પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – 2019નું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સરકાર દેશમાં વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સતત કાર્ય કરે છે

Posted On: 17 JAN 2019 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – 2019નું ઉદ્ઘાટન કર્યું હતું. અહિં સમગ્ર ગુજરાતમાંથી સ્ટ્રીટ વેન્ડર્સથી માંડીને શોપિંગ મોલ્સ અને કલાકારોથી હોટેલ-રેસ્ટોરાં સાથે સંબંધિત વ્યવસાયો પોતાનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને તેને પ્રોત્સાહન આપવા એકત્ર થયા છે. આ ફેસ્ટિવલનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સાથે થયું હોવાથી તે વિશેષ છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધન કર્યું હતુ. તેમણે કાર્યક્રમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “સામાન્ય રીતે આપણે વિદેશમાં જ મોટી બિઝનેસ સમિટ જોઈએ છીએ. હવે વાઇબ્રન્ટ તેમજ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત પ્રશંસનીય પહેલ છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર દેશમાં વ્યવસાય માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સતત કામ કરે છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન જૂના કાયદાઓ રદ કરવામાં આવ્યાં છે અને સેંકડો નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. આ પ્રકારનાં પ્રયાસોને કારણે વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં ભારતનો ક્રમ નોંધપાત્ર રીતે સુધરીને 142થી 77મો થયો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, લઘુ ઉદ્યોગસાહસિકો માટે વેપાર-વાણિજ્ય કરવાની પ્રક્રિયા સરળ બનાવવા અમે સતત પ્રયાસરત છીએ. જ્યારે બેંકો જીએસટી અને અન્ય રિટર્નને આધારે નાના ઉદ્યોગસાહસિકોને લોન આપી શકે છે, ત્યારે આપણે સરળ વ્યવસ્થા તરફ અગ્રેસર છીએ. અમે 59 મિનિટમાં રૂ. એક કરોડ સુધીની લોન આપીએ છીએ.

આજે દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના નવમા સંસ્કરણનો તખ્તો તૈયાર થઈ ગયો છે, જે ગાંધીનગરમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે. સમિટમાં વિવિધ દેશોનાં વડા, વૈશ્વિક ઉદ્યોગનાં દિગ્ગજો અને વિચારકો સહભાગી થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સમિટનાં પ્રારંભિક સત્રને સંબોધિત કરશે.

 

RP



(Release ID: 1560425) Visitor Counter : 194