પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ જૈવઇંધણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું

Posted On: 10 AUG 2018 12:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિશ્વ જૈવઈંધણ દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં હાજર ખેડૂતો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને ધારાસભ્યને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, જૈવઈંધણો 21મી સદીમાં ભારતને નવી ગતિ પ્રદાન કરી શકે તેમ છે, આ ઈંધણો વિવિધ પ્રકારનાં પાકમાંથી પેદા થાય છે, જે ગામડાં તેમજ શહેરોનાં લોકોનાં જીવનને બદલી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે શ્રી અટલબિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતાં, ત્યારે જૈવઇંધણમાંથી ઇથેનોલનું  ઉત્પાદન કરવાની યોજના બની હતી, જોકે ત્યાર પછી વર્ષ 2014માં ઇથેનોલ મિશ્રણ કરવાનાં કાર્યક્રમ માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી, ખેડૂતોને લાભ પ્રદાન કરવા ઉપરાંત આ યોજના ગયા વર્ષે રૂ. 4,000 કરોડનાં વિદેશી વિનિમયની બચત કરવામાં પણ મદદરૂપ થઈ હતી તેમજ આગામી ચાર વર્ષમાં આશરે રૂ. 12,000 કરોડની બચત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે બાયોમાસ (જૈવિક કચરા)ને બાયોફ્યુઅલ (જૈવઈંધણ)માં પરિવર્તિત કરવાનાં પ્રયાસરૂપે નોંધપાત્ર રોકાણ કર્યું છે, 12 આધુનિક રિફાઇનરી સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં રોજગારીની તકો પેદા થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જનધન, વનધન અને ગોબરધન જેવી યોજનાઓ ગરીબો, આદિવાસીઓ અને ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થઈ રહી છે, જૈવઇંધણની પરિવર્તનીય ક્ષમતા વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો અને લોકોની ભાગીદારી મારફતે જ પ્રાપ્ત કરી શકાશે. તેમણે ગ્રામીણ વિસ્તારોને જૈવઈંધણનાં ફાયદા આપવામાં મદદ કરવા હાજર દરેકને અપીલ કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જૈવઈંધણ માટેની રાષ્ટ્રીય નીતિ 2018” બુકલેટનું વિમોચન પણ કર્યું હતું. તેમણે પ્રોએક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ ફેસિલિટેશન બાય ઇન્ટરેક્ટિવ એન્ડ વર્ચ્યુઅસ એન્વાયર્મેન્ટલ સિંગલ-વિન્ડો હબ’ (પરિવેશ)નો પણ શુભારંભ કરાવ્યો હતો.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1542575) Visitor Counter : 141