કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ICAR-CMFRIની ગ્રાહકોને સલાહઃ ચોક્કસ ક્ષેત્રમાંથી પરજીવી (પેરાસાઇટ) સંબંધિત અહેવાલોના કારણે ટ્યૂના માછલી ખાવાનું ટાળશો નહીં

પોસ્ટેડ ઓન: 24 SEP 2026 4:57PM by PIB Ahmedabad

આઈસીએઆર-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ICAR-CMFRI), કોચી દ્વારા ગ્રાહકોને કોઈ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રની માછલીઓમાં જોવા મળેલા પરજીવી સંક્રમણ (પેરાસાઇટિક ઇન્ફેક્શન) ના અહેવાલોના આધારે ટ્યુના કે અન્ય વ્યાપારી ધોરણે ઉપલબ્ધ માછલીઓ ખાવાનું ન ટાળવા માટે સલાહ આપવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું છે કે ભારતીય દરિયાકિનારે તપાસવામાં આવેલી માછલીઓ (ટ્યુના સહિત)માં હાનિકારક પરજીવી ઉપદ્રવના બાહ્ય લક્ષણો જોવા મળ્યા નથી અને અન્ય ક્ષેત્રોના આવા તારણોને ભારતીય જળસીમામાંથી પકડવામાં આવતી માછલીઓ પર સામાન્ય રીતે લાગુ કરી શકાય નહીં.

આ સલાહ બ્રાઝિલ નજીક એટલાન્ટિક મહાસાગરની માછલીઓ પરના એક અભ્યાસના આધારે સ્કિપજેક ટ્યુનામાં પરજીવીઓની હાજરી દર્શાવતા અહેવાલો બાદ આપવામાં આવી છે. ICAR-CMFRI એ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરજીવીઓની હાજરી અને પ્રમાણ પર્યાવરણીય પરિસ્થિતિઓ તેમજ કોપપોડ્સ (copepods) જેવા મધ્યવર્તી અથવા ગૌણ હોસ્ટની ઉપલબ્ધતાના આધારે અલગ-અલગ માછલીઓ અને ભૌગોલિક ક્ષેત્રો વચ્ચે ભિન્ન હોઈ શકે છે.

ICAR-CMFRI ના ડાયરેક્ટર ડૉ. ગ્રિન્સન જ્યોર્જે જણાવ્યું હતું કે સંસ્થાના વૈજ્ઞાનિકો માછલી બાયોલોજી અભ્યાસના ભાગરૂપે સ્કિપજેક ટ્યુના સહિતની માછલીઓની નિયમિત તપાસ કરે છે અને જરૂર જણાય ત્યારે અનિયમિતતાઓ તેમજ પરજીવીઓ માટે તેમનું નિરીક્ષણ કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંસ્થા દ્વારા તપાસવામાં આવેલી માછલીઓમાં હાનિકારક પરજીવી સંક્રમણના કોઈ બાહ્ય લક્ષણો જોવા મળ્યા નથી.

સંસ્થાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે માછલીઓના સ્ટોક કે વસ્તીને અલગ પાડવા માટે વૈશ્વિક સ્તરે પરજીવીઓની હાજરીમાં જોવા મળતી ભિન્નતાનો સૂચક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેથી, કોઈ એક ભૌગોલિક ક્ષેત્રની માછલીઓ સંબંધિત તારણોને અન્ય ક્ષેત્રમાં જોવા મળતી તે જ પ્રજાતિ પર આપોઆપ લાગુ કરી શકાય નહીં.

ખાદ્ય-સુરક્ષાના વધારાના સાવચેતીના પગલાં તરીકે, ICAR-CMFRI એ સલાહ આપી છે કે માછલીઓના હેન્ડલિંગ અને પ્રોસેસિંગ દરમિયાન યોગ્ય અને સમયસર ઇવિસરેશન (gutting/અંતરડાં-ઓજરી દૂર કરવી) મહત્વપૂર્ણ છે. સફાઈ અને પ્રોસેસિંગ દરમિયાન સામાન્ય રીતે અંતરડાં અને અન્ય આંતરિક અવયવો દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત, યોગ્ય રીતે રાંધવાથી પણ પરજીવીઓ નાશ પામે છે અને સંભવિત ખાદ્ય-સુરક્ષા જોખમો નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

સંસ્થાએ નોંધ્યું હતું કે કેટલાક દેશોમાં સાંસ્કૃતિક પરંપરાઓના ભાગરૂપે કાચો અથવા હળવો રાંધેલો સીફૂડ ખાવામાં આવે છે, જ્યાં ચોક્કસ વિસ્તારમાં પરજીવીઓનું પ્રમાણ વધુ હોય અને યોગ્ય મૂલ્યાંકન ન થયું હોય તો જોખમ વધુ હોઈ શકે છે. ભારતમાં, સીફૂડ સામાન્ય રીતે ઊંચા તાપમાને રાંધીને તૈયાર કરવામાં આવે છે, જે વધારાનું ખાદ્ય-સુરક્ષા કવચ પૂરું પાડે છે.

ICAR-CMFRIએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રની માછલીઓમાં પરજીવીઓ હોવાના અહેવાલો આવ્યા છે માત્ર તે કારણસર ગ્રાહકોએ ટ્યુના કે અન્ય વેચાતી માછલીઓ ખાવાનું ટાળવાની જરૂર નથી. સંસ્થાએ ગ્રાહકોને માછલી અને અન્ય સીફૂડના પોષક મૂલ્યનો લાભ ચાલુ રાખવાની સાથે સંભવિત જોખમો ઘટાડવા માટે યોગ્ય હેન્ડલિંગ, સફાઈ અને રાંધવાની પદ્ધતિઓ અનુસરવાની સલાહ આપી છે.

SM/DK/JD

 


(રીલીઝ આઈડી: 2314461) મુલાકાતી સંખ્યા : 18