પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુજરાતનાં કેવડિયામાં સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે એકતા દિવસ પરેડ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
31 OCT 2019 3:53PM by PIB Ahmedabad
હું કહીશ સરદાર પટેલ – તમે બધા બંને હાથ ઉપર કરીને પૂરી તાકાત સાથે બોલશો- અમર રહે અમર રહે.
સરદાર પટેલ – અમર રહે, અમર રહે.
સરદાર પટેલ – અમર રહે, અમર રહે.
સરદાર પટેલ – અમર રહે, અમર રહે.
સાથીઓ, આપણે લોકોએ સરદાર વલ્લભભાઇ પટેલના વિચારો હજુ હમણાં જ સાંભળ્યા. તેમનો અવાજ આપણા કાનમાં ગૂંજવો, તેમના વિચારોની વર્તમાનમાં મહત્તા, પ્રતિપળ દેશની એકતા અને અખંડતાની માટે વિચારવું- આ આજે તેમના એક એક શબ્દમાં, તેમની વાણીમાં આપણે અનુભવ કરી રહ્યા હતા. તેમની વાણીમાં જે શક્તિ હતી, તેમના વિચારોમાં જે પ્રેરણા હતી તેને પ્રત્યેક હિન્દુસ્તાની અનુભવ કરી શકે છે અને તે પણ ખૂબ વિશેષ છે કે આપણે સરદાર સાહેબનો અવાજ તેમની જ સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં સાંભળી રહ્યા હતા.
સાથીઓ, જે રીતે કોઈ શ્રદ્ધા સ્થળ પર આવીને એક અસિમ શાંતિ પ્રાપ્ત થાય છે, એક નવી ઊર્જા મળે છે, તેવો જ અનુભવ મને અહિયાં સરદાર સાહેબની પાસે આવીને થઇ રહ્યો છે. લાગે છે જાણે તેમની પ્રતિમાનું પણ એક પોતાનું વ્યક્તિત્વ છે, સામર્થ્ય છે, સંદેશ છે; એટલી જ વિશાળ, એટલી જ દૂરદર્શી અને એટલી જ પવિત્ર, દેશના જુદા જુદા-જુદા ખૂણેથી, ખેડૂતો પાસેથી મળેલા લોખંડથી, જુદા-જુદા ભાગોની માટીથી આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ થયું છે, તેનો આધાર બન્યો છે અને એટલા માટે આ પ્રતિમા આપણી વિવિધતામાં એકતાનું પણ જીવંત પ્રતિક છે, જીવતો જાગતો સંદેશ છે.
સાથીઓ, આજથી બરાબર એક વર્ષ પહેલા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી હતી. આજે આ પ્રતિમા માત્ર ભારતવાસીઓને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે, પ્રેરિત કરી રહી છે. આજે આ પ્રેરણા સ્થળી પરથી સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરી સંપૂર્ણ રાષ્ટ્ર ગૌરવનો અનુભવ કરી રહ્યું છે.
હમણાં થોડા સમય પહેલા જ રાષ્ટ્રીય એકતાના સંદેશનો પુનરોચ્ચાર કરવા માટે, એકતા મંત્રને જીવવા માટે, એકતાના ભાવને ચરિતાર્થ કરવા માટે, એકતા- એ આપણા સંસ્કાર છે, તે આપણી સંસ્કાર સરિતા છે, એકતા- તે આપણા ભાવિ સપનાઓનું સૌથી મોટું સંબલ છે અને તેને જ ધ્યાનમાં રાખીને રન ફોર યુનિટી – રાષ્ટ્રીય એકતા દોડ હિન્દુસ્તાનના દરેક ખૂણામાં સંપન્ન થઇ. દેશના જુદા-જુદા શહેરોમાં, ગામડાઓમાં, જુદા-જુદા ક્ષેત્રોમાં, દેશના નાગરિકોએ; વયોવૃદ્ધ-વડીલો સૌએ, સ્ત્રી પુરુષ દરેકે આગળ આવીને આમાં ભાગ લીધો છે. અહિયાં પણ આજે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનોમાં ભાગ લેવા બદલ હું દરેક દેશવાસીને અભિનંદન આપું છું.
