પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

જયગોપાલ ગરોડિયા હિંદુ વિદ્યાલયના સુવર્ણ જયંતી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 11 OCT 2026 6:40PM by PIB Ahmedabad

તમિલનાડુના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, ડૉક્ટર એલ. મુરુગનજી, થિરુ રાજમોહનજી, થિરુ નૈનાર નાગેન્દ્રનજી, ડૉક્ટર ગિરિજા શેષાદ્રિ અમ્માજી, થિરુ આર. આર. ગોપાલજી, મારા યુવા સાથીઓ, શિક્ષકો અને વાલીઓ, મારા તમિલ ભાઈઓ અને બહેનો, વડક્કમ.

મિત્રો,

આજે નવરાત્રિનો પ્રથમ દિવસ, શિવ અને શક્તિની પવિત્ર ધરતી તમિલનાડુ આવવાનું આ સૌભાગ્ય, અને, મા સરસ્વતીના સાધકોને મળવાની આ તક, મારા માટે નવરાત્રિનો આ અદ્ભુત પ્રારંભ છે. હું મારા યુવા સાથીઓનો આ ઉત્સાહ પણ જોઈ રહ્યો છું. આ જે સકારાત્મક ઊર્જા છે, આ જે રોમાંચ છે, હું તેને અનુભવી રહ્યો છું. મને આપ સૌની આંખોમાં ભારતનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે.

હું મારી વાત શરૂ કરું તે પહેલાં હું આજે ચેન્નાઈમાં તો સમય કરતાં પણ 10 મિનિટ પહેલાં લેન્ડ થઈ ગયો હતો, પરંતુ કાર્યક્રમોની રચના અને તેમાં કંઈક ને કંઈક વિલંબ થતો ગયો અને તેના કારણે તમારી વચ્ચે આવવામાં મને વિલંબ થયો, હું મોડો પહોંચ્યો, તમને અસુવિધા થઈ તે બદલ હું આપ સૌની ક્ષમા માંગુ છું.

મિત્રો,

આજનો યુવાન ‘વિકસિત ભારત’ના દ્રષ્ટિકોણની (વિઝનની) તાકાત બનવા માંગે છે. વિકસિત ભારત માટે જે નવા વિચારો (આઈડિયાઝ) જોઈએ, જે નવા ઉકેલો (સોલ્યુશન્સ) જોઈએ, તેનાથી ભારત જ નહીં, વિશ્વનું ભવિષ્ય પણ નક્કી થશે. આજે, વિશ્વ ઉકેલો શોધી રહ્યું છે. અને તમારી પાસે તે ઉકેલો પૂરા પાડવાની ક્ષમતા છે.

મિત્રો,

આજે ભારતમાં જે અસીમ તકો છે, હું ઈચ્છું છું કે દરેક યુવાન પોતાના ભવિષ્યને તે જ મોટા કેનવાસ પર જુએ. કારણ કે, આ તમારો સમય છે. આ તમારો સમય છે, આ તમારી તક છે. મને પૂરો વિશ્વાસ છે, આપણું આ સપનું પૂરું થઈને રહેશે. સાથે મળીને, આપણે તે કરી બતાવીશું! સાથે મળીને, આપણે તે કરી બતાવીશું! સાથે મળીને, આપણે તે કરી બતાવીશું! સાથે મળીને, આપણે તે કરી બતાવીશું!

મિત્રો,

આજે હું આપ સૌને મળવા અહીં આવ્યો છું, તેની પાછળ પણ એક રસપ્રદ પ્રેરણા છે. આપણાં ગિરિજા અમ્મા, કેટલાક મહિનાઓ પહેલાં જ મને કેટલાક બાળકો સાથે નાગરકોઈલમાં મળ્યા હતાં. તેમની લગન, તેમનો આત્મવિશ્વાસ અને દેશના ભવિષ્ય માટે તેમનું સમર્પણ, તેણે મારા મન પર એક અભૂતપૂર્વ છાપ છોડી હતી. તે જ મુલાકાતમાં તેમણે મને આ સુવર્ણ જયંતી ઉજવણી માટે આમંત્રિત કર્યો હતો. એક તો તેમનો સ્નેહ, બીજું, આ ઐતિહાસિક સંસ્થા પ્રત્યે મારી ભાવના, મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, હું આ કાર્યક્રમમાં ચોક્કસ આવીશ. હું આ પ્રસંગે, વિશ્વ હિંદુ વિદ્યા કેન્દ્ર અને સમગ્ર હિંદુ વિદ્યાલય પરિવારને, પચાસ વર્ષની આ શાનદાર યાત્રા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

