મંત્રીમંડળ

મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક સિગારેટના પ્રતિબંધનો વટહુકમ જાહેર કરવા માટે મંજૂરી આપી

Posted On: 18 SEP 2019 4:21PM by PIB Ahmedabad

દેશ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત પહેલના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક સિગારેટ (નિર્માણ, ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ અને જાહેરાત) પર પ્રતિબંધ વટહુકમ, 2019ને જાહેર કરવા માટે મંજૂરી આપી દીધી છે.

ઇલેક્ટ્રોનિક-સિગારેટ બેટરીથી સંચાલિત ઉપકરણ છે જે નિકોટિન ધરાવતા દ્રાવણને ગરમ કરીને એરોસોલ નામનું તત્વ પેદા કરે છે, જે જ્વલનશીલ સિગારેટમાં નશાકારક દ્રવ્ય છે. તેમાં ઇલેક્ટ્રોનિક નિકોટિન વિતરણ વ્યવસ્થા, બાળીને નહીં પરંતુ ગરમ કરીને વપરાતી પેદાશો, ઇ-હુક્કા અને તેના જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ નવીન પેદાશો દેખાવમાં આકર્ષક લાગે છે અને બહુવિધ સ્વાદમાં ઉપલબ્ધ છે. ઉપરાંત તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને વિકસિત દેશોમાં ખાસ કરીને યુવાનો અને બાળકોમાં તેના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે.

અમલીકરણઃ

વટહુકમ બહાર પડતાની સાથે જ ઇ-સિગારેટનું કોઇપણ પ્રકારનું નિર્માણ, ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ (ઓનલાઇન વેચાણ સહિત), વિતરણ અથવા જાહેરાત (ઓનલાઇન જાહેરાત સહિત) સજ્ઞાન (cognizable) ગુનો ગણાશે. આ ગુના માટે પ્રથમ વખત એક વર્ષ સુધીની કેદ અથવા રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા બન્ને અને ત્યારપછીના ગુના માટે ત્રણ વર્ષ સુધી કેદની સજા અને રૂ. 5 લાખ સુધી દંડની જોગવાઇ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક સિગારેટનો સંગ્રહ છ મહિના સુધીની કેદ અથવા રૂ. 50,000 સુધી દંડ અથવા બન્ને સાથે સજાપાત્ર ગણાશે.

ઇ-સિગારેટના જથ્થાના વર્તમાન માલિકોએ વટહુકમના અમલીકરણની તારીખ બાદ સ્વયં પોતે જ તેની જાહેરાત કરવાની રહેશે અને આ જથ્થાને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો રહેશે. આ વટહુકમ અંતર્ગત કાર્યવાહી કરવા માટે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારીની અધિકૃત અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારો વટહુકમની જોગવાઇઓને લાગુ કરવા માટે કોઇ સમાન દરજ્જાના અન્ય સમકક્ષ અધિકારીની પણ અધિકૃત અધિકારી તરીકે નિમણૂંક કરી શકે છે.

મહત્ત્વપૂર્ણ પ્રભાવઃ

ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લોકોને, ખાસ કરીને યુવાનો અને બાળકોને ઇ-સિગારેટ દ્વારા સર્જાતા વ્યસનના દુષ્પ્રભાવથી બચાવવામાં મદદ કરશે. વટહુકમનું અમલીકરણ તમાકુ નિયંત્રણ માટે સરકારના પ્રયત્નોને પૂરક બની રહેશે અને તમાકુના ઉપયોગમાં ઘટાડો કરવામાં અને તેની સાથે સંકળાયેલા આર્થિક અને રોગચાળાના બોજાને ઘટાડવા મદદ કરશે.

