પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગ્રેટર નોઇડમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો;
બક્સર અને ખુર્જા થર્મલ પાવર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું
प्रविष्टि तिथि:
09 MAR 2019 4:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઇડાની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિયોલોજીમાં વીડિયો લિન્ક મારફતે મેટ્રોનાં નોઇડા સિટી સેન્ટર – નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી સેક્શનને લીલી ઝંડી આપી હતી. તેમણે ઉત્તરપ્રદેશનાં ખુર્જા અને બિહારનાં બક્સમાં 1320 મેગાવોટની ક્ષમતા ધરાવતા બે થર્મલ પાવર પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિયાલોજીનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સંકુલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. પછી તેમણે સંકુલમાં બનાવવામાં આવેલા દીનદયાળ ઉપાધ્યાય સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉપસ્થિત જનસમૂહન સંબોધિત કરીને કહ્યું હતું કે, નોઇડાનું સંપૂર્ણપણે પરિવર્તન થયું છે. અત્યારે નોઇડા વિકાસ અને યુવાનો માટે રોજગારની તક ઉપલબ્ધ કરાવવા માટે ઓળખાય છે. તેમણે જણાવ્યું હતું કે, નોઇડા દેશનાં મેક ઇન ઇન્ડિયા કેન્દ્ર સ્વરૂપે વિકસિત થઈ રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરી સહિત ત્યાં ઉપસ્થિત ઘણી ઇલેક્ટ્રોનિક કંપનીઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશનું સૌથી મોટું એરપોર્ટ ઉત્તરપ્રદેશનું જેવરમાં આકાર લઈ રહ્યું છે. એક વાર આ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થઈ જતાં જેવર એરપોર્ટ જીવનને સરળ બનાવવાની સાથે ઉત્તરપ્રદેશ માટે આર્થિક રીતે પણ લાભદાયક બનશે. તેમણે દેશમાં બની રહેલા અન્ય ઘણાં એરપોર્ટનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઉડાન યોજનાનાં માધ્યમથી કેન્દ્ર સરકાર નાનાં શહેરોને પણ વિમાન સેવાઓ સાથે જોડવા પ્રતિબદ્ધ છે.
ભારતમાં વીજ ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે સરકારની વિવિધ પહેલો વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર વીજળીનાં ઉત્પાદનનાં ચાર પાસા એટલે કે ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, એનાથી વીજ ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર થયો છે અને એક રાષ્ટ્ર – એક ગ્રિડની કલ્પના સાકાર થઈ છે. સરકાર નવીનીકરણ ઊર્જાનાં ક્ષેત્ર પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, ‘એક વિશ્વ, એક સૂર્ય અને એક ગ્રિડ’ એમનું સ્વપ્ન છે.
પ્રધાનમંત્રીએ બક્સર અને ખુર્જામાં બનાવવામાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટ વિશે જણાવ્યું હતું કે, તેનાથી દેશનાં વિકાસને વેગ મળશે તથા ઉત્તરપ્રદેશ અને બિહારની સાથે આસપાસનાં રાજ્યોમાં વીજળીની ઉપલબ્ધતામાં મોટુ પરિવર્તન આવશે. તેમણે છેલ્લાં સાડા ચાર વર્ષમાં વીજળીનાં ઉત્પાદનમાં થયેલા મોટા વધારા વિશે વાત કરી હતી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિયોલોજીનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સંસ્થા દેશ અને વિદેશનાં વિદ્યાર્થીઓ સાથે સંશોધનકર્તાઓને ઉત્સાહવર્ધક શૈક્ષણિક વાતાવરણ અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, 125 કરોડ ભારતીયોનાં મજબૂત સહયોગ સાથે નવા ભારતનું નિર્માણ કરવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તેમણે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને સાથે-સાથે આતંકવાદનો ઇંટનો જવાબ પત્થરથી આપવા માટે સૈનિકોની બહાદૂરીને સલામ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આતંકવાદ વિરૂદ્ધ આકરા નિર્ણયો લઈ રહી છે.
RP
(रिलीज़ आईडी: 1568456)
आगंतुक पटल : 194