સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

UNGA81માં ભારતે સાર્વત્રિક સ્વાસ્થ્ય સંભાળ, હિપેટાઇટિસ નાબૂદી અને સિકલ સેલ સંભાળમાં પ્રગતિ પર પ્રકાશ પાડ્યો


UNGA81માં સાર્વત્રિક સ્વાસ્થ્ય સંભાળને આગળ વધારવામાં ભારતે આયુષ્માન આરોગ્ય મંદિર, AB-PMJAY અને ઈ-સંજીવનીનું પ્રદર્શન કર્યું

1.8 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો, 90 કરોડથી વધુ યુનિક હેલ્થ આઈડી અને 497 મિલિયનથી વધુ ટેલિકન્સલ્ટેશન સાથે ભારત સાર્વત્રિક સ્વાસ્થ્ય સંભાળને આગળ વધારી રહ્યું છે: કેન્દ્રીય આરોગ્ય સચિવ

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે UNGA81માં 2030 સુધીમાં હિપેટાઇટિસ નાબૂદી તરફની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો

સમાન અને સુલભ સિકલ સેલ સંભાળને આગળ વધારવા માટે ભારતે UNGA81માં વનએસસીડી (OneSCD) લોન્ચ કરવા માટે વૈશ્વિક ભાગીદારો સાથે હાથ મિલાવ્યા

ભારતે UNGA81માં OneSCD વૈશ્વિક ભાગીદારીના લોન્ચિંગ સમયે વ્યાપક સિકલ સેલ પ્રતિભાવ અને 2047 સુધીમાં નાબૂદીના લક્ષ્ય પર પ્રકાશ પાડ્યો

પોસ્ટેડ ઓન: 24 SEP 2026 12:36PM by PIB Ahmedabad

ન્યૂયોર્કમાં 81મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA81)ની બાજુમાં યોજાયેલી બે મહત્વપૂર્ણ વૈશ્વિક સ્વાસ્થ્ય બેઠકોમાં ભારતે જાહેર આરોગ્ય પ્રણાલીઓને મજબૂત કરવા અને પ્રાથમિક સ્વાસ્થ્ય પડકારોને પહોંચી વળવામાં પોતાના અનુભવને શેર કરવાની સાથે દરેક માટે ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સંભાળ સુલભ અને પરવડે તેવી બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે 'ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) એન્ડ ગ્લોબલ હેલ્થ' ની સાતમી વાર્ષિક મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે લોકોને નાણાકીય મુશ્કેલીઓથી બચાવીને વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળથી લઈને દ્વિતીયક અને તૃતીયક સંભાળ સુધીના સમગ્ર તબક્કામાં સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાની વ્યવસ્થાને મજબૂત કરવાના ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે 1.8 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોના ભારતના નેટવર્ક પર પ્રકાશ પાડ્યો હતો, જે સમુદાયોની નજીક સ્વાસ્થ્ય સેવાઓની વ્યાપક શ્રેણી પહોંચાડે છે. આમાં પ્રજનન અને બાળ આરોગ્ય, બિન-ચેપી રોગોનું સ્ક્રીનિંગ અને વ્યવસ્થાપન, માનસિક આરોગ્ય, વૃદ્ધોની સંભાળ અને પેલિયેટિવ કેર સાથે નિવારક, પ્રોત્સાહક અને ઉપચારાત્મક સ્વાસ્થ્ય સંભાળ સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. તેમણે પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ પહોંચાડવામાં ગુણવત્તાયુક્ત ધોરણો પર સતત ફોકસ આપવા બાબત પર પણ ભાર મૂક્યો હતો.