પૃષ્ઠભૂમિકાઃ

વર્તમાન નિર્ણય ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવા માટે વિચારણ કરવા તમામ રાજ્યોને 2018માં સરકાર દ્વારા જાહેર કરાયેલી સૂચનાને નજર સમક્ષ રાખીને લેવામાં આવ્યો છે. 16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશે પહેલેથી જ તેમની ક્ષેત્રાધિકારમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકી દીધો છે. નોંધપાત્ર છે કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા તાજેતરમાં પ્રકાશિત શ્વેતપત્રમાં વર્તમાન સમયમાં ઉપલબ્ધ તબીબી પુરાવાના આધારે ઇ-સિગારેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવાની ભલામણ કરાઇ છે. WHO દ્વારા પણ સભ્ય દેશોને આ પ્રકારની પેદાશો પર પ્રતિબંધ સહિત યોગ્ય પગલા લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ પેદાશો સામાન્ય રીતે પરંપરાગત સિગારેટની અવેજીમાં સલામત વિકલ્પ તરીકે જાહેરાત કરવામાં આવે છે પરંતુ આ પ્રકારની સલામતીની માન્યતાઓ ખોટી છે. બીજી તરફ, ઉપલબ્ધ સાહિત્ય સૂચવે છે કે નિકોટિનનો ઉપયોગ કરવા માટે ધૂમ્રપાન નહીં કરતાં વ્યક્તિઓ, ખાસ કરીને યુવાનો અને કિશોરો માટે આ પ્રકારના ઉત્પાદનો એક પ્રવેશદ્વારનું કામ કરે છે જે પરંપરાગત તમાકુની પેદાશોના વ્યસન અને તેના ઉપયોગ તરફ દોરી જાય છે. ઉદ્યોગો દ્વારા ઇ-સિગારેટનો સામાન્ય રીતે ધૂમ્રપાનની આદત રોકવાના સાધન તરીકે પ્રચાર કરવામાં આવે છે પરંતુ આદત છોડવાના સાધન તરીકે તેની અસરકારકતા અને સલામતી હજુ સુધી સાબિત થઇ શકી નથી.

તમાકુનો ઉપયોગ છોડવા માટે લોકોને મદદ કરવા માટે જાણીતા પરીક્ષણ અને તપાસ કરાયેલા નિકોટિન અને બિન-નિકોટિન તબીબી ઉપચારથી વિપરિત WHO ઇ-સિગારેટનું ધૂમ્રપાન રોકવાના સહાયક સાધન તરીકે સમર્થન કરતું નથી. આ પેદાશના સંભવિત ફાયદાઓ અંગે દુષ્પ્રચાર મારફતે તમાકુનો વપરાશ અટકાવવાના પ્રયાસોમાં તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપની સંભાવનાઓ પણ રહેલી છે અને વાસ્તવિક સંભાવના ધરાવે છે, જે તેને વિકલ્પ તરીકે રજૂ કરે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પરંપરાગત તમાકુની પેદાશના ઉપયોગમાં પૂરક સાબિત થાય છે. નિકોટિન સિવાય, ઇ-સિગારેટનો ઉપયોગ અન્ય માનસિક વ્યસનના પદાર્થોના ઉપયોગ માટે પણ કરવામાં આવે છે. ઇ-સિગારેટ સાથે સંકળાયેલા જોખમો સિવાય વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નિકોટનના વૈકલ્પિક ઉપચાર તમાકુનો ઉપયોગ છોડવા માગતા લોકો માટે ચૂંઇગમ અને ગોળીના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઇ-સિગારેટ અને તેના જેવા ઉપકરણોનો તપાસ કર્યા વગરનો બહોળા પ્રમાણમાં ફેલાવો તમાકુના વ્યાપક ઉપયોગને ઘટાડવાના સરકારના પ્રયત્નોને ગંભીરપણે અસક્ષમ અને નિરર્થક બનાવે છે.

નિકોટિનના ઊચ્ચ નશાકારક પ્રકાર, નિકોટિન સાથે સુગંધોના સંયોજનથી સલામતિ સંબંધિત ચિંતાઓ, આ ઉપકરણો દ્વારા અન્ય નશાકારક ઘટકોના ઉપયોગનું જોખમ, ધૂમ્રપાન નહીં કરતાં વ્યક્તિઓ ખાસ કરીને કિશોરો અને યુવાનોમાં દ્વારા નિકોટિન અથવા નશાકારક દ્રવ્યોના ઉપયોગની શરૂઆત, ઇ-સિગારેટ અને પરંપરાગત સિગારેટના બેવડા વપરાશ, તમાકુની રોકથામ માટે સહાયક સાધન તરીકે ઇ-સિગારેટની ઉપયોગીતાના જૂજ વૈજ્ઞાનિક પુરાવાઓ, દેશના તમાકુ નિયંત્રણ પ્રયાસો સામે જોખમ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હેઠળ નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં અવરોધ, બિન-પ્રસાર રોગોના નિવારણ અને નિયંત્રણ અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, 2017ના રાષ્ટ્રીય નીરિક્ષણ માળખા અને ભારતના બંધારણના અનુચ્છેદ 47 હેઠળ કલ્પવામાં આવેલા જાહેર આરોગ્યના સમગ્રલક્ષી હિતમાં તમામ સ્વરૂપના ઇલેક્ટ્રોનિક નિકોટિન પુરવઠા વ્યવસ્થા (ENDS), બાળીને નહીં પરંતુ ગરમ કરીને વપરાતી પેદાશો, ઇ-હુક્કા અને તેના જેવા ઉપકરણો સહિત ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ/નિષેધનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

DK/NP/J.KHUNT/RP



(Release ID: 1585482) Visitor Counter : 565