યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

માય ભારત - એનએસએસ દ્વારા 'નશા મુક્ત યુવા અભિયાન'ના 6ઠ્ઠા સપ્તાહ હેઠળ દેશભરના ગામડાઓમાં 'ગ્રામ સેવા અને પરંપરાગત ખેલ દિવસ'નું આયોજન કરવામાં આવ્યું

પોસ્ટેડ ઓન: 24 OCT 2026 4:54PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત નેશનલ સર્વિસ સ્કીમ (NSS) દ્વારા 'વિકસિત ભારત 100 સપ્તાહ સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા'ના છઠ્ઠા સપ્તાહના ભાગરૂપે 'ગ્રામ સેવા અને પરંપરાગત ખેલ દિવસ' નું આયોજન કરવામાં આવ્યું હતું, જે આ ઝુંબેશને શૈક્ષણિક સંસ્થાઓથી આગળ વધારીને ગ્રામીણ સમુદાયો સુધી લઈ ગયું છે.

એનએસએસ નિયામકશ્રી અને 15 એનએસએસ પ્રાદેશિક નિયામકશ્રીઓ દ્વારા અમલમાં મૂકાયેલી આ પહેલ 160 થી વધુ સંસ્થાઓ અને તેમના દ્વારા દત્તક લેવાયેલા ગામડાઓમાં યોજવામાં આવી હતી, જેમાં યુવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામીણ વડીલો અને સ્થાનિક રહેવાસીઓ સહિત 80,000થી વધુ ભાગીદારોને જોડવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ બીજા મહિનાની થીમ 'ફિટ યુવા, વ્યસન મુક્ત યુવા (શક્તિ અને સેવા)' હેઠળ આયોજિત કરવામાં આવી હતી, જેમાં નશા મુક્ત સમાજને પ્રોત્સાહન આપવા માટે શારીરિક ફિટનેસ, સમુદાય ભાગીદારી અને સામાજિક જવાબદારીની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પરંપરાગત રમતગમત પ્રવૃત્તિઓના ભાગરૂપે, એનએસએસ એકમો દ્વારા કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ અને કુશ્તી જેવી સ્થાનિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓમાં 21,500 થી વધુ ભાગીદારો જોડાયા હતા, જેણે ગ્રામીણ યુવાનોમાં સ્વસ્થ મનોરંજન, ટીમવર્ક અને સકારાત્મક જોડાણને પ્રોત્સાહન આપ્યું હતું.

ગ્રામ સેવા વિભાગ હેઠળ એનએસએસ સ્વયંસેવકો અને ગ્રામ પંચાયતો એકસાથે આવીને ગામની ગલીઓની સફાઈ, જાહેર કૂવાઓ અને હેન્ડપંપોની આસપાસ સ્વચ્છતા અને વૃક્ષ વાવવાની ઝુંબેશ સહિતની સામાજિક સેવા પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. 19,800 થી વધુ ભાગીદારોએ આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જે ગ્રામીણ વિકાસ માટે સામૂહિક કાર્ય દ્વારા એનએસએસના મુખ્ય સૂત્ર 'નોટ મી, બટ યુ' (હું નહીં, પણ તમે) ને પ્રતિબિંબિત કરે છે.

આ ઉપરાંત, સમુદાય જાગૃતિ કાર્યક્રમો અને સ્વસ્થ જીવનશૈલી તથા નશા મુક્ત અભિયાન પર યુવાનોની આગેવાની હેઠળના સંવાદોમાં 18,600 થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા. આ પહેલમાં રમતગમત અને સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં 29,500 થી વધુ યુવતીઓની ભાગીદારી પણ નોંધાઈ હતી, જે જાતિ સમાવેશીતા (જેન્ડર ઈન્ક્લુઝિવિટી) પર મજબૂત ભાર દર્શાવે છે.

અભિયાનની પહોંચ વધારવા માટે, યુવા ભાગીદારોએ હેશટેગ #NashaMuktYuva નો ઉપયોગ કરીને 4,000 થી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ્સ બનાવી હતી, જેનાથી પાયાના સ્તરની પ્રવૃત્તિઓની દ્રશ્યતા વિશાળ શ્રોતાઓ સુધી પહોંચી હતી.

પરંપરાગત રમતગમત, સામાજિક સેવા અને જાગૃતિ પ્રવૃત્તિઓના સંકલન દ્વારા, આ ઝુંબેશના 6ઠ્ઠા સપ્તાહે શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામીણ સમુદાયો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે. આ પહેલે સ્વસ્થ જીવનશૈલી, સકારાત્મક યુવા જોડાણ અને નશા મુક્ત વિકસિત ભારતના વિઝનને પ્રોત્સાહન આપવામાં સામૂહિક ભાગીદારીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2328022) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Tamil