મંત્રીમંડળ

મંત્રીમંડળે જૈવ ચિકિત્સા સંશોધન કારકિર્દી કાર્યક્રમને વધુ પાંચ વર્ષ સુધી જાળવી રાખવા માટે મંજૂરી આપી

Posted On: 27 MAR 2019 4:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જૈવ ચિકિત્સા સંશોધન કારકિર્દી કાર્યક્રમ (બીઆરસીપી) અને વેલકમ ટ્રસ્ટ (ડબલ્યુટી)/ડીબીટી ભારત જોડાણને તેનાં શરૂઆતનાં 10 વર્ષનાં ગાળા (2008-09 થી 2018-19 સુધી)થી વધારીને નવા પંચવર્ષીય તબક્કા (2019-20 થી 2023-24 સુધી) પણ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. બીજી તરફ, બાયો ટેકનોલોજી વિભાગ (ડીબીટી)એ પોતાની પ્રતિબદ્ધતા ડબલ્યુટીની સરખામણીમાં બેગણી વધારી દીધી છે.

આ નિર્ણયથી રૂ. 1092 કરોડનો કુલ નાણાકીય બોજ પડશે, જેમાં ડીબીટી અને ડબલ્યુટી અનુક્રમે રૂ. 728 કરોડ અને રૂ. 364 કરોડનું યોગદાન કરશે.

આ કાર્યક્રમે 1:1ની ભાગીદારીમાં પોતાનાં 10 વર્ષીય નાણાકીય પોષણ દરમિયાન ભારતમાં અત્યાધુનિક જૈવ ચિકિત્સા સંશોધનમાં ઉચ્ચતમ વૈશ્વિક માપદંડો ધરાવતી પ્રતિભાઓનાં સર્જન અને શિક્ષણ સાથે સંબંધિત પોતાનાં ઉદ્દેશો પૂર્ણ કરી લીધા છે, જેનાં ફળસ્વરૂપે સામાજિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ અને અનુપ્રયોગ સંભવ થયા છે.

બીઆરસીપીથી વિદેશમાં કામ કરતાં શ્રેષ્ઠ ભારતીય વૈજ્ઞાનિકોને સ્વદેશ પરત ફરવાનું આકર્ષક બનાવવામાં આવ્યું છે. આ સાથે જ બીઆરસીપીને પગલે ભારતમાં ઘણાં સ્થળો પર એવા કેન્દ્રોની સંખ્યા વધી ગઈ છે, જ્યાં વૈશ્વિક સ્તરના જૈવ ચિકિત્સા સંશોધન કરવામાં આવે છે.

આ કાર્યક્રમનાં વિસ્તરણનાં તબક્કા દરમિયાન આ ક્ષમતાને વધારીને આગળ ચાલુ રાખવામાં આવશે અને તેની સાથે જ ભારતમાં સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા માટે નૈદાનિક સંશોધન અને કાર્યને પણ સુદ્રઢ કરવામાં આવશે. ભારત સરકારનાં સંવર્ધિત હિસ્સા સાથે આ કાર્યક્રમને ચાલુ રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તો જ અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થશે.

 

RP



(Release ID: 1569727) Visitor Counter : 253