મિત્રો,

વિશ્વ હિંદુ વિદ્યા કેન્દ્ર આજે પોતાની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે. આ સીમાચિહ્ન જેટલું મોટું છે, તેની યાત્રા પણ એટલી જ પ્રેરણાદાયી છે. 1975માં ચેન્નાઈનું ‘વેસ્ટ મામ્બલમ’, એક નાનકડા વિદ્યાલયના રૂપમાં આ સંસ્થાની શરૂઆત થઈ હતી. તે સમયે તેમાં કેવળ સાત વિદ્યાર્થીઓ હતા. આજ જેવી સુવિધાઓ પણ નહોતી. કાયમી મકાન પણ નહોતું. સંસાધનો પણ સીમિત હતા. પરંતુ, એક વસ્તુ હતી, દ્રઢ ઈચ્છાશક્તિ, અને અટૂટ સેવા ભાવના! એટલા માટે જ, આ સંસ્થા દરેક મુશ્કેલી છતાં આગળ વધતી રહી. સમય જતાં આ નાનકડો પ્રયાસ એટલો મોટો શૈક્ષણિક ચળવળ બની ગયો. આજે તમિલનાડુના અલગ-અલગ ભાગોમાં તમારી 15 સંસ્થાઓ છે.

મિત્રો,

હું આ પ્રસંગે શ્રી જયગોપાલ ગરોડિયાજીના યોગદાનને પણ આદરપૂર્વક યાદ કરું છું. તેમણે વિદ્યાલયના ભવન નિર્માણમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો. આજે હું તે તમામ શિક્ષકો, કર્મચારીઓ, વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓનું પણ અભિનંદન કરું છું, જેમણે હિંદુ વિદ્યાલયની આ યાત્રાને સફળ બનાવી છે. સમર્પણના પચાસ વર્ષ. પ્રતિબદ્ધતાના પચાસ વર્ષ. યુવા જીવનને ઘડવાના પચાસ વર્ષ.

મિત્રો,

એક સંસ્થા કેવી રીતે શિક્ષણની સાથે-સાથે રાષ્ટ્રભક્ત નાગરિકોનું નિર્માણ કરે છે, આ સ્થાન આનું પણ ઉદાહરણ છે. મેં મારા ‘મન કી બાત’માં પણ આની ચર્ચા કરી હતી, કેવી રીતે ગિરિજા અમ્માએ બાળકોને એક વિચાર આપ્યો, દરેક બાળક રોજ માત્ર એક રૂપિયો બચાવે. અને તેને દેશના સૈનિકો માટે સમર્પિત કરે. જ્યારે હજારો બાળકો આ સંકલ્પ સાથે જોડાયા, તો આશરે ચાલીસ લાખ રૂપિયા એકઠા કરી લેવાયા. ખરેખર, કેટલું પ્રેરણાદાયી ઉદાહરણ!

મિત્રો,

નાના યોગદાન મોટો તફાવત લાવી શકે છે. એક નાનકડો પ્રયાસ પણ ખૂબ મોટો પ્રભાવ પાડે છે. આપત્તિના સમયે જરૂરિયાતમંદોને મદદ કરવાની હોય, કે સ્વચ્છતા સાથે જોડાયેલા પ્રયાસો હોય, આ સંસ્કાર જ હિંદુ વિદ્યાલય પરિવારની મહાન વિરાસત છે.

મિત્રો,

આજે આ પ્રસંગે હું મહાન સંત તિરુવલ્લુવરજીને પણ યાદ કરીશ. તેમનું શિક્ષણ આપ સૌ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનું છે. તાજેતરમાં જ મને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તિરુકુરલનો રશિયન અનુવાદ ભેટ આપવાની તક મળી હતી. તિરુકુરલ તે તમામ લોકો માટે એક અદ્ભુત માર્ગદર્શક છે, જેઓ જીવનભર કંઈક નવું શીખતા રહેવા માંગે છે. તિરુવલ્લુવરજી પોતાના એક ખૂબ જ પ્રખ્યાત કુરલમાં આપણને શીખવે છે કે કંઈક શીખવાની સાથે જ તેને પોતાના જીવનમાં અપનાવવું પણ આવશ્યક છે. અને આ આપ સૌ વિદ્યાર્થીઓ માટે પણ મોટો પાઠ છે.