સાથીઓ, સમગ્ર દુનિયામાં જુદા-જુદા દેશ, જુદા-જુદા પંથ, જુદીજુદી વિચારધારાઓ, જુદી-જુદી ભાષાઓ, જાત-જાતના રંગ-રૂપ; વિશ્વમાં દરેક દેશના નિર્માણમાં લોકો જોડાતા ગયા અને કાફલો બનતો ગયો. પરંતુ આપણે એ વાત ક્યારેય ના ભૂલીએ- આપણે ક્યારેક ક્યારેક જોઈ શકીએ છીએ કે એકરૂપતા એ દેશોની વિશેષતા રહી છે, ઓળખ રહી છે અને તેને ઢાળવાનો ખૂબ યોજનાબદ્ધ પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. સારું છે, ખરાબ છે, સાચું છે, ખોટું છે- ઈતિહાસ પોતાનું મૂલ્યાંકન કરતો રહે છે પરંતુ ભરપૂર કોશિશો કરવી પડી છે.
પરંતુ ભારતની ઓળખ જુદી છે. ભારતની વિશેષતા છે ભારતની વિવિધતામાં એકતા. આપણે વિવિધતાઓથી ભરેલા લોકો છીએ. વિવિધતામાં એકતા એ આપણો ગર્વ છે, આપણું ગૌરવ છે, આપણી ગરિમા છે, આપણી ઓળખ છે. આપણે ત્યાં વિવિધતાને, વૈવિધ્યને ઉજવવામાં આવે છે. આપણે વિવિધતામાં ક્યારેય પણ, સદીઓથી વિવિધતામાં વિરોધાભાસ ક્યારેય નથી દેખાતો પરંતુ આપણને વિવિધતામાં અંતર્નિહિત એકતાનું સામર્થ્ય દેખાય છે.
વિવિધતાની ઉજવણી, વિવિધતાનો ઉત્સવ તેની અંદર છૂપાયેલી એકતાનો સ્પર્શ કરાવે છે, તેને ઉપસાવીને બહાર લાવે છે, જીવવાની પ્રેરણા આપે છે, જોડાવાનો જુસ્સો આપે છે, મંજિલની સાથે પોતપોતાના ઉદ્દેશ્યો જોડાતા જાય છે અને મંજિલો પાર પણ થતી જાય છે.
જ્યારે આપણે દેશની જુદી-જુદી ભાષાઓ અને સેંકડો બોલીઓ પર ગર્વ કરીએ છીએ તો બોલીઓ ભિન્ન હોવા છતાં પણ ભાવનાનું બંધન બંધાઈ જાય છે; જ્યારે આપણે આપણી જુદીજુદી ખાણીપીણી, વેશભૂષાઓને આપણી સમૃદ્ધ વિરાસત સમજીએ છીએ તો પોતાપણાની મિઠાશ તેમાં ભળી જ જાય છે; જ્યારે આપણે જુદા-જુદા ક્ષેત્રોના તહેવારોમાં સામેલ થઈએ છીએ તો તેમની ખુશી વધારે વધી જાય છે અને નવા રંગો ભરાઈ જાય છે, અને નવી મહેક આવવા લાગે છે.
જ્યારે આપણે જુદા-જુદા રાજ્યોની પરંપરાઓનો, વિશેષતાઓનો, સંસ્કૃતિઓનો, તેમની વિવિધતાઓનો આનંદ લઈએ છીએ તો ભારતીયતાનું ગૌરવ, ભારતીયતાનો ભાવ ચારેય દિશાઓમાં ફેલાય છે, પ્રસરે છે, ખીલે છે, ગૌરવ ખૂબ જ વધી જાય છે. જ્યારે આપણે વિભિન્ન પંથ, સંપ્રદાયો, તેમની પરંપરાઓ, આસ્થાઓનું સમાન રૂપે સન્માન કરીએ છીએ ત્યારે સદભાવ, સ્નેહભાવ, તેમાં પણ અનેકગણી વૃદ્ધિ થઇ જાય છે અને એટલા માટે આપણે પ્રતિક્ષણ વિવિધતાના દરેક અવસરને ઉજવવાનો છે, ઉત્સવના રૂપમાં તેને ઉજવવાનો છે, દિલથી તેમાં જોડાવાનું છે અને આ જ તો એક ભારત શ્રેષ્ઠ ભારત, આ જ તો રાષ્ટ્ર નિર્માણ છે.
