મંત્રીમંડળ

મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તમિલનાડુ અને તેલંગાણામાં બે નવી એઈમ્સની સ્થાપનાની મંજૂરી આપી

Posted On: 17 DEC 2018 8:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે તમિલનાડુનાં મદુરાઈમાં 1,264 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે અને તેલંગાણાનાં બીબી નગરમાં રૂ. 1,028 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે બે નવી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ)ની સ્થાપના માટે મંજૂરી આપી દીધી છે. બંને જગ્યાએ એઈમ્સની સ્થાપના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) અંતર્ગત થશે.

કેન્દ્રીય મંત્રીમંડળે ઉપરોક્ત બંને એઈમ્સમાં રૂ. 2,25,000 (નિર્ધારિત) + એનપીએ (પણ વેતન + એનપીએ 2,37,500થી વધારે નહીં)નાં મૂળ વેતનનાં નિદેશકનાં એક-એક પદ ઊભું કરવા માટે પણ પોતાની મંજૂરી આપી દીધી છે.

લાભ :

  • દરેક નવી એઈમ્સમાં સ્નાતક (એમબીબીએસ)ની 100 બેઠકો અને બીએસસી (નર્સિંગ)ની 60 બેઠકો હશે.
  • દરેકમાં એઈમ્સમાં 15થી 20 સુપર સ્પેશિયાલિટી વિભાગ હશે.
  • દરેક નવી એઈમ્સમાં લગભગ 750 પથારીઓ સામેલ કરવામાં આવશે.
  • હાલ કાર્યરત એઈમ્સનાં આંકડાઓ અનુસાર આશા છે કે, દરેક નવી એઈમ્સમાં દરરોજ 1500 આઉટડોર પેશન્ટ અને દર મહિને 100 ઇન્ડોર પેશન્ટ આવશે.

યોજનાની વિગતઃ

નવી એઈમ્સની સ્થાપનામાં હોસ્પિટલ બનાવવી, ચિકિત્સા અને નર્સિંગ અભ્યાસક્રમો માટે શિક્ષણનો બ્લોક તૈયાર કરવો, રહેણાક સંકુલ બનાવવું અને એઈમ્સ નવી દિલ્હી અને પીએમએસએસવાયનાં પ્રથમ ચરણ અંતર્ગત શરૂ થયેલી 6 નવી એઈમ્સ સાથે સંબંધિત સુવિધાઓ/સેવાઓ પ્રદાન કરવાનું સામેલ છે. ઉદ્દેશિત ક્ષેત્રમાં તૃતિય સ્તરની સ્વાસ્થ્ય સેવા (ટર્શરી કેર), ચિકિત્સાનું શિક્ષણ, નર્સિંગ શિક્ષણ અને સંશોધન માટે રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ સ્વરૂપે નવી એઈમ્સ સ્થાપિત કરવાની છે.

પ્રસ્તાવિત સંસ્થાઓમાં 750 પથારી ક્ષમતાની હોસ્પિટલ બનશે, જેમાં ઇમરજન્સી/ટ્રોમા, આયુષ, ઓડિટોરિયમ તથા આઇસીયુ સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટીની વ્યાવસ્થા સામેલ હશે. ઉપરાંત એક મેડિકલ કોલેજ, આયુષ બ્લોક, ઓડિટોરિયમ, નાઇટ શેલ્ટર, અતિથિ ગૃહ, છાત્રાલય અને રહેણાક સુવિધાઓ હશે. નવી એઈમ્સની સ્થાપનામાં મૂડી સંપત્તિઓનું નિર્માણ થશે, જે માટે જરૂરી કુશળતા સંપન્ન માનવ શક્તિનું સર્જન 6 નવી એઈમ્સની જેમ કરવામાં આવશે. સંસ્થાઓ પર થનાર ખર્ચ ગ્રાન્ટ સહાયતા સ્વરૂપે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પીએમએસએસવાય બજેટની મદદથી પૂરો પાડવામાં આવશે.

તમિલનાડુ અને તેલંગાણામાં નવી એઈમ્સની સ્થાપનાની સમયમર્યાદા 45 મહિના હશે. એમાં નિર્માણ અગાઉનો તબક્કો 10 મહિના, નિર્માણનો તબક્કો 32 મહિનો અને સ્થાયીકરણ/કાર્યરત કરવાનો તબક્કો 3 મહિનાનો હશે. નિર્માણનો ખર્ચ અને નવી એઈમ્સ ચલાવવાનો ખર્ચ પીએમએસએસવાય અંતર્ગત કેન્દ્ર સરકાર ઉઠાવશે.

અસર :

નવી એઈમ્સની સ્થાપનાનાં ક્ષેત્રમાં સ્વાસ્થ્યલક્ષી શિક્ષણ અને તાલીમમાં પરિવર્તનની સાથે દેશમાં સ્વાસ્થ્ય સેવાનાં વ્યાવસાયિક લોકોની ઊણપ દૂર થશે. નવી એઈમ્સની સ્થાપનાથી વસતિને સુપર સ્પેશ્યાલિટી સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવા તથા ડૉક્ટર અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓનો પૂલ બનાવવાનો બમણો ઉદ્દેશ પાર પડશે, જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (એનએચએમ) અંતર્ગત તૈયાર કરવામાં આવતા પ્રાથમિક અને દ્વિતીયક સ્તરની સંસ્થાઓ/સુવિધાઓ માટે ઉપલબ્ધ થશે. નવી એઈમ્સનાં નિર્માણમાં કેન્દ્ર સરકાર સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. એનાં સંચાલન અને જાળવણીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.

રોજગારીનું સર્જન:

રાજ્યોમાં નવી એઈમ્સની સ્થાપનાથી દરેક એઈમ્સમાં વિવિધ ફેકલ્ટી અને નોન ફેકલ્ટી પદો પર લગભગ 3000 લોકોને રોજગારી મળશે. શોપિંગ સેન્ટર, કેન્ટીન જેવી સુવિધાઓ અને સેવાઓને કારણે નવી એઈમ્સની આસપાસનાં ક્ષેત્રમાં પરોક્ષ રીતે રોજગારી પણ મળશે.

વિવિધ નવી એઈમ્સનાં નિર્માણ દરમિયાન ઘણાં લોકોને રોજગારી મળવાની આશા છે.

પૃષ્ઠભૂમિ :

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) કેન્દ્રીય યોજના છે. એનો ઉદ્દેશ દેશનાં વિવિધ ભાગોમાં ત્રીજા સ્તરની વાજબી દરે ઉપલબ્ધ કરાવવામાં ઊભા થયેલા અસંતુલનને દૂર કરવાનો તથા વંચિત રાજ્યોમાં ગુણવત્તા સંપન્ન શિક્ષણ માટે સુવિધાઓને મજબૂત કરવાનો છે.

વર્ષ 2015-16નાં પોતાનાં બજેટ ભાષણમાં નાણાંમંત્રીએ તમિલનાડુમાં એઈમ્સની સ્થાપનાની જાહેરાત કરી હતી અને એપ્રિલ, 2018માં નાણાં મંત્રાલયે તેલંગાણામાં એઈમ્સની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

 

RP


(Release ID: 1556327) Visitor Counter : 237