મિત્રો,

આપ સૌએ મહાકવિ ભારતિયારને પણ ખૂબ વાંચ્યા હશે. મહાકવિ ભારતિયારના જીવનમાં મોટી ભૂમિકા કાશીની પણ હતી. કાશીના આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ચેતનાથી ભરેલા વાતાવરણનો તેમના વિચારો પર ઊંડો પ્રભાવ પડ્યો.

મિત્રો,

હું કાશીનો સાંસદ છું, કાશીના લોકો આજે પણ મહાકવિ ભારતિયારને યાદ કરે છે. તેમના શબ્દો, 'અચ્ચમિલ્લૈ, અચ્ચમિલ્લૈ' (નિડર બનો, નિડર બનો), આ આપણને નિડર થઈને જીવવાની પ્રેરણા આપે છે. એટલા માટે હું અહીં આપ સૌ યુવાનોને પણ કહીશ, આપ નિડર થઈને સ્વયંને એક તક ચોક્કસ આપો. પોતાના વિચાર પર કામ કરીને જુઓ. મોટા સપના જુઓ. અલગ વિચારો. અને, નિડર બનો.

મિત્રો,

ભારતને લઈને મારી પોતાની સમજ, દેશના અલગ-અલગ ભાગોની યાત્રાઓ અને ત્યાંના લોકો પાસેથી શીખવાના અનુભવોથી બની છે. નેવુંના દાયકાની શરૂઆતમાં, હું કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રાનો પણ હિસ્સો રહ્યો હતો. ગિરિજા અમ્મા સાથે મારો પહેલો પરિચય તે જ એકતા યાત્રા દરમિયાન થયો હતો. ત્યારથી મારો આ પરિચય બનેલો છે.

મિત્રો,

મારી યાત્રાઓએ મને ભારતની વિવિધતાને નજીકથી સમજવાની તક આપી. મારા જીવનમાં તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિ માટે જે પ્રેમ છે, આ પણ આ જ અનુભવોથી પેદા થયો છે.

મિત્રો,

તેથી જ, હું તમને ભારતની શોધ કરવા માટે પ્રોત્સાહિત કરું છું. તમે જ્યાં પણ જાઓ, તમિલ સંસ્કૃતિને તમારી સાથે લઈ જાઓ. તમિલ કવિતાઓ, વાર્તાઓ અને પરંપરાઓ મિત્રો સાથે શેર કરો. એવા લોકો સાથે મિત્રતા કરો જેમની પૃષ્ઠભૂમિ તમારા કરતાં અલગ હોઈ શકે છે. આપણા રાષ્ટ્રની એકતા તમારા દ્વારા કરવામાં આવતી મિત્રતા દ્વારા નિર્મિત થાય છે.

મિત્રો,

આજની નવી પેઢીને પોતાના સપનાઓને પૂરા કરવા માટે જે તકો મળી રહી છે, આ પોતાનામાં જ અભૂતપૂર્વ છે. આપ જુઓ, આજે દેશમાં શિક્ષણનું આખું દ્રશ્ય બદલાઈ રહ્યું છે. 2014માં ભારતમાં આશરે સાતસો પચાસ યુનિવર્સિટીઓ હતી. આજે એમની સંખ્યા તેરસોથી પણ વધુ થઈ ગઈ છે. કોલેજોની સંખ્યા પણ આશરે અડત્રીસ હજારથી વધીને બાવન હજારથી વધુ થઈ ચૂકી છે. વીતેલા વર્ષોમાં દેશને અનેક નવી આઈઆઈટી, આઈઆઈએમ, આઈઆઈઆઈટી અને એઈમ્સ મળી છે.

