પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશભરમાં ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 19 JUL 2018 11:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પછી વિદ્યુતીકરણ થયેલા દેશભરનાં ગામડાંઓનાં નાગરિકોની સાથે આજે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સહજ બીજલી હર ઘર યોજના – ‘સૌભાગ્ય યોજના’નાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ 10મો સંવાદ હતો.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં વિદ્યુતીકૃત થયેલા 18,000 ગામડાઓનાં ગ્રામજનો સાથે વાતચીત દરમિયાન આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “જે લોકોએ અંધકારનો અનુભવ કર્યો નથી, તેઓ પ્રકાશનો અર્થ સમજી શકતાં નથી. જે લોકોએ અંધારામાં જીવન પસાર કર્યું નથી, તેમને પ્રકાશનાં મૂલ્યનો અહેસાસ નથી.”

પ્રધાનમંત્રીએ આ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, એનડીએ સરકાર સત્તામાં આવ્યાં પછી હજારો ગામોનું વિદ્યુતીકરણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારે આપેલા જૂઠ્ઠાં વચનોથી વિપરીત વર્તમાન સરકારે દરેક ગામે વિજળી પહોંચાડવાનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સરકારે વિજળીની સાથે-સાથે દેશભરમાં તેની વિતરણ વ્યવસ્થામાં પણ સુધારો કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, આઝાદીનાં 70 વર્ષ પછી  પણ આ 18,000 ગામડાઓને વિજળી નહોતી મળી, જેના વિદ્યુતીકરણનું કામ છેલ્લાં ચાર વર્ષમાં એનડીએ સરકારે પાર પાડ્યું છે. પૂર્વોત્તરમાં મણિપુરના લીસાંગ ગામને 28 એપ્રિલ, 2018નાં રોજ દેશના અંતિમ ગામ તરીકે વિદ્યુતીકૃત કરવામાં આવ્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ 18,000 ગામડાંઓનું વિદ્યુતીકરણ કરવાનું કામ થોડું મુશ્કેલ હતું, કારણ કે તેમાંથી મોટાં ભાગનાં ગામડાંઓ અંતરિયાળ વિસ્તારો, પહાડી વિસ્તારો અને નબળાં સંપર્ક ધરાવતાં ક્ષેત્રોમાં હતાં. તેમણે કહ્યું હતું કે, તમામ મુશ્કેલીઓ હોવા છતાં લોકોની એક સમર્પિત ટીમે દરેક ગામનાં વિદ્યુતીકરણનું સ્વપ્ન સાકાર કરવા આકરી મહેનત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે પૂર્વ ભારતની કાયાપલટ કરી છે. આ વિસ્તારમાં 18,000 ગામડાંઓમાંથી 14,582 ગામડાંઓમાં વીજળીનો પુરવઠો ઉપલબ્ધ જ નહોતો, ત્યારે પૂર્વોત્તર ક્ષેત્રમાં 4,590 ગામડાઓમાં વીજળીની સુવિધા નહોતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે પૂર્વ ભારતનાં વિકાસ અને તેનાં સંપૂર્ણ વિદ્યુતીકરણને પ્રાથમિકતા આપી છે અને અત્યારે ભારતનો પૂર્વીય વિસ્તાર ભારતની વિકાસ યાત્રામાં બહુ મોટી ભૂમિકા અદા કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના દેશનાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનાં ઉદ્દેશ સાથે શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં આ યોજનાનાં માધ્યમ થકી 86 લાખથી વધારે કુટુંબોનું વિદ્યુતીકરણ થઈ ગયું છે. યોજના યુદ્ધનાં ધોરણે ચાલી રહી છે અને તે આ ચાર કરોડ કુટુંબો માટે વીજળીનું જોડાણ સુનિશ્ચિત કરશે.

પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતાં અંતરિયાળ વિસ્તારોનાં ગામડાંઓનાં લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, વીજળીએ હંમેશા માટે તેમનાં જીવનની દિશા બદલી નાંખી છે. સૂર્યાસ્ત અગાઉ પોતાનું કામ પૂર્ણ કરનાર લોકો અને ફાનસનાં માધ્યમથી અભ્યાસ માટે મજબૂર બાળકોનાં જીવનમાં વિદ્યુતીકરણથી પ્રકાશ પથરાયો છે. મોટા ભાગનાં લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમનાં જીવનની ગુણવત્તામાં મોટો સુધારો થયો છે. આ લાભાર્થીઓએ પોતાનાં ઘરોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

 

NP/RP



(Release ID: 1539296) Visitor Counter : 239