પ્રધાનમંત્રીનું કાર્યાલય

વૈશ્વિક સ્તરે મંદી હોવા છતાં, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને વેગ આપ્યો, લાખો લોકોને ગરીબીમાંથી ઉગાર્યા: પ્રધાનમંત્રી


બ્રિક્સ દેશો વચ્ચે વેપાર અને રોકાણોના લક્ષ્યો વધુ મહત્વાકાંક્ષી હોવા જોઈએ:પ્રધાનમંત્રી

રાજકીય સ્થિરતા, સરળ નીતિઓ અને મૈત્રીપૂર્ણ વ્યવસાયિક સુધારાને લીધે ભારત વિશ્વની સૌથી વધુ ખુલ્લી અને મૈત્રીપૂર્ણ રોકાણ અર્થવ્યવસ્થા છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ વ્યાપાર મંચને સંબોધન કર્યું

Posted On: 14 NOV 2019 4:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના વડાઓએ પણ આ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સ દેશો વિશ્વની આર્થિક વૃદ્ધિનો 50 ટકા હિસ્સો ધરાવે છે. વૈશ્વિક સ્તરે મંદી હોવા છતાં, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને વેગ આપ્યો, લાખો લોકોને ગરીબીમાંથી ઉગાર્યા છે તેમજ ટેક્નોલૉજી અને નવીનીકરણમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

પ્રધાનમંત્રીએ ઇચ્છા વ્યક્ત કરી કે ઇન્ટ્રા-બ્રિક્સ વેપાર અને રોકાણ લક્ષ્યાંક વધુ મહત્વાકાંક્ષી હોવા જોઈએ અને બ્રિક્સ દેશો વચ્ચેના વેપારની કિંમતમાં વધુ ઘટાડો કરવા સભ્ય દેશોના સૂચનોને આવકાર્યા હતા. પ્રધાનમંત્રીએ એમ પણ સૂચન કર્યું કે આગામી બ્રિક્સ સમિટ દ્વારા ઓછામાં ઓછા પાંચ એવા ક્ષેત્રોની પસંદગી કરવી જોઈએ જેમાં પૂરકતાના આધારે બ્રિક્સ દેશો વચ્ચે સંયુક્ત સાહસની રચના થઈ શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આવતીકાલે સમિટ દરમિયાન ચર્ચા માટે આયોજીત બ્રિક્સ નેટવર્ક અને બ્રિકસ ઇન્સ્ટિટ્યુશન ફોર ફ્યુચર નેટવર્ક જેવી મહત્વપૂર્ણ પહેલ અંગે વિચારણા કરવામાં આવશે. તેમણે માનવ સંસાધન પર કેન્દ્રિત આ પ્રયાસોમાં જોડાવા માટે ખાનગી ક્ષેત્રને વિનંતી કરી. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે પાંચ દેશોએ પરસ્પર સામાજિક સુરક્ષા કરાર પર પણ વિચાર કરવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાજકીય સ્થિરતા, સરળ નીતિઓ અને મૈત્રીપૂર્ણ વ્યવસાયિક સુધારાને લીધે ભારત વિશ્વની સૌથી વધુ ખુલ્લી અને મૈત્રીપૂર્ણ રોકાણ અર્થવ્યવસ્થા છે.

 

NP/RP/DS


(Release ID: 1591547) Visitor Counter : 163