મિત્રો,

આજે નવી શિક્ષણ નીતિથી દેશમાં શિક્ષણની ગુણવત્તા પણ સુધરી રહી છે. ભારતીય સંસ્થાઓની વૈશ્વિક ઓળખ પણ સતત વધી રહી છે. 2015ની ક્યુએસ રેન્કિંગમાં ભારતની માત્ર ચૌદ યુનિવર્સિટીઓ હતી. લેટેસ્ટ રેન્કિંગમાં આ સંખ્યા વધીને બાવન થઈ ગઈ છે. આ આંકડાઓનો અર્થ ખૂબ સીધો છે. વધુ સંસ્થાઓ. વધુ વિકલ્પો. અને, તમારા માટે વધુ તકો.

મિત્રો,

દરેક યુવાનના પોતાના અલગ-અલગ સપના પણ હોય છે, પોતાની અલગ પ્રતિભા પણ હોય છે. ઉદાહરણ તરીકે, તમારામાંથી કદાચ ઘણા સાથીઓ એવા હશે જે રમતોને પોતાની કારકિર્દી બનાવવા માંગતા હશે અને એટલા માટે દેશ પણ એ સુનિશ્ચિત કરી રહ્યો છે કે રમતો કેવળ મનોરંજન સુધી સીમિત ન રહે. એટલા માટે જ, આજે ભારતમાં રમતો માટે નવી સુવિધાઓ બની રહી છે. યુવા ખેલાડીઓને બહેતર તાલીમ અને સપોર્ટ મળી રહ્યો છે. અને આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું કદ પણ આંતરરાષ્ટ્રીય રમતોની દુનિયામાં ભારતનું કદ પણ વધી રહ્યું છે.

મિત્રો,

ભારત 2030 રાષ્ટ્રમંડળ રમતોની (કોમનવેલ્થ ગેમ્સની) યજમાનીની તૈયારી કરી રહ્યું છે. આપણે 2036 ઓલિમ્પિક્સની યજમાનીનું સપનું લઈને પણ આગળ વધી રહ્યા છીએ. આવનારા વર્ષોમાં જ્યારે દુનિયાના મોટા રમતગમતના આયોજનો ભારતમાં થશે. એટલા માટે, ભારતના યુવાનો પાસે હવે મંચ પણ છે, ક્ષમતા પણ છે, અને, સપોર્ટ પણ છે. એનો અર્થ એ કે તકો અનંત છે! મને વિશ્વાસ છે, તમારી પેઢી ભારતને રમતોની દુનિયામાં પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે.

મિત્રો,

આજે આપ સૌની વચ્ચે આવીને, તમારા સપનાઓને અનુભવીને, મારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. હું એ કહી શકું છું કે ભારતનું ભવિષ્ય ખૂબ જ શાનદાર હશે. અને તે ભવિષ્યના સૌથી મોટા નાયક આપ છો. મને આપની પ્રતિભા પર ભરોસો છે. આપના આત્મવિશ્વાસ પર ભરોસો છે. આપની ક્ષમતા પર ભરોસો છે. અને એટલા માટે, આજે હું આપ સૌની સાથે કેટલાક મોટા સંકલ્પો પુનરાવર્તિત કરવા માંગુ છું. હવે હું જે બોલીશ ત્યાર પછી તમારે પુનરાવર્તન કરવાનું છે- આપણે તે કરી બતાવીશું! પુનરાવર્તન કરશો ને પાક્કું.

બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત. બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત. આપણે તે કરી બતાવીશું! મારી સાથે બોલો: આપણે તે કરી બતાવીશું! બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત, આપણે તે કરી બતાવીશું! ટોચની ત્રણ અર્થવ્યવસ્થા, આપણે તે કરી બતાવીશું! આત્મનિર્ભર ભારત, આપણે તે કરી બતાવીશું! વૈશ્વિક ઉત્પાદન હબ, આપણે તે કરી બતાવીશું! ઓલિમ્પિક્સની યજમાની, આપણે તે કરી બતાવીશું! ચંદ્ર પર એક ભારતીય, આપણે તે કરી બતાવીશું! હા, આપણે તે કરી બતાવીશું! આપણે તે કરી બતાવીશું! વિકસિત તમિલનાડુ: આપણે તે કરી બતાવીશું! વિકસિત તમિલનાડુ: આપણે તે કરી બતાવીશું! વિકસિત ભારત, આપણે તે કરી બતાવીશું!

તમારો ખૂબ ખૂબ આભાર.

આભાર, વડક્કમ!

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2322002) મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Manipuri