પોસ્ટેડ ઓન:
22 OCT 2026 4:03PM by PIB Ahmedabad
ભારતીય સંસદ 26 અને 27 ઓક્ટોબર 2026ના રોજ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં 12મા બ્રિક્સ સંસદીય મંચ (BRICS પાર્લામેન્ટરી ફોરમ)નું આયોજન કરશે. પરિષદનું ઉદ્ઘાટન 26 ઓક્ટોબરે કરવામાં આવશે.
આજે સંસદ ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ પરિષદ ભારતની સંસદીય કૂટનીતિના ઇતિહાસમાં એક નવો અધ્યાય અંકિત કરે છે. તે બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના પીઠાસીન અધિકારીઓ અને સંસદીય નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ, રાજ્ય વિધાનમંડળોના પીઠાસીન અધિકારીઓ, સંસદસભ્યો અને અન્ય મહાનુભાવોને એક મંચ પર લાવશે.
લોકસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની શોભા વધારશે અને મુલાકાતે આવેલા પ્રતિનિધિમંડળોના નેતાઓને મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પરિષદમાં મુલાકાતે આવેલા પ્રતિનિધિમંડળો અને સંસદીય મૈત્રી જૂથોના નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુભાષીય વાર્તાલાપ યોજાશે. 12મા બ્રિક્સ સંસદીય મંચના સંયુક્ત નિવેદનને આખરી ઓપ આપવા માટે 25 ઓક્ટોબર 2026 ના રોજ પ્રતિનિધિમંડળોના સચિવોની એક બેઠક યોજાશે.
કાર્યક્રમના મુખ્ય વિષય પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે ફોરમ “જન-કેન્દ્રિત વિકાસ માટે સંસદોને મજબૂત બનાવવી” ના વ્યાપક વિષય પર વિચાર-વિમર્શ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, બ્રિક્સ સંસદીય મંચની વિરાસતને આગળ ધપાવતા, 12મું બ્રિક્સ સંસદીય મંચ નીચેના ચાર ઉચ્ચ સ્તરીય સત્રો દ્વારા સર્વસંમતિ-આધારિત સંવાદને સુગમ બનાવશે:
(i) સ્થિતિસ્થાપકતા: બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સંસ્થાઓને મજબૂત કરવામાં સંસદોની મહત્વપૂર્ણ ભૂમિકા. (ii) નવીનતા: સંસદો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં માનવ-કેન્દ્રિત નવીનતાને પ્રોત્સાહન આપવું. (iii) સહયોગ: સંસદીય સહયોગ દ્વારા વૈશ્વિક શાસનની વધુ પ્રતિનિધિ પ્રણાલી સુનિશ્ચિત કરવી. (iv) ટકાઉપણું: આપણા દેશો માટે ટકાઉ અને સમાવેશી ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં સંસદોની ભૂમિકા.
આ ઉપરાંત, સંસદીય કૂટનીતિ, ક્ષમતા નિર્માણ અને ઉત્કૃષ્ટ પદ્ધતિઓના આદાનપ્રદાન પર વિચાર-વિમર્શ કરવા માટે બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના સંસદોની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિઓના અધ્યક્ષોની એક વિશેષ બેઠક યોજાશે.
શ્રી બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરીય પૂર્ણ સત્રો, સમાંતર બેઠકો અને દ્વિપક્ષીય આદાનપ્રદાનની સાથે સાથે પરિષદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશિષ્ટ અતિથિઓના સન્માનમાં બેન્ક્વેટ (રાત્રિભોજન) નું આયોજન કરશે.
પ્રતિનિધિમંડળોના સભ્યો ભારતીય સંસદની મુલાકાત લેશે અને દિલ્હીમાં સાંસ્કૃતિક મુલાકાતોનો પણ આનંદ માણશે. આ પરિષદ 27 ઓક્ટોબરે સંપન્ન થશે.
SM/BS/JD