મંત્રીમંડળ

જનકેન્દ્રિત અને ગરીબો માટેની પહેલને પ્રોત્સાહન


મંત્રીમંડળે પ્રધાનમંત્રી જન ધન યોજનાને ચાલુ રાખવા મંજૂરી આપી

‘દરેક કુટુંબની દરેક પુખ્ત વયની વ્યક્તિ’ માટે ખાતું ખોલાવવા પર ધ્યાન કેન્દ્રિત

રાષ્ટ્રીય નાણાકીય સર્વસમાવેશકતા અભિયાન અંતર્ગત (પીએમજેડીવાય) 14.8.2018 પછીથી ઓવરડ્રાફ્ટ મર્યાદા રૂ. 5,000થી વધારીને રૂ. 10,000 થશે

રૂ. 2,000 સુધીના ઓવરડ્રાફ્ટ માટે કોઈ શરતો નહીં. ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેવા માટેની વયમર્યાદા 16-60 વર્ષની હતી જે વધારીને 18-65 વર્ષ કરવામાં આવી

28.8.18 પછી ખુલેલા નવા પીએમજેડીવાય ખાતાઓ માટે નવા રૂપે કાર્ડધારકો માટે અકસ્માતનું વીમાકવચ રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવ્યું

Posted On: 05 SEP 2018 9:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 05-09-2018નાં રોજ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જનતા અને ગરીબો માટેની પહેલને મોટું પ્રોત્સાહન મળ્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય નાણાકીય સર્વસમાવેશકતા માટેનાં અભિયાન પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય)ને નિમ્નલિખિત ફેરફારો સાથે ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છેઃ-

  • 14.8.2018 પછી રાષ્ટ્રીય નાણાકીય સર્વસમાવેશકતા માટેનું અભિયાન (પીએમજેડીવાય) ચાલુ રહેશે. 
  • હાલની ઓવર ડ્રાફ્ટ (ઓડી) મર્યાદા રૂ. 5,000 થી વધીને રૂ. 10,000 થશે. 
  • રૂ. 2,000 સુધીનાં ઓડી માટે કોઈ શરત લાગુ નહીં પડે. 
  • ઓડીની સુવિધાનો લાભ લેવા માટે વયમર્યાદા 18-60 વર્ષથી વધારીને 18-65 વર્ષ કરવામાં આવશે.
  • દરેક કુટુંબની દરેક પુખ્ત વયની વ્યક્તિ’ માટે વિસ્તૃત વ્યાપ હેઠળ 28.8.18 પછીથી નવું પીએમજેડીવાય ખાતું ખોલાવનાર નવા રૂપે કાર્ડધારકો માટે અકસ્માતનું વીમાકવચ રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવશે.

અસર:

અભિયાન ચાલુ રહેવાથી દેશમાં પુખ્ત વયની તમામ વ્યક્તિઓ/કુટુંબો ઓછામાં ઓછું એક સામાન્ય બેંક ખાતું ધરાવશે તેમજ અન્ય નાણાકીય સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ અને રૂ. 10,000 સુધીનાં ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મળશે. એટલે તેઓ આ સુવિધાઓ સાથે નાણાકીય સેવાઓનાં મુખ્ય પ્રવાહમાં આવશે અને સરકારની વિવિધ સબસિડી યોજનાઓનાં લાભનાં હસ્તાંતરણની સુવિધા વધારે અસરકારક રીતે લઈ શકશે.         

પીએમજેડીવાય હેઠળ પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ:

  • રૂ. 81,200 કરોડની રકમ જમા કરાવીને અંદાજે 32.41 કરોડ જન ધન ખાતાઓ ખુલ્યાં.
  • 53 ટકા જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને 59 જન ધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે. આ ખાતાધારકોને અંદાજે 24.4 કરોડ રૂપે કાર્ડ ફાળવવાની સાથે 83 ટકાથી વધારે શરૂ (operative) જન ધન ખાતાઓ (અસમ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર સિવાય) આધાર સાથે જોડાયેલા છે.
  • 7.5 કરોડથી વધારે જન ધન ખાતાઓને ડીબીટી (સીધા લાભ હસ્તાંતરણ)નો લાભ મળ્યો છે.
  • 1.26 લાખ પેટા સેવા વિસ્તારો (ગ્રામીણ વિસ્તારો)માં બેંક સહાયક (Banking Correspondents) તૈયાર કરવામાં આવ્યાં છે, જે દરેક 1000-1500 કુટુંબોને સેવા આપે છે. જુલાઈ, 2018 દરમિયાન બીસી મારફતે આશરે 13.16 કરોડ આધાર સાથે જોડાયેલી ચૂકવણી સિસ્ટમના (એઇપીએસ) વ્યવહારો થયાં છે.
  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય)ના 13.98 કરોડ લાભાર્થીઓ છે, જેમાં અત્યાર સુધીમાં રૂ. 388.72 કરોડની કુલ રકમના 19,436 દાવાઓ થયા છે.
  • એ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય)ના 5.47 કરોડ લાભાર્થીઓ છે, જેમાં રૂ. 2206.28 કરોડની કુલ રકમના 1.10 લાખ દાવાઓ થયા છે.
  • અટલ પેન્શન યોજના (એપીવાય)માં 1.1 કરોડ લાભાર્થીઓ જોડાયા છે.

જન ધન ખાતાઓ મારફતે પીએમજેડીવાયનાં અમલીકરણ માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આધાર (જેએએમ) સાથે મોબાઇલ બેંકિંગને જોડવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી બચત, ધિરાણની વહેંચણી, સામાજિક સુરક્ષા વગેરેની સુવિધા આપવાની સાથે ડીબીટી (સીધા લાભ હસ્તાંતરણ) મારફતે દેશનાં ગરીબ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ જોડવામાં આવ્યો છે.

મુખ્ય નાણાકીય સર્વસમાવેશક કાર્યક્રમ (પીએમજેડીવાય) ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દરેક કુટુંબની દરેક પુખ્ત વયની વ્યક્તિના ખાતાં ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જન ધન-આધાર-મોબાઇલ (જેએએમ)ની વ્યવસ્થા આ પ્રવૃત્તિઓને આવરી લેવા માટે જરૂરી યોગદાન આપવાનું ચાલુ રાખશે તથા તેનાં પગલે સમાજના ડિજિટલ ક્રાંતિ, નાણાકીય સર્વસમાવેશતાની પ્રક્રિયા અને વીમાકરણને વેગ મળ્યો છે.

પૃષ્ઠભૂમિઃ

બેંકિંગની પહોંચ વધારવા, નાણાકીય સર્વસમાવેશતા વધારવા તથા દેશભરમાં કુટુંબદીઠ ઓછામાં ઓછું એક બેંક ખાતું શરૂ કરવાનાં આશય સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2014નાં સ્વતંત્રતા દિવસનાં ભાષણમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) તરીકે જાણીતી રાષ્ટ્રીય નાણાકીય સર્વસમાવેશતા અભિયાનની જાહેરાત કરી હતી. આ યોજના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્તરે 28 ઓગસ્ટ, 2014નાં રોજ સત્તાવાર રીતે શરૂ કરી હતી.

 

J.KHUNT/GP/RP



(Release ID: 1545130) Visitor Counter : 322