પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પાક્યોંગ એરપોર્ટનું ઉદઘાટન કર્યું, સિક્કિમમાં એર કનેક્ટિવિટીની સુવિધામાં વધારો થયો

Posted On: 24 SEP 2018 1:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમમાં પાક્યોંગ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે સ્થિત આ પ્રથમ એરપોર્ટ છે અને દેશનું 100મું એરપોર્ટ છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિશાળ જનમેદનીને સંબોધતા સિક્કિમ માટે આજના દિવસને ઐતિહાસિક અને ભારત માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશે આજે પાક્યોંગ એરપોર્ટ સાથે એરપોર્ટની સદી ફટકારી છે. પ્રધાનમંત્રીએ સિક્કિમનાં યુવાન ક્રિકેટર નિલેશ લામિચનયનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેઓ  તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં રાજ્ય તરફથી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાક્યોંગ એરપોર્ટ સિક્કિમને કનેક્ટિવિટીની સરળ સુવિધા આપશે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય માણસ પણ આ હવાઇમથકનો ઉપયોગ કરે એ સુનિશ્ચિત કરવા માટે આ એરપોર્ટ ઉડાન યોજનાનો ભાગ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ક્ષેત્રમાં ઝડપથી માળખાગત સુવિધાઓ વધારવા અને દેશનાં બાકી રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવા પર ભાર મુકવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે એમણે કેટલીક વાર વ્યક્તિગત રૂપે પૂર્વોત્તરનાં રાજ્યોની મુલાકાત લીધી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ આ ક્ષેત્રની નિયમિતપણે મુલાકાત લે છે, તેનાં પરિણામ સ્પષ્ટપણે દેખાય છે. તેમણે એર અને રેલ કનેક્ટિવિટી, વધારે સારા માર્ગો અને મોટાં પુલ વધારવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે દેશના 100માંથી 35 એરપોર્ટ છેલ્લાં ચાર વર્ષમાં કાર્યરત થયા છે.

પ્રધાનમંત્રીએ સિક્કિમની સજીવ ખેતીમાં પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પૂર્વોત્તર ક્ષેત્ર માટે ‘મિશન ઓર્ગેનિક વેલ્યુ ડેવલપમેન્ટ’ શરૂ કર્યું છે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1547085) Visitor Counter : 151