મંત્રીમંડળ
મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે લંબાવવાની મંજૂરી આપી, 3 જુલાઈ, 2019થી લાગુ પડશે
સંસદનાં આગામી સત્રમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે
Posted On:
12 JUN 2019 7:44PM by PIB Ahmedabad
જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલે રિપોર્ટમાં જણાવ્યાં મુજબ રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિને આધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય બંધારણની કલમ 356(4) હેઠળ 3 જુલાઈ, 2019થી વધુ છ મહિનાનાં ગાળા માટે રાષ્ટ્રપતિ શાસનને લંબાવવાની મંજૂરી આપી છે.
અસર :
આ નિર્ણયનો અર્થ એ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના માટે લંબાવવામાં આવશે અને એનો અમલ 3 જુલાઈ, 2019થી શરૂ થશે.
રાષ્ટ્રપતિ શાસનની હાલની મુદ્દત 2 જુલાઈ, 2019નાં રોજ પૂર્ણ થઈ રહી છે અને રાજ્યપાલે ભલામણ કરી છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન વધુ છ મહિના માટે લંબાવી શકાય એવી સ્થિતિ છે, જે 3 જુલાઈ, 2019થી લાગુ થશે.
અમલ :
આ માટેની દરખાસ્તને સંસદની મંજૂરી માટે સંસદનાં બંને ગૃહોમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલે 20.6.2018નાં રોજ ભારતનાં રાષ્ટ્રપતિની સંમતિ સાથે જમ્મુ અને કાશ્મીરનાં બંધારણની કલમ 92 હેઠળ ઘોષણા કરી હતી, જેનાં પગલે તેમણે પોતે સરકાર અને રાજ્યની વિધાસભાની કામગીરી અદા કરવાની જવાબદારી સંભાળી હતી તથા કેટલીક પ્રાસંગિક અને પરિણામરૂપી જોગવાઈઓ કરી હતી. રાજ્યની વિધાનસભાની કામગીરીને શરૂઆતમાં મોકૂફ રાખી હતી અને પછી 21.11.2018નાં રોજ રાજ્યપાલે એનું વિસર્જન કર્યું હતું.
રાજ્યપાલે 20.6.2018નાં રોજ જાહેર કરેલી ઘોષણાની અસર છ મહિના પછી 19.12.2018નાં રોજ પૂર્ણ થઈ હતી. જમ્મુ અને કાશ્મીરનાં બંધારણની કલમ 92 હેઠળ છ મહિના પછી આ પ્રકારની જાહેરાતનો અમલ વધારે ચાલુ રાખવાની કોઈ જોગવાઈ નથી. એટલે રાજ્યની ભલામણને આધારે અને રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિને આધારે રાષ્ટ્રપતિએ ભારતનાં બંધારણની કલમ 356 હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ઘોષણા કરી હતી. એનાં પરિણામે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થયેલી ઘોષણાને લોકસભાએ 28.12.2018નાં રોજ અને રાજ્યસભાએ 3.1.2019નાં રોજ મંજૂર કરી હતી.
રાષ્ટ્રપતિ શાસનની વર્તમાન મુદ્દત 2 જુલાઈ, 2019નાં રોજ પૂર્ણ થઈ રહી છે અને રાજ્યપાલે ભલામણ કરી છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન વધુ છ મહિના માટે લંબાવી શકાશે, જે 3 જુલાઈ, 2019થી લાગુ પડશે.
J.Khunt/RP
(Release ID: 1574156)
Visitor Counter : 245