કન્યાઓ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પ્રીતિલતા છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું
Posted On:
12 JAN 2020 2:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ પર આયોજિત એક ભવ્ય સમારંભમાં સામેલ થયા હતા.
પ્રધાનમંત્રીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150 વર્ષનાં ઉપલક્ષ્યમાં આયોજિત મૂળ પોર્ટ જેટીના સ્થળ પર એક તકતીનું અનાવરણ કર્યું હતું. શ્રી મોદીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં 150મા વર્ષગાંઠ સમારંભમાં સામેલ થવાને પોતાનું સૌભાગ્ય જણાવી પોર્ટને દેશની જળશક્તિનું પ્રતીક ગણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પોર્ટ ભારતના વિદેશી શાસનમાંથી સ્વતંત્ર થવા જેવી દેશની અનેક ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે. આ પોર્ટે સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ સુધી દેશમાં પરિવર્તનને અનુભવ્યું છે. આ પોર્ટે ફક્ત કાર્ગોની હેરફેર કરવાની સાથે જ્ઞાનનાં વાહકોની અવરજવર પણ જોઈ છે, જેમણે દેશ અને દુનિયા પર પોતાની અમીટ છાપ છોડી છે. કોલકાતા એક પોર્ટ છે, જે ભારતની ઔદ્યોગિક, આધ્યાત્મિક અને સ્વનિર્ભરતા માટે આકાંક્ષાનું પ્રતીક છે.
પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન પોર્ટ એન્થમનો પણ શુભારંભ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતનાં લોથલ બંદરથી લઈને કોલકાતા બંદર સુધી ભારતનો લાંબો દરિયાકિનારો વ્યાપાર અને વ્યવસાયની સાથે દુનિયાભરમાં સભ્યતા અને સંસ્કૃતિનાં પ્રસારનું પણ કામ કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકાર આપણા દરિયાકિનારાને વિકાસનું દ્વાર માને છે. આ જ કારણે સરકારે માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ અને પોર્ટને જોડવાના કામમાં સુધારો કરવા અને એમાં ગતિ લાવવા માટે સાગરમાલા યોજના શરૂ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત 6 લાખ કરોડ રૂપિયાથી વધારેની 3600 યોજનાઓ ચાલી રહી છે અને લગભગ એકસો પચ્ચીસ (125) યોજનાઓ પૂરી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, કોલકાતા બંદર નદી જળમાર્ગોનાં નિર્માણને કારણે પૂર્વી ભારતનાં ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડાણ સ્થાપિત થયું છે. એનાથી નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને મ્યાંમાર જેવા દેશોની સાથે વેપાર કરવાનું સરળ થઈ ગયું છે.
ડો. શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ ટ્રસ્ટ
પ્રધાનમંત્રીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનાં નામ પર રાખવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંગાળનાં પનોતા પુત્ર ડો. મુખર્જીએ દેશમાં ઔદ્યોગિકીકરણનો પાયો નાંખ્યો હતો અને ચિત્તરરંજન લોકોમોટિવ ફેક્ટરી, હિંદુસ્તાન એરક્રાફ્ટ ફેક્ટરી, સિંદરી ફર્ટિલાઇઝર ફેક્ટરી અને દામોદર વેલી કોર્પોરેશન જેવી યોજનાઓના વિકાસમાં બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે મને બાબાસાહેબ પણ યાદ આવે છે. ડો. મુખર્જી અને બાબાસાહેબે આઝાદી પછી ભારતને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો હતો.
કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં પેન્શનધારકોનું કલ્યાણ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં નિવૃત્ત અને કર્મચારીઓનાં પેન્શન ફંડની હાલ ઊણપને પૂરી કરવા અંતિમ હપ્તા સ્વરૂપે રૂ. 501 કરોડનો ચેક પણ સુપરત કર્યો હતો. તેમણે કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં બે સૌથી જૂનાં પેન્શનધારકો શ્રી નગીના ભગત (105 વર્ષ) અને શ્રી નરેશચંદ્ર ચક્રવર્તી (100 વર્ષ)નું સન્માન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ સુંદરવનની 200 આદિવાસી કન્યાઓ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પ્રીતિલતા છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળનાં, ખાસ કરીને રાજ્યનાં ગરીબો, વંચિતો અને શોષિતોનાં વિકાસ માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, જો પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર આયુષ્માન ભારત યોજના અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાને મંજૂરી આપશે તો અહીંના લોકોને પણ આ યોજનાઓનો લાભ મળવાનું શરૂ થઈ જશે.
પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ડ્રાઈ ડૉકમાં કોચીન કોલકાતા શિપ રિપેર એકમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ફૂલ રેક હેન્ડલિંગ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને કાર્ગોની સરળ હેરફેર અને જહાજ પર માલ લાદવા અને ઉતારવાની પ્રક્રિયામાં લાગતા સમયને ઘટાડવા માટે કોલકાતાની ડૉક સિસ્ટમને અત્યાધુનિક રેલવે માળખાગત સુવિધા સમર્પિત કરી હતી.
પ્રધાનમંત્રીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં હલ્દિયા ડૉક કોમ્પ્લેક્સનાં બર્થ નંબર 3નાં મશીનીકરણ અને પ્રસ્તાવિત રિવરફ્રન્ટ વિકાસ યોજનાનો પણ શુભારંભ કર્યો હતો.
GP/DS
(Release ID: 1599233)
Visitor Counter : 229