સાથીઓ, આ તે તાકાત છે કે જે આખી દુનિયામાં બીજા કોઇપણ દેશના ભાગ્યમાં નહીં મળે. અહિયાં દક્ષિણથી નિકળેલા આદિ શંકરાચાર્ય ઉત્તરમાં જઈને હિમાલયના ખોળામાં પહોંચી મઠોની સ્થાપના કરે છે, અહિં બંગાળથી નિકળેલા સ્વામી વિવેકાનંદને દેશના દક્ષિણ છેડે, કન્યાકુમારીમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, અહિં પટનામાં અવતરિત થયેલ જન્મ ધારણ કરેલ ગુરુ ગોવિંદસિંહજી પંજાબમાં જઈને દેશની રક્ષા માટે ખાલસા પંથની સ્થાપના કરે છે, અહિં રામેશ્વરમમાં જન્મેલા અબ્દુલ કલામ દિલ્હીમાં દેશના સર્વોચ્ચ પદ પર આસીન થાય છે, ગુજરાતના પોરબંદરની ધરતી પર જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી ચંપારણમાં, બિહારમાં જઈને દેશને જગાડવાનું બીડું ઝડપે છે અને એટલા માટે હું માનું છું કે આપણી એકતાની આ તાકાતનું પર્વ સતત ઉજવવું ખૂબ જરૂરી છે.
એકતાની આ તાકાત જ છે જેનાથી ભારતીયતાનો પ્રવાહ છે, ગતિ છે; એકતાની આ તાકાત જ છે જે સાચા અર્થમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત આપણા બંધારણની પ્રેરણા પણ છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા- આપણે ભારતના લોકો- આ ત્રણ ચાર શબ્દો નથી, માત્ર આપણા બંધારણની શરૂઆત જ નથી, તે હજારો વર્ષોથી ચાલી આવતી ભારતીયોની એકતાના ભાવને શબ્દોમાં સજાવેલ આપણો ચિર પુરાતન સાંસ્કૃતિક ઇતિહાસ છે, પરંપરા છે, વિશ્વાસ છે, પ્રતિબિંબ છે.
સાથીઓ, હું તમને રમતગમતની દુનિયામાંથી એક ઉદાહરણ આપું છું. આપણે જાણીએ છીએ જ્યારે ગામડામાં રમતની શરૂઆત થાય છે, પ્રતિયોગીતા યોજાય છે તો તે જ ગામની બંને ટીમો જીતવા માટે પૂરી તાકાત લગાવી દે છે. એક હારે છે, એક જીતે છે- જીતનારો જિલ્લામાં જતો રહે છે. જ્યારે જિલ્લામાં રમત રમવામાં આવે છે તો હારનારી ટીમ સહિત તે ગામના લોકો પણ અને જિલ્લાના લોકો પણ પોતાની ટીમ જીતી જાય તેની માટે એકતા સાથે ઉભા રહી જાય છે. પરંતુ જયારે બીજો જિલ્લો હારી જાય છે, પરંતુ જ્યારે ટીમ જિલ્લામાં જાય છે મુકાબલો કરવા માટે તો પછી હારનારો પણ જિલ્લાની જીત માટે જોડાઈ જાય છે અને આખો જિલ્લો એક બનીને જીતવા માટે આગળ આવે છે અને જ્યારે રાજ્યની અંદર જિલ્લાઓની સ્પર્ધા થાય છે તો જિલ્લો આગળ વધે છે; જ્યારે દેશની અંદર રાજ્યોની પ્રતિયોગીતા થાય છે તો રાજ્યના વિજય માટે બધા એકજૂથ થઇ જાય છે. જય-પરાજય મહત્વ નથી રાખતી.
એકતાનો ભાવ અને જ્યારે આંતરરાષ્ટ્રીય જગતમાં રમવા માટે જાય છે તો દરેક વ્યક્તિ ભૂલી જાય છે કે તે ટીમ ક્યાંની હતી, ખેલાડી ક્યાંનો હતો, ભાષા તેની કઈ હતી, તેણે મને હરાવ્યો હતો કે નહોતો હરાવ્યો; બધું જ ભૂલી જાય છે અને જ્યારે હિન્દુસ્તાનના તિરંગાને પોતાના ખભા પર લઈને જયારે તે વિજયની દોડ લગાવે છે તો આખું હિન્દુસ્તાન દોડી જાય છે, એક સાથે ભારત માંનો જયકારો નીકળી પડે છે; આ જ તો એકતાની તાકાત છે જેનો આપણે અનુભવ કરીએ છીએ.
જ્યારે વિદેશી ધરતી પર મેડલ જીત્યા બાદ તિરંગો લહેરાય છે તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, મહારાષ્ટ્રથી લઈને મણિપુર સુધી એક સાથે દરેક હિન્દુસ્તાની રોમાંચિત થઇ ઉઠે છે, દરેક વ્યક્તિની ભાવનાઓ ઉછળી પડે છે.
