પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ ‘હાઉડી મોદી’ને સંબોધન કર્યું
સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા.
Posted On:
22 SEP 2019 11:47PM by PIB Ahmedabad
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ સામેલ થયા હતા.
આ વિશાળ સભાને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હ્યુસ્ટનમાં એક નવો ઈતિહાસ અને એક નવો સમન્વય બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતની પ્રગતિના વિષયમાં વાત કરનારા સેનેટરોની હાજરી 1.3 બિલીયન ભારતીયોની ઉપલબ્ધિનું સન્માન છે.” તેમણે વધુમાં કહ્યું કે સ્ટેડીયમમાં ઉપસ્થિત જન સમૂહની ઉર્જા ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાની વચ્ચે વધતા તાલમેળને દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું, “આ કાર્યક્રમનું નામ હાઉડી મોદી છે, પરંતુ મોદી એકલો કંઈ જ નથી. હું ભારતમાં 130 કરોડ લોકોની ઈચ્છાઓ માટે કામ કરનારો વ્યક્તિ છું. એટલા માટે જ્યારે તમે પૂછો છો – હાઉડી મોદી, તો હું કહીશ કે ભારતમાં બધું બરાબર છે.” કેટલીય ભારતીય ભાષાઓમાં “બધું બરાબર છે” એવું કહેતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે વિવિધતામાં એકતા આપણા જીવંત લોકતંત્રની તાકાત છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું, “આજે, ભારત દ્રઢ સંકલ્પિત છે અને એક નવું ભારત બનાવવા માટે આકરી મહેનત પણ કરી રહ્યું છે.” તેમણે કહ્યું કે એક નવા અને વધુ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સખત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું, “ભારત પડકારોનો સામનો નથી કરી રહ્યું પરંતુ અમે તેને આગળ લઇ જઈ રહ્યા છીએ. ભારત માત્ર આગળ વધવાના પરિવર્તનો માટે જ કામ નથી કરી રહ્યું, અમે તેના સ્થાયી સમાધાન અને અશક્યને શક્ય બનાવવા ઉપર કામ કરી રહ્યા છીએ.”
છેલ્લા પાંચ વર્ષોમાં એનડીએ સરકારની ઉપલબ્ધિઓ પર વાત કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું, “છેલ્લા પાંચ વર્ષોમાં, 130 કરોડ ભારતીયોએ એવી વસ્તુઓ પ્રાપ્ત કરી છે કે જેમની કલ્પના કોઇપણ કરી શકે તેમ નહોતું. અમારું લક્ષ્ય ઊંચું છે અને અમે તે ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત પણ કરી રહ્યા છીએ.” તેમણે પોતાની સરકાર દ્વારા ઘરેલું ગેસ જોડાણ આપવા, ગ્રામિણ સ્વચ્છતામાં સુધારો લાવવા, ગ્રામિણ સડક માટે પાયાગત માળખું નિર્માણ કરવા, બેંક ખાતા ખોલવા વગેરેના સંદર્ભમાં કરવામાં આવેલ પરિવર્તનકારી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રીએ ‘જીવન જીવવાની સરળતા’ અને ‘વેપાર કરવાની સરળતા’ પ્રત્યે પોતાની સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનઃઉચ્ચાર કર્યો. તેમણે ‘જીવન જીવવાની સરળતા’ની ખાતરી કરાવવા માટે પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલ જુદી જુદી પહેલો જેમ કે બિનજરૂરી કાયદાઓને દૂર કરવા, સેવાઓમાં ઝડપ લાવવી, સસ્તા ડેટા દર, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી, જીએસટી વગેરેની પણ રૂપરેખા રજૂ કરી. તેમણે કહ્યું કે અમારી સરકારનો વિકાસ પ્રત્યેક ભારતીય સુધી પહોંચશે.
કલમ 370ને નાબૂદ કરવાના વિષયમાં બોલતા, પ્રધાનમંત્રીએ ઉપસ્થિત લોકોને નિવેદન કરતા જણાવ્યું કે આ પ્રકારની નિર્ણાયક કડક કાર્યવાહી કરવા માટે સાંસદોને ઉભા થઈને આભાર પ્રગટ કરવો જોઈએ. તેમણે કહ્યું કે કલમ 370એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને પ્રગતિથી વંચિત રાખ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોની પાસે ભારતીયોની જેમ જ અધિકાર છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ કડક નિર્ણાયક યુદ્ધ અને જે આતંકવાદને સમર્થન આપતા આવ્યા છે તેમના વિરુદ્ધમાં પણ સખત કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. તેમણે આતંકવાદની વિરુદ્ધની લડાઈમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંકલ્પની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવારને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, “અમારી મૈત્રી ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાના ભવિષ્યને નવી ઉંચાઈઓ પ્રદાન કરશે.”
હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનાલ્ડ જે ટ્રમ્પનું સ્વાગત કરવું એ મારા માટે સન્માન અને ગૌરવની વાત છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિએ દરેક જગ્યા પર એક ઊંડો અને સ્થાયી પ્રભાવ પાડ્યો છે. તેમનામાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિનું નેતૃત્વ કરવાના અપાર ગુણો છે. તેમણે કહ્યું કે જેટલી પણ વાર હું તેમને મળ્યો છું, ડોનાલ્ડ ટ્રમ્પમાં તે જ મિત્રતા, ઉષ્મા અને ઉર્જાનો અનુભવ કર્યો છે.
આ આયોજનને સંબોધિત કરતા, ડોનાલ્ડ જે ટ્રમ્પે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને તેના નાગરિકો માટે એક અસાધારણ કામ કરી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રીને તેમની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત માટે પણ અભિનંદન આપ્યા. તેમણે ઉમેર્યું હતું કે ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાની વચ્ચે સંબંધો પહેલા કરતા વધુ સારા થયા છે.
પ્રધાનમંત્રીની વિકાસ નીતિઓને વંદન કરતા, ટ્રમ્પે જણાવ્યું કે “ભારતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લગભગ ત્રણસો મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આ અવિશ્વસનીય છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, વિશ્વ ભારતને એક મજબૂત, સંપન્ન ગણરાજ્ય બનતું જોઈ રહ્યું છે. રાષ્ટ્રપતિએ ભારતીય સમુદાયના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની શાસન વ્યવસ્થા ભારતીય સમુદાયની ઉન્નતિ માટે કટિબદ્ધ છે.
હ્યુસ્ટનમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા, હાઉસના પ્રમુખ નેતા સ્ટેની હોનરે જણાવ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકા આધુનિક ભારતથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી પડકારોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહ્યા છે, ભારતે નિર્વિવાદ રૂપે અવકાશમાં એક નવો પડાવ હાંસલ કર્યો છે અને સાથે જ લાખો લોકોને ગરીબીમાંથી ઉપર ઉઠાવવામાં પણ સમાનરૂપે કામ કર્યું છે.
આની પહેલા, હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સન્માન, એકતા અને લાંબા સમયથી ચાલ્યા આવતા ભારત હ્યુસ્ટન સંબંધો માટે ‘હ્યુસ્ટન કી’ પણ ભેંટમાં આપી હતી.
(Release ID: 1585881)
Visitor Counter : 252