પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બેંગકોકમાં સામુદાયિક કાર્યક્રમ ‘સ્વાસદી પ્રધાનમંત્રી મોદી’ને સંબોધન કર્યું


પ્રધાનમંત્રીએ ‘તિરુક્કુરલ’નાં થાઈ અનુવાદનું વિમોચન કર્યું અને ગુરુ નાનકની 550મી જન્મજયંતીનાં ઉપક્રમે સ્મૃતિ સિક્કાનું લોકાર્પણ કર્યું

ભારત-મ્યાન્માર-થાઇલેન્ડ વચ્ચેનો ત્રિપક્ષીય હાઇવે ત્રણે દેશ વચ્ચે સતત જોડાણ પ્રદાન કરશે, જેનાથી સંપૂર્ણ વિસ્તારનાં વિકાસને વેગ મળશેઃ પ્રધાનમંત્રી

Posted On: 02 NOV 2019 8:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં બેંગકોકમાં સ્વાસ્દી પ્રધાનમંત્રી મોદી સામુદાયિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં થાઇલેન્ડમાં વસતાં પ્રવાસી ભારતીય સમુદાયનાં હજારો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભારત અને થાઇલેન્ડ વચ્ચે ઐતિહાસિક સંબંધો

પ્રધાનમંત્રી મોદીએ કેટલીક ભારતીય ભાષાઓમાં લોકોનું અભિવાદન કર્યું હતું, જે થાઇલેન્ડમાં વસતાં ભારતીય સમુદાયની વિવિધતાનું પ્રતિબિંબ છે. આ કાર્યક્રમને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તેમની થાઇલેન્ડની પ્રથમ સત્તાવાર મુલાકાત છે, જેમાં તેઓ ઇન્ડિયા-આસિયાન શિખર સંમેલનમાં સહભાગી થવા આવ્યાં છે. તેમણે ભારત અને થાઇલેન્ડ વચ્ચે સદીઓ જૂનાં ઐતિહાસિક સંબંધોનો સંદર્ભ આપ્યો હતો, જે દક્ષિણ પૂર્વ એશિયા સાથે ભારતનાં દરિયાકિનારાનાં રાજ્યોનાં વેપારી સંબંધો મારફતે હજારો વર્ષ અગાઉ સ્થાપિત થયા હતાં. આ સંબંધોથી બંને દેશો વચ્ચે સમાન સાંસ્કૃતિક અને જીવનશૈલીને મજબૂત થવાનો લાભ મળ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ જે દેશોનો પ્રવાસ કરે છે ત્યાં વસતાં ભારતીય સમુદાયનાં લોકોને મળવાનો તેઓ પ્રયાસ કરે છે. તેમણે વિદેશમાં વસતાં ભારતીયોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનાં આદર્શ દૂત ગણાવીને તેમની પ્રશંસા કરી હતી.

તિરુક્કુરુલનો થાઈ અનુવાદ અને ગુરુ નાનકની 550મી જન્મજયંતીનાં ઉપક્રમે સ્મૃતિ સિક્કાનું લોકાર્પણ

પ્રધાનમંત્રીએ તમિલ ભાષાનાં ક્લાસિક પુસ્તક તિરુક્કુરલનાં થાઈ ભાષામાં થયેલા અનુવાદિત પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પુસ્તક દરેક વ્યક્તિનાં જીવનમાં દિવાદાંડી બની જાય છે. તેમણે ગુરુ નાનકની 550મી જન્મજયંતીનાં ઉપક્રમે એક સ્મૃતિ સિક્કાનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુરુ નાનકનાં ઉપદેશો સંપૂર્ણ સમુદાય માટે વારસા સમાન છે. તેમણે કહ્યું હતું કે, 9 નવેમ્બરથી કરતારપુર કોરિડોર વાયા કરતારપુર સાહિબ સાથે સીધું જોડાણ સ્થાપિત થશે, જેની મુલાકાત લેવા દરેકને આમંત્રણ, દરેકનું સ્વાગત છે.

પ્રવાસનને પ્રોત્સાહન અને એક્ટ ઇસ્ટ પોલિસી પ્રત્યે કટિબદ્ધતા

પ્રધાનમંત્રીએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બુદ્ધા સર્કિટને વિકસાવવા લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ભારતે ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ગ્લોબલ ઇન્ડેક્સમાં 18 સ્થાનની હરણફાળ ભરી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને મેડિકલ પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમજ પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો સુધી જોડાણ માટે માળખાગત સુવિધાઓ વિકસાવી રહી છે.

ભારતની એક્ટ-ઇસ્ટ પોલિસીની રૂપરેખા આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત થાઇલેન્ડ સાથે ઉત્તર-પૂર્વને જોડવાનાં પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર આ વિસ્તારને દક્ષિણ-પૂર્વ એશિયાનાં પ્રવેશદ્વાર બનાવવા માટે કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત-મ્યાન્માર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે ત્રણે દેશો વચ્ચે સતત જોડાણ સ્થાપિત કરશે, જેનાથી સંપૂર્ણ વિસ્તારનાં વિકાસને વેગ મળશે.

જનકલ્યાણ પ્રત્યે સરકારની કટિબદ્ધતા

ભારતની લોકશાહી પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ઐતિહાસિક ચૂંટણીઓ વિશે વાત કરી હતી, જેમાં તેમની સરકારે વધારે મોટી બહુમતી સાથે બીજી વાત જનાદેશ મેળવ્યો હતો.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં લીધેલા કેટલાંક મોટાં નિર્ણયો અને સરકારની સફળતાઓ વિશે જાણકારી આપી હતી, જેમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવાનો નિર્ણય સામેલ છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં 8 કરોડ કુટુંબોને એલપીજી જોડાણ મળ્યું છે – લાભાર્થીઓનો આ આંકડો થાઇલેન્ડની સંપૂર્ણ જનસંખ્યા કરતાં વધારે છે. આયુષ્માન ભારત યોજના 50 કરોડથી વધારે ભારતીયોને હેલ્થકેરનો લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દરેક માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે અને વર્ષ 2022 સુધીમાં દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચતું કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

 

 

RP

 



(Release ID: 1590147) Visitor Counter : 160