સાથીઓ, જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલ 500થી વધુ રજવાડાઓના એકીકરણના ભગીરથ કાર્ય માટે નીકળ્યા હતા તો આ જ તે ચુંબકીય શક્તિ હતી જેમાં મોટાભાગના રાજા રજવાડાઓ તે જ ભાવ વિશ્વની અંદર ખેંચાઈને ચાલ્યા આવ્યા હતા. તે વખતે દરેક રજવાડા અને ત્યાના લોકોમાં ક્યાંક ને ક્યાંક ભારતીયતાની ભાવના ભરેલી પડી હતી. સેંકડો વર્ષોની ગુલામીના કાળખંડમાં રાજા રજવાડાંમાં ભારતીયતાનો આ ભાવ પ્રગટ કરવાનો અવસર મળ્યો હોય કે ના મળ્યો હોય, ક્યારેય તેઓ પ્રગટ કરી શક્યા હોય કે ના કરી શક્યા હોય, પરંતુ ભારતીયતાનો આ ભાવ સદીઓની ગુલામી છતાં પણ, જુદા જુદા સંકટો છતાં પણ, જુદા જુદા પ્રકારના લોભ, તે છતાં પણ ભારતીયતાની તે ભાવના હિન્દુસ્તાનના કોઈ ને કોઈ ખૂણામાં ક્યારેય લુપ્ત નહોતી થઇ અને એટલા માટે સરદાર પટેલ જ્યારે એકતાના મંત્રને લઈને નીકળ્યા તો બધા જ તેમની છત્રછાયામાં ઉભા રહી ગયા.
અને ભાઈઓ બહેનો, આપણે એ વાત હંમેશા યાદ રાખવી પડશે કે શતાબ્દીઓ પહેલા તમામ રજવાડાંઓને સાથે લઈને, એક ભારતનું સપનું લઈને રાષ્ટ્રના પુનરોદ્ધારનો સફળ પ્રયાસ કરનાર આપણા ઈતિહાસમાં એક બીજું નામ પણ હતું- અને તે એક નામ હતું ચાણક્યનું. ચાણક્યએ સદીઓ પહેલા, પોતાના કાળખંડમાં દેશની શક્તિને એકજૂથ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાણક્ય બાદ, સદીઓ પછી જો આ કામ કોઈ કરી શક્યું હોય તો તે આપણા સરદાર વલ્લભભાઇ પટેલ કરી શક્યા હતા. નહિતર અંગ્રેજો તો ઈચ્છતા જ હતા કે આઝાદીની સાથે જ આપણું ભારત છિન્નભિન્ન થઇ જાય. પરંતુ સરદાર પટેલે પોતાની ઈચ્છા શક્તિ વડે દેશને એકસૂત્રમાં પરોવીને દેશ વિરોધી બધી જ શક્તિઓને હરાવી દીધી.
ભાઈઓ અને બહેનો, આજે વિશ્વ મંચ અને વિશ્વ મંચ પર આપણો પ્રભાવ તથા સદભાવ, બંને વધી રહ્યા છે તો તેનું કારણ આપણી એકતા છે. વિવિધતામાં એકતા- તે આપણી ઓળખ છે. આજે સમગ્ર દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે તો તેનું કારણ કાશ્મીરથી કન્યાકુમારી, અટકથી કટક- એક રાષ્ટ્ર, શ્રેષ્ઠ રાષ્ટ્ર, મહાન સંસ્કૃતિ, મહાન પરંપરા- એ જ તો આપણી શક્તિ છે અને આ જ એક આપણું કારણ છે.
આજે ભારત વિશ્વની મોટી આર્થિક તાકાતોમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે, પોતાના હકનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. કારણ અર્થ જગતનું હશે, મામલો રૂપિયા, ડોલર અને પાઉન્ડનો હશે, પરંતુ તેની પાછળની સાચી તાકાત દેશની એકતા છે, દેશવાસીઓના સંકલ્પ છે, દેશવાસીઓનો પુરુષાર્થ છે, દેશવાસીઓનો સંકલ્પને સિદ્ધ કરવા માટેનો અથાગ, અથક પુરુષાર્થ અને પરિશ્રમ છે. દુનિયાને આપણી આ વિવિધતા અજાયબી લાગે છે, જાદૂગરી લાગે છે, પરંતુ આપણે ભારતીયો માટે આ તો આપણી અંતર્પ્રવાહિત જીવનધારા છે. આ તે જીવનધારા છે જે આદિકાળથી અનવરત આપણી સંસ્કાર સરિતા બનીને આપણા મન-મંદિરમાંથી પ્રવાહિત થતી રહે છે, પુલકિત કર્યા કરે છે, સમયાન્તરે તેમાં નવી નવી વસ્તુઓ ઉમેરાતી રહે છે, જે જીવનધારા પર સરદાર પટેલનો અતૂટ અને અખંડ વિશ્વાસ હતો.