શ્રીમતી શ્રીવાસ્તવે સમાજના વંચિત અને નબળા વર્ગો માટે નાણાકીય સુરક્ષાને મજબૂત કરવામાં જાહેર ભંડોળથી ચાલતી આરોગ્ય આશ્વાસન યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)ની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દર્દીઓ પરનો નાણાકીય બોજ ઘટાડવા અને આવશ્યક સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ સુધારવા માટે મફત દવાઓ અને નિદાન સેવાઓ પહેલ તેમજ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

સંભાળના સંકલિત સતત પ્રવાહના મહત્વ પર ભાર મૂકતાં તેમણે નોંધ્યું હતું કે ભારતનો અભિગમ રેફરલ લિંક્સ દ્વારા સમર્થિત આયુષ્માન આરોગ્ય મંદિરો મારફતે વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળને દ્વિતીયક અને તૃતીયક સંભાળ સાથે જોડે છે. આ અભિગમનો ઉદ્દેશ્ય જરૂર પડે ત્યારે વિશિષ્ટ સંભાળ સુધી પહોંચ સુનિશ્ચિત કરીને નિવારક, પ્રોત્સાહક અને ઉપચારાત્મક સેવાઓને લોકોની વધુ નજીક લાવવાનો છે.

ભારતની વધતી જતી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડતાં કેન્દ્રીય આરોગ્ય સચિવે નોંધ્યું હતું કે 900 મિલિયનથી વધુ નાગરિકો પાસે યુનિક હેલ્થ આઇડેન્ટિટી (ABHA) છે. સ્વાસ્થ્ય સુવિધાઓ અને સ્વાસ્થ્ય વ્યાવસાયિકોની આંતર-સંચાલનીય ડિજિટલ રજિસ્ટ્રી સાથે ABHA-સક્ષમ હેલ્થ રેકોર્ડ્સ સંભાળની નિરંતરતા મજબૂત કરવા અને સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ સુગમ બનાવવામાં મદદ કરી રહ્યા છે.

તેમણે સ્વાસ્થ્ય સંભાળમાં ભૌગોલિક સીમાઓના અવરોધોને દૂર કરવા માટે ટેકનોલોજીના વધતા ઉપયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ઈ-સંજીવની દ્વારા 497 મિલિયનથી વધુ ટેલિકન્સલ્ટેશન શક્ય બન્યા છે, તેમજ ટેલિવિઝ્યુઅલ તબીબી સેવાઓ જેમ કે ટેલિરાડિયોલોજી, AI-સક્ષમ X-રે અને મોબાઇલ મેડિકલ યુનિટ જેવી નવીનતાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ પહેલો દૂરના અને વંચિત વિસ્તારોના લોકો સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવામાં મદદ કરી રહી છે.

"હિપેટાઇટિસ નાબૂદી માટે વૈશ્વિક કાર્યવાહીને આગળ વધારવી" પરના UNGA81ના સાઇડ ઇવેન્ટમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરતા, કેન્દ્રીય આરોગ્ય સચિવે જાહેર આરોગ્ય માટેના જોખમ તરીકે હિપેટાઇટિસ B અને Cને નાબૂદ કરવાના 2030ના લક્ષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે આ લક્ષ્ય તરફની પ્રગતિને ઝડપી બનાવવા માટે પ્રારંભિક નિદાન, સારવારની પરવડે તેવી પહોંચ અને નિવારણ તથા સંભાળ માટેના સંકલિત અભિગમના મહત્વ પર ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM)ના માળખામાં સમાવિષ્ટ કરીને, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ સહિત આશરે 1.80 લાખ પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓથી લઈને તૃતીયક સંભાળ સુવિધાઓ સુધી વાયરલ હિપેટાઇટિસ સ્ક્રીનિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો વિસ્તાર કરીને 1,039 સારવાર કેન્દ્રો સુધી પણ પહોંચાડાયો છે. 2018માં રાષ્ટ્રીય વાયરલ હિપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી, આશરે 225 મિલિયન લાભાર્થીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

શ્રીમતી શ્રીવાસ્તવે પ્રજનન, માતૃ, નવજાત, બાળ અને કિશોર સ્વાસ્થ્ય માળખા હેઠળ માતાથી બાળકમાં સંક્રમણ રોકવાના પગલાં સહિત રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોમાં વાયરલ હિપેટાઇટિસ સંબંધિત હસ્તક્ષેપોને સાંકળીને નિવારણને મજબૂત કરવાના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિપેટાઇટિસ નાબૂદી તરફ સતત પ્રગતિ માટે પહોંચ વધારવા, પ્રારંભિક નિદાનને પ્રોત્સાહન આપવા અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસોની જરૂર પડશે, સાથે જ આરોગ્ય પ્રણાલીઓને મજબૂત કરવી અને વર્તમાન જાહેર આરોગ્ય કાર