પ્રધાનમંત્રીનું કાર્યાલય

વર્તમાન યુગમાં મહાત્મા ગાંધીના મહત્વ પર ઈસીઓએસઓસી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 SEP 2019 6:00PM by PIB Ahmedabad

મહાસચિવ એન્ટોનિયો ગુટેર્સ,

રાષ્ટ્રપતિ મુન,

પ્રધાનમંત્રી લી,

પ્રધાનમંત્રી શેખ હસીના,

પ્રધાનમંત્રી એન્ડ્ર્યુ હોલનેસ,

પ્રધાનમંત્રી આર્ડન,

પ્રધાનમંત્રી લોતે ત્શેરીંગ,

મહાનુભાવો, મિત્રો,

આપણે સૌ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર, આજના યુગમાં તેમની પ્રાસંગિકતા વિષે વાત કરવા માટે એકત્રિત થયા છીએ.

આપ સૌ વિશેષ અતિથીઓનું હું સ્વાગત કરું છું.

મહાત્માજીની દોઢસોમી જન્મ જયંતી પર એક સ્મૃતિ ટપાલ ટિકિટ જાહેર કરવા બદલ હું સંયુક્ત રાષ્ટ્રનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું.

ગાંધીજી ભારતીય હતા, પરંતુ માત્ર ભારતના જ નહોતા. આજે આ મંચ તેનું જીવંત ઉદાહરણ છે.

ઈતિહાસમાં એવું ક્યાંય જોવા નથી મળતું, જ્યારે કોઈ વ્યક્તિનો શાસન સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન હોય અને તે સત્ય અને અહિંસાની શક્તિ વડે, સદીઓ જૂના સામ્રાજ્યને માત્ર હચમચાવી જ ન દે પરંતુ અનેક દેશભક્તોમાં આઝાદીની તડપ પણ જગાવી દે.

મહાત્મા ગાંધી એવા જ વ્યક્તિ હતા અને સત્તાથી આટલા દૂર રહેવા છતાં આજે પણ તેઓ કરોડો લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે.

તમે કલ્પના કરી શકો છો કે જેમને ગાંધીજી ક્યારેય મળ્યા નથી, તે લોકો પણ તેમના જીવનથી કેટલા પ્રભાવિત રહ્યા. માર્ટીન લ્યુથર કિંગ જુનિયર હોય કે નેલ્સન મંડેલા તેમના વિચારોનો આધાર મહાત્મા ગાંધી હતા, ગાંધીજીનું વિઝન હતું.

સાથીઓ,

આજે લોકશાહીની પરિભાષાનો એક મર્યાદિત અર્થ રહી ગયો છે કે જનતા પોતાની પસંદગી અનુસારની સરકાર ચૂંટે અને સરકાર જનતાની અપેક્ષા અનુસાર કામ કરે. પરંતુ મહાત્મા ગાંધીએ લોકશાહીની અસલી શક્તિ પર ભાર મૂક્યો. તેમણે તે દિશા દેખાડી જેમાં લોકો શાસન પર નિર્ભર ન હોય અને સ્વાવલંબી બને.

સાથીઓ,

મહાત્મા ગાંધી, ભારતની આઝાદીની લડાઈના કેન્દ્ર બિંદુ હતા પરંતુ ક્ષણભર માટે આપણે એ પણ વિચારવું જોઈએ કે જો આઝાદ દેશમાં ગાંધીજી જન્મ્યા હોત તો તેઓ શું કરતા?

તેમણે આઝાદીની લડાઈ લડી, તે વાત મહત્વપૂર્ણ છે પરંતુ ગાંધીજીના કાર્યોનો વિસ્તાર માત્ર એટલો જ નથી.

મહાત્મા ગાંધીએ એક એવી સમાજ વ્યવસ્થાનું બીડું ઉઠાવ્યું, જે સરકાર પર નિર્ભર ન હોય.

મહાત્મા ગાંધી પરિવર્તન લાવ્યા, તે સર્વવિદિત છે પરંતુ તે કહેવું પણ યોગ્ય રહેશે કે તેમણે લોકોની આંતરિક શક્તિને જગાડીને તેમને સ્વયં પરિવર્તન લાવવા માટે જાગૃત કર્યા.