સાથીઓ, 21મી સદીમાં ભારતની આ જ એકતા, ભારતના વિરોધીઓની સામે સૌથી મોટો પડકાર છે. હું આજે રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રત્યેક દેશવાસીને દેશ સમક્ષ ઉપસ્થિત આ પડકાર યાદ અપાવી રહ્યો છું. કેટલાય આવ્યા, કેટલાય ચાલ્યા ગયા; મોટા મોટા સપનાઓ, મોટા મોટા ઉદ્દેશ્યો લઈને આવ્યા હતા અને છતાં પણ વાત તો એ જ નીકળી- કઈક વાત તો છે કે આપણું અસ્તિત્વ નાબૂદ નથી થતું.
ભાઈઓ અને બહેનો, જે આપણી સામે યુદ્ધ નથી જીતી શકતા તેઓ આપણી આ જ એકતાને પડકાર ફેંકી રહ્યા છે, આપણી એકતાની વચ્ચે છિદ્ર પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, અલગાવને ઉપસાવવાનો પ્રયાસ કરે છે, આપણા એકતાના ભાવને પડકાર ફેંકી રહ્યા છે. સદીઓથી સાચવી રાખેલી, આપણી અંદર સામર્થ્ય બનીને જીવિત રહેલ એકતાને લલકારવામાં આવી રહી છે પરંતુ તેઓ ભૂલી જાય છે સદીઓની આવી જ કોશિશો છતાં પણ આપણને કોઈ નષ્ટ નથી કરી શક્યું, આપણી એકતાને કોઈ હરાવી નથી શક્યું.
અને એટલા માટે સાથીઓ, જયારે આપણી વિવિધતાઓની વચ્ચે એકતા પર બળ આપવાની જે પણ વાતો હોય છે તે આ તાકાતોને જડબાતોડ જવાબ આપવાનું સામર્થ્ય ધરાવે છે અને તેમને જવાબ મળે પણ છે. જ્યારે આપણી વિવિધતાઓની વચ્ચે આપણે એકતાના માર્ગ પર ચાલીએ છીએ તો આ તાકાતોને ચકનાચૂર કરી નાખીએ છીએ અને એટલા માટે આપણે 130 કરોડ ભારતીયોએ એકજૂથ રહીને જ તેનો સામનો કરવાનો છે અને તે જ સરદાર વલ્લભભાઇ પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે. આપણે આની દરેક પરીક્ષામાં સફળ થવાનું છે.
ભાઈઓ અને બહેનો, સરદાર સાહેબના આશિર્વાદથી આ તાકાતોને પરાજિત કરવાનો એક બહુ મોટો નિર્ણય દેશે કેટલાક અઠવાડિયાઓ પહેલા જ લેવામાં આવ્યો છે. સાથીઓ, આર્ટીકલ 370 કલમ 370 જમ્મૂ-કાશ્મીરને અલગાવવાદ અને આતંકવાદ સિવાય કઈ જ નથી આપ્યું. સમગ્ર દેશમાં જમ્મૂ-કાશ્મીર જ એકમાત્ર સ્થાન હતું કે જ્યાં કલમ 370 હતી, અને સમગ્ર દેશમાં જમ્મૂ-કાશ્મીર જ એકમાત્ર સ્થાન હતું જ્યાં ત્રણ દાયકાઓમાં આતંકવાદે લગભગ લગભગ 40 હજાર લોકો કરતા પણ વધુ માણસોના જીવ લઇ લીધા હતા, મૃત્યુના દરવાજે પહોંચાડી દીધા હતા. અનેક માતાઓ પોતાના દીકરાઓને ગુમાવી ચુકી છે, અનેક બહેનો પોતાના ભાઈઓને ગુમાવી ચૂકી છે, અનેક બાળકો પોતાના માતાપિતા ગૂમાવી ચૂક્યા છે.
સાથીઓ, ક્યાં સુધી? ક્યાં સુધી દેશ નિર્દોષોની મોતને જોતો રહેશે? સાથીઓ, દાયકાઓ સુધી આપણા ભારતીયોની વચ્ચે આ કલમ 370 એક અદ્રશ્ય દિવાલ ચણી રાખી હતી. આપણા જે ભાઈઓ બહેનો તે અદ્રશ્ય દિવાલની પેલે પાર હતા, તેઓ પણ અસમંજસમાં રહેતા હતા. જે દિવાલ કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદ વધારી રહી હતી, આજે સરદાર સાહેબની આ ભવ્ય પ્રતિમાની સામે ઉભો છું તો માથું નમાવીને પૂરી નમ્રતા સાથે સરદાર સાહેબને હું હિસાબ આપી રહ્યો છું. આ સરદાર સાહેબ- તમારું જે સપનું અધૂરું હતું- હવે તે દિવાલ પાડી નાખવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો, ક્યારેક સરદાર પટેલે કહ્યું હતું કે જો કાશ્મીરનો મામલો તેમની પાસે રહ્યો હોત તો તેને ઉકેલવામાં આટલી વાર ના લાગત. તેઓ દેશને આગાહી કરીને ગયા હતા કે જમ્મૂ-કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ એકીકરણ એ જ એકમાત્ર ઉપાય છે. આજે તેમની જન્મ જયંતી પર હું કલમ 370ને નાબૂદ કરવાનો નિર્ણય આજે આ ભવ્ય પ્રતિમાની સામે ઉભા રહીને, જ્યાં પણ સરદાર સાહેબની આત્મા હશે, ભારતના સંસદમાં ભારે બહુમતથી, એકતા સાથે 5 ઓગસ્ટના રોજ જે મહાન નિર્ણય લેવામાં આવ્યો છે, તે મહાન નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું. તે આપણા સૌ લોકોનું સૌભાગ્ય છે કે આપણને સરદાર સાહેબના અધૂરા સપનાને પૂરું કરવાનો અવસર મળ્યો છે. આપણને એ વાતની પણ ખુશી છે કે આજથી જ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ એક નવા ભવિષ્ય તરફ ડગ માંડી રહ્યા છે અને તે પણ સોનામાં સુગંધ ભળવા જેવું છે કે એકતાના પૂજારી સરદાર સાહેબની જન્મ જયંતી પર જ લદ્દાખ, જમ્મૂ અને કાશ્મીર પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત પગલા ભરી રહ્યા છે.
હમણાં તાજેતરમાં જ મારા ભાઈઓ બહેનો, ગયા અઠવાડિયે જ ત્યાં આગળ બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સેલની ચૂંટણીમાં... અને તમને જાણીને નવાઈ લાગશે આઝાદી પછી આટલા વર્ષો સુધી લોકશાહીની વાતો તો ઘણી થઇ પરંતુ જમ્મૂ-કાશ્મીરના નાગરિકોને લોકશાહીના તે અધિકારો નહોતા મળી શક્યા. કલમ 370ને બહાનું બનાવવામાં આવ્યું, બીડીસીની ચૂંટણીઓ ક્યારેય થઇ જ નહોતી. પહેલી વાર, આઝાદી પાછી સૌપ્રથમ વાર બીડીસીની ચૂંટણીઓ થઇ અને મતદાતા પંચ-સરપંચ હોય છે. હમણાં ગયા અઠવાડિયે જ ચૂંટણી થઇ, 98 ટકા પંચ-સરપંચોએ મત આપ્યા. આ ભાગીદારી પોતાનામાં જ એકતાનો સંદેશ છે, સરદાર સાહેબનું પુણ્ય સ્મરણ છે.
હવે જમ્મૂ-કાશ્મીરમાં એક રાજનૈતિક સ્થિરતા આવશે, હવે અંગત સ્વાર્થ માટે સરકારો બનાવવા અને પાડી નાખવાની રમત બંધ થઇ જશે, હવે ક્ષેત્રના આધાર પર ભેદભાવની ફરિયાદો અને આરોપો ખતમ થઇ જશે, હવે સહયોગાત્મક સંઘવાદની અસલી ભાગીદારી- વિકાસ યાત્રા માટે ખભે ખભો મિલાવીને ચાલવાના યુગનો આરંભ થશે. નવા ધોરીમાર્ગો, નવી રેલ્વે લાઈનો, નવી શાળાઓ, નવી કોલેજો, નવા દવાખાનાઓ, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસની નવી ઉંચાઈઓ પર લઇ જશે.
સાથીઓ, ઓગસ્ટના મહિનામાં રાષ્ટ્રના નામે સંબોધનમાં મેં જમ્મૂ-કાશ્મીરના લોકોને એક વાયદો કર્યો હતો. મેં કહ્યું હતું કે રાજ્યના કર્મચારીઓને, જમ્મૂ-કાશ્મીર પોલીસને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓની બરાબર, યુનિયન ટેરીટરીઝના એમ્પ્લોઇઝની સમાન સુવિધાઓ મળશે. મને ખુશી છે કે આજથી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના બધા જ કર્મચારીઓને સાતમાં પગાર પંચ દ્વારા સ્વિકૃત ભથ્થાનો પણ લાભ મળવાનો શરુ થઇ જશે.
સાથીઓ, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં નવી વ્યવસ્થાઓ જમીન પર સીમાઓ બાંધવાના ઉદ્દેશ્યથી નથી, તે હું ખૂબ જવાબદારી સાથે કહી રહ્યો છું. આ અમારો નિર્ણય જમીન પર રેખાઓ ખેંચવા માટે નથી પરંતુ વિશ્વાસની એક મજબૂત કડી બનાવવા માટે કરવામાં આવેલો સાર્થક પ્રારંભ છે. આ જ વિશ્વાસ છે, જેની કામના સરદાર વલ્લભભાઇ પટેલે પણ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની માટે કરી હતી, સપનું જોયું હતું. અને હું ફરીથી કહીશ- દેશની એકતા, દેશની એકતા પર થનારા હુમલાઓને આપણે પરાજિત કરીશું, જડબાતોડ જવાબ આપીશું. દેશની એકતાને તોડવાના કોઇપણ પ્રયાસને- લોકશાહીની તાકાત એટલી મોટી હોય છે, જનભાવના એટલી મજબૂત હોય છે કે તે ક્યારેય ટકી નહીં શકે.
સાથીઓ, સરદાર સાહેબની પ્રેરણા વડે જ આપણે સંપૂર્ણ ભારતના ભાવનાત્મક, આર્થિક અને બંધારણીય સંકલન પર ભાર મૂકવાની પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. આ તે પ્રયાસ છે જેના વગર 21મી સદીના વિશ્વમાં ભારતની મજબૂતીની કલ્પના આપણે નથી કરી શકતા.
ભાઈઓ અને બહેનો, યાદ કરો એક સમય હતો જયારે ઉત્તર-પૂર્વ અને બાકીના ભારતની વચ્ચેની અવિશ્વાસની ખીણ એટલી ઊંડી થતી જઈ રહી હતી. ત્યાંનો ભૌતિક સંપર્ક અને ભાવનાત્મક જોડાણ, બંનેને લઇને ગંભીર સવાલો વારંવાર ઉભા થતા હતા. પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. આજે ઉત્તર-પૂર્વનો અલગાવ- લગાવમાં પરિવર્તિત થઇ રહ્યો છે. દાયકાઓ જૂની સમસ્યાઓ હવે સમાધાન તરફ આગળ વધી રહી છે. હિંસા અને બ્લોકેજના એક લાંબા સમયગાળાથી આખા ઉત્તર-પૂર્વને મુક્તિ મળી રહી છે અને તે પણ ડંડાના જોર પર નહીં, તેમની સાથે ભાવનાત્મક સંબંધ જોડીને. દેશમાં સંકલનના અન્ય પ્રયાસો પણ- આ આપણી અવિરત પ્રક્રિયા છે, સતત જવાબદારી છે અને બધા જ દેશવાસીઓની જવાબદારી છે.
અને એટલા માટે ભાઈઓ-બહેનો, સતત અમારો પ્રયાસ છે અને તમે જોઈ રહ્યા છો આધારની ચર્ચા છે, આગળ આધાર છે ખરો. આધાર એટલે એક રાષ્ટ્ર એક ઓળખ હોય. જીએસટી એટલે એક રાષ્ટ્ર એક કર હોય. ઈ-નામ એટલે એક રાષ્ટ્ર એક કૃષિ બજાર હોય. વીજળી અને ગેસની માટે એક રાષ્ટ્ર એક ગ્રીડ હોય, એક રાષ્ટ્ર એક મોબીલીટી કાર્ડ હોય, એક રાષ્ટ્ર એક ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક હોય, કે પછી એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ હોય. આ બધા જ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત કરવાના જ કામ કરી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો, સરદાર સાહેબ કહેતા હતા- ભારતમાં સ્થાયિત્વની માટે ખૂબ જરૂરી છે યુનિટી ઓફ પર્પઝ, યુનિટી ઓફ એઈમ્સ અને યુનિટી ઓફ એન્ડેવર. આપણા ઉદ્દેશ્યોમાં સમાનતા હોય, આપણા લક્ષ્યોમાં સમાનતા હોય અને આપણા પ્રયાસોમાં સમાનતા હોય.
