મંત્રીમંડળ

મંત્રીમંડળે બ્રિક્સ દેશો વચ્ચે પર્યાવરણનાં ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 24 OCT 2018 1:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બ્રિક્સ દેશો વચ્ચે પર્યાવરણ ક્ષેત્રમાં સહયોગ માટે થયેલા સમજૂતી કરાર પુરોગામી અસર સાથે મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર પર જુલાઈ, 2018માં દક્ષિણ આફ્રિકાનાં જોહનિસબર્ગમાં આયોજિત 10મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન હસ્તાક્ષર થયાં હતાં.

 

સમજૂતી કરાર મારફતે નીચેનાં ક્ષેત્રોમાં સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છેઃ

  1. હવાની ગુણવત્તા;
  2. પાણી;
  3. જૈવ વિવિધતા;
  4. જળવાયુ પરિવર્તન;
  5. કચરાનું વ્યવસ્થાપન;
  6. સતત વિકાસ અને સતત વિકાસનાં લક્ષ્યાંકો માટે 2030 એજન્ડાનો અમલ; અને
  7. સહભાગીઓ દ્વારા પારસ્પરિક સંમતિ મુજબ સહકારનાં વિવિધ ક્ષેત્રો.

 

સમજૂતી કરારનાં માધ્યમથી બ્રિક્સ દેશો વચ્ચે ભાગીદારી, પારસ્પરિક આદાન-પ્રદાન અને સમાન હિતોનાં આધારે પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોનાં વ્યવસ્થાપન માટે લાંબા ગાળાનાં સહયોગને પ્રોત્સાહન મળશે. પરસ્પર સહયોગની આ વ્યવસ્થામાં સંબંધિત દેશોમાં લાગુ કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવશે.

પર્યાવરણને લઈને હાલની ચિંતાઓ અત્યારે ફક્ત એક દેશ પૂરતી મર્યાદિત નથી, પણ સંપૂર્ણ દુનિયા માટે ગંભીર પડકાર પેદા કર્યો છે. સમજૂતી કરાર મારફતે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા પાંચ મોટા અર્થંતંત્રો ધરાવતાં બ્રિક્સ દેશોએ પર્યાવરણને બચાવવા, એને સંરક્ષિત રાખવા અને એને ટકાવવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આ દેશોમાં દુનિયાની 40 ટકાથી વધારે વસતિ વસે છે.

આ સમજૂતી કરાર મારફતે જળવાયુ પરિવર્તન અને વન્ય જીવ સંરક્ષણ માટે શ્રેષ્ઠ ટેકનિક અને નવી ટેકનોલોજી તથા ઉત્તમ કાર્યપ્રણાલીનો ઉપયોગ થવાની સંભાવના છે. એનાં દ્વારા બ્રિક્સ દેશોનાં સરકારી અને ખાનગી ક્ષેત્રનાં ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનાં ક્ષેત્રમાં પરસ્પર પોતાનાં શ્રેષ્ઠ અનુભવો, ટેકનિક, જ્ઞાન અને કામ કરવાની રીતોને સહિયારી કરવાની તક મળશે. એનાં માધ્યમથી બ્રિક્સ દેશોમાં સમાન હિતો સાથે સંબંધિત ક્ષેત્રોમાં યોજનાઓ શરૂ થવાની સંભાવનાઓ પણ ઊભી થશે.

 

GP/RP


(Release ID: 1550612) Visitor Counter : 161