કૃષિ મંત્રાલય
કૃષિ સંશોધન, શિક્ષણ અને ટેકનોલોજી હસ્તાંતરણને આગળ ધપાવવા માટે ભારત અને ઘાના વચ્ચે ઐતિહાસિક MoU પર હસ્તાક્ષર
ICAR અને CSIR-CRI (ઘાના)એ પાકની ઉપજ, લણણી પછીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી; બંને દેશોના વિદેશ મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો
પોસ્ટેડ ઓન:
07 OCT 2026 6:04PM by PIB Ahmedabad
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR), નવી દિલ્હી અને ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CRI), અક્રા (Accra), ઘાના વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થતાં ભારત અને ઘાનાએ કૃષિ સંશોધન, શિક્ષણ અને ટેકનોલોજી હસ્તાંતરણમાં સહયોગને મજબૂત બનાવ્યો છે. આ MoU સાઉથ-સાઉથ અને ભારત-આફ્રિકા સહયોગ પર ભારતના લક્ષ્યને વધુ મજબૂત કરશે. આ હસ્તાક્ષર સમારોહમાં ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ઘાનાના વિદેશ મંત્રી એચ.ઈ. સેમ્યુઅલ ઓકુડઝેટો અબલાક્વા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પાંચ વર્ષીય MoU સંયુક્ત કૃષિ સંશોધન, વૈજ્ઞાનિક અને તકનીકી આદાન-પ્રદાન, ક્ષમતા નિર્માણ તેમજ કૃષિ ટેકનોલોજીના ઉપયોગ અને વ્યાપારીકરણમાં સહયોગ માટેનું એક માળખું પૂરું પાડે છે. આ સહયોગને અરીમા ફાર્મ્સ લિમિટેડ, ઘાના દ્વારા સુગમ બનાવવામાં આવ્યો છે, જેને આ માળખા હેઠળ ચોક્કસ સંશોધન અને વ્યાપારીકરણ પ્રવૃત્તિઓ માટે CSIR-CRI ના વ્યાપારી ભાગીદાર તરીકે માન્યતા આપવામાં આવી છે.
સહયોગનો પ્રથમ તબક્કો શાકભાજીના પાક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ટમેટાંના સંશોધન અને વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ સહયોગ હેઠળ, ICAR પુરવાર થયેલી કૃષિ ટેકનોલોજીના સ્કેલ-અપ અને યોગ્ય વધુ ઉપજ આપતી ટમેટાંની લાઈનો તેમજ જાતો દાખલ કરવા માટે સહયોગ આપશે જેથી ઘાનામાં ટમેટાંના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવામાં યોગદાન આપી શકાય.
આ ભાગીદારી કૃષિ મૂલ્ય શ્રૃંખલાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કેસાવા (cassava), રતાળુ (yam) અને અન્ય કંદમૂળના પાકોના પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. સહયોગમાં લણણી પછીના નુકસાનને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ પરિવહન, સોર્ટિંગ, ગ્રેડિંગ અને પ્રોસેસિંગ ટેકનોલોજીમાં તકનીકી સપોર્ટ અને ક્ષમતા નિર્માણ સહિત લણણી પછીના વ્યવસ્થાપન (પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ) ને પણ આવરી લેવામાં આવશે.
આ MoU માં બંને દેશોના સંબંધિત સંશોધન સંસ્થાઓ અને કેન્દ્રો વચ્ચે ટકાઉ વૈજ્ઞાનિક સહયોગ સુગમ બનાવવા માટે સંસ્થાકીય જોડાણો ઉપરાંત વૈજ્ઞાનિકો અને ટેકનોલોજિસ્ટ્સ, જર્મપ્લાઝમ અને બ્રીડિંગ મટિરિયલ્સ, વૈજ્ઞાનિક માહિતી, પદ્ધતિઓ અને તકનીકી જ્ઞાનના આદાન-પ્રદાન અને સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સના વિકાસ અને અમલીકરણની જોગવાઈ કરવામાં આવી છે.
આ સહયોગનું નિરીક્ષણ ICAR અને CSIR-CRI ના પ્રતિનિધિઓ ધરાવતા એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવશે, જે સહયોગની પ્રગતિની સમીક્ષા કરશે અને અમલીકરણનું માર્ગદર્શન કરશે. જોઈન્ટ વર્કિંગ ગ્રુપ નવી દિલ્હી અને અક્રા (Accra) ખાતે સમયાંતરે બેઠક યોજશે.
આ ભાગીદારીથી કૃષિ સંશોધન, ટેકનોલોજી વિકાસ, ક્ષમતા નિર્માણ અને વ્યાપારી ઉપયોગ વચ્ચેનું જોડાણ મજબૂત થવાની અપેક્ષા છે, જેનાથી સંબંધિત કૃષિ ટેકનોલોજીને અપનાવવાનું સુગમ બનશે અને ઘાનામાં ટકાઉ કૃષિ વિકાસ તેમજ સુધારેલી આજીવિકામાં યોગદાન મળશે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2320349)
મુલાકાતી સંખ્યા : 11