ભાઈઓ અને બહેનો, વીતેલા વર્ષોમાં અમે નવા ભારતના સમાન ઉદ્દેશ્યની સાથે ભારતની સામૂહિકતાને, આપણી અસલી તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય માનવીના જીવનમાંથી સરકારને ઘટાડીને ભારતના ભવિષ્યનો ભાગીદાર બનાવ્યો છે. આજે તે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત તો છે જ, પોતાના કર્તવ્યોને લઈને પણ આજે હિન્દુસ્તાનનો નાગરિક વધુ સક્રિય અને સચેત છે. સ્વચ્છતાની તે આજે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા, હિન્દુસ્તાનનો દરેક નાગરિક આગળ આવ્યો છે, તે પોતાનું કામ માનવા લાગ્યો છે. જયારે હું ફીટ ઇન્ડિયાની વાત કરું છું, ફિટનેસને પણ તે દેશની માટે પોતાના યોગદાનના રૂપમાં જોઈ રહ્યો છે. પાણીની બચતને તે પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય માનવા લાગ્યો છે. નિયમ કાયદાઓના પાલનને તે એકસમયે મજબૂરી સમજતો હતો, આજે તે તેને પોતાની જવાબદારી સમજીને નિભાવી રહ્યો છે. હવે તે ઘરેથી નીકળે છે તો પોતાની સાથે કપડાની એક થેલી પણ રાખી લે છે જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની જરૂર ના પડે.
સાથીઓ, હું સંપૂર્ણ દેશને આહ્વાહન કરું છું કે આવો- આપણે તે પૂરાતન ઉદ્ઘોષને યાદ કરીને આગળ વધીએ જેણે હંમેશા આપણને પ્રેરિત કર્યા છે. ઘણી વાર આપણે સાંભળ્યું છે, ઘણીવાર સમજવાનો પ્રયાસ કર્યો છે પરંતુ દેશ જેમ જેમ આગળ વધી રહ્યો છે, હવે દરેક હિન્દુસ્તાનીને તે મંત્રને જીવીને દેશને આગળ વધારવાનો છે અને તે મંત્ર છે –
सं गच्छ-ध्वं, सं वद-ध्वं, सं वो मनांसि जानताम्
એટલે કે આપણે સૌ સાથે મળીને ચાલીએ, એક સ્વરમાં વાત કરીએ, એક મનથી આગળ વધીએ.
સાથીઓ, એકતાનો આ જ એક માર્ગ છે જેના પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂરો થશે, નવા ભારતનું નિર્માણ થશે.
અંતમાં ફરી એકવાર આપ સૌને, સમગ્ર દેશને રાષ્ટ્રીય એકતા દિવસની અનેક અનેક શુભકામનાઓ આપું છું અને હું આજે અનુભવ કરી રહ્યો છું કે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા- તે માત્ર પ્રવાસનું નહીં, તે પ્રેરણાનું સ્થાન છે. અને મને શ્રદ્ધા છે કે આજે સરદાર સાહેબની આત્મા જ્યાં પણ હશે, એકતાના જે બીજને તેમણે વાવ્યું હતું, આજે હિન્દુસ્તાનના દરેક ખૂણામાં એકતાનું તે બીજ વટવૃક્ષ બનીને વિકસિત થઇ રહ્યું છે અને તેની છત્રછાયામાં 130 કરોડ સપનાઓ ઉછરી રહ્યા છે. જેના સામર્થ્ય વડે વિશ્વ આશ્વસ્ત થતું જઈ રહ્યું છે. વિશ્વમાં એક નવો વિશ્વાસ ઉત્પન્ન થતો જ રહ્યો છે. અને એટલા માટે સરદાર સાહેબે જે બીજ રોપ્યું છે, તે રોપેલા બીજને આપણા પરિશ્રમ વડે, આપણા પોતાના સપનાઓ વડે, આપણા પોતાના સંકલ્પો વડે આપણે વધુ સમૃદ્ધ બનાવવાનું છે અને સામર્થ્યવાન બનાવવાનું છે અને જન કલ્યાણ વડે જગત કલ્યાણનો માર્ગ આપણે લઈને આગળ વધવાનું છે.
મારા તરફથી આજે હું ફરી એકવાર દેશવાસીઓની તરફથી, ભારત સરકાર તરફથી, વ્યક્તિગત રૂપે મારા તરફથી સરદાર સાહેબની જન્મ જયંતી પર માથું નમાવીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. આપ સૌનો ખૂબ-ખૂબ આભાર. સંપૂર્ણ તાકાત સાથે બંને મુઠ્ઠી બંધ કરીને મારી સાથે બોલો-
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખૂબ-ખૂબ આભાર.
DS/RP
(રીલીઝ આઈડી: 1590074)
મુલાકાતી સંખ્યા : 697