પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેપાળનાં પ્રધાનમંત્રી ઓલી સાથે મોતિહારી-અમલેખગંજ (નેપાળ) પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું
Posted On:
10 SEP 2019 2:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેપાળનાં પ્રધાનમંત્રી શ્રી કે. પી. શર્મા ઓલીએ આજે દક્ષિણ એશિયાની પ્રથમ સરહદ પાર જતી પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇનનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત સ્વરૂપે ઉદઘાટન કર્યું હતું. આ પાઇપલાઇન બિહારનાં મોતિહારીને નેપાળનાં અમલેખગંજ સાથે જોડે છે.
આ પ્રસંગે નેપાળનાં પ્રધાનમંત્રી ઓલીએ મહત્ત્વપૂર્ણ સંપર્ક પરિયોજનાનાં ઝડપી અમલીકરણ પર પ્રશંસા કરી હતી. આ યોજના નિર્ધારિત સમયગાળા કરતાં ઘણી વહેલી પૂર્ણ થઈ છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આ 69 કિલોમીટરની લંબાઈ ધરાવતી મોતિહારી-અમલેખગંજ પાઇપલાઇન નેપાળનાં લોકોને વાજબી દરે સ્વચ્છ પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવશે. આ પાઇપલાઇનની વાર્ષિક ક્ષમતા બે મિલિયન મેટ્રિક ટન છે. તેમણે પ્રધાનમંત્રી એ જાહેરાતનું સ્વાગત કર્યું હતું, જેમાં નેપાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોમાં બે રૂપિયાનો ઘટાડો કરવાની વાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ઉચ્ચ રાજકીય સ્તરે નિયમિત સંપર્કથી ભારત-નેપાળ વચ્ચેનાં ભાગીદારીનાં સંબંધો વધારવા માટે એક અગ્રગામી એજન્ડા નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનવાની પ્રક્રિયા જળવાઈ રહેશે અને એમનો જુદા-જુદા ક્ષેત્રોમાં વિસ્તાર થશે.
પ્રધાનમંત્રી ઓલીએ પ્રધાનમંત્રી મોદીને નેપાળમાં પ્રવાસ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને તેમણે સ્વીકાર કર્યો હતો.
RP
(Release ID: 1584669)
Visitor Counter : 257