જો આઝાદીના સંઘર્ષની જવાબદારી ગાંધીજી ઉપર ન હોત તો પણ તેઓ સ્વરાજ અને સ્વાવલંબનના મૂળ તત્વને લઇને આગળ વધતા.

ગાંધીજીનો આ દૃષ્ટિકોણ આજે ભારતની સામે મોટા પડકારના સમાધાનનું મોટું માધ્યમ બની રહ્યો છે.

વીતેલા 5 વર્ષોમાં અમે જન ભાગીદારીને પ્રાથમિકતા આપી છે. પછી ભલે તે સ્વચ્છ ભારત અભિયાન હોય, કે ડિજિટલ ઇન્ડિયા હોય, પ્રજા હવે આ અભિયાનોનું નેતૃત્વ પોતે કરી રહી છે.

સાથીઓ,

મહાત્મા ગાંધીજી કહેતા હતા કે તેમનું જીવન એ જ તેમનો સંદેશ છે. ગાંધીજીએ ક્યારેય પોતાના જીવન વડે પ્રભાવ ઉત્પન્ન કરવાનો પ્રયાસ નથી કર્યો પરંતુ તેમનું જીવન જ પ્રેરણાનું કારણ બની ગયું. આજે આપણે ‘કેવી રીતે પ્રભાવિત કરવા’ - એવા સમયમાં જીવી રહ્યા છીએ પરંતુ ગાંધીજીનું દૃષ્ટિબિંદુ હતું- ‘કેવી રીતે પ્રેરિત કરવા’.

ગાંધીજીની લોકશાહી પ્રત્યે નિષ્ઠાની તાકાત શું હતી, તેની સાથે જોડાયેલ એક વાક્ય હું તમને સંભળાવવા માગું છું. જ્યારે કેટલાક વર્ષો પહેલા હું બ્રિટનના મહારાણી એલિઝાબેથને મળ્યો, તો તેમણે મને ખૂબ જ લાગણીપૂર્વક એક રૂમાલ દેખાડ્યો હતો. તે ખાદીથી બનેલો તે રૂમાલ હતો, જે ગાંધીજીએ તેમને તેમના લગ્નના સમય પર ભેટ રૂપે આપ્યો હતો.

જરા વિચારો, જેમની સાથે સિદ્ધાંતોનો સંઘર્ષ હતો, તેમની સાથે સંબંધોને લઈને કેટલી સંવેદનશીલતા પણ તેમના મનમાં હતી. તેઓ તેમનું પણ ભલું ઈચ્છતા હતા, સન્માન કરતા હતા, જેઓ તેમના વિરોધીઓ હતા, જેમની સાથે તેઓ આઝાદીની લડાઈ લડી રહ્યા હતા.

સાથીઓ,

સિદ્ધાંતોની માટે આ જ પ્રતિબદ્ધતાએ ગાંધીજીનું ધ્યાન એવી સાત વિકૃતિઓ તરફ દોર્યું, જેના પ્રત્યે બધાએ જાગૃત થવું જોઈએ. તે છે-

કાર્ય વગરની સંપત્તિ

અંતરાત્મા વગરનો આનંદ

ચરિત્ર વગરનું જ્ઞાન

નૈતિકતા વગરનો વ્યવસાય

માનવતા વગરનું વિજ્ઞાન

ત્યાગ વિનાનો ધર્મ

સિદ્ધાંતો વિનાનું રાજકારણ

ભલે જળવાયું પરિવર્તન હોય કે પછી આતંકવાદ, ભ્રષ્ટાચાર હોય કે પછી સ્વાર્થપરક સામાજિક જીવન, ગાંધીજીના આ સિદ્ધાંત, આપણને માનવતાની રક્ષા કરવા માટે માર્ગદર્શકની જેમ કામ કરી રહ્યા છે.

મને વિશ્વાસ છે કે ગાંધીજી દ્વારા ચિંધવામાં આવેલ આ માર્ગ વધુ સારા વિશ્વના નિર્માણમાં પ્રેરક સાબિત થશે.

હું સમજુ છું કે જ્યાં સુધી માનવતાની સાથે ગાંધીજીના વિચારોનો આ પ્રવાહ બનેલો રહેશે, ત્યાં સુધી ગાંધીજીની પ્રેરણા અને પ્રાસંગિકતા પણ આપણી વચ્ચે બનેલી રહેશે.

ફરી એકવાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.

આભાર!

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1586392) Visitor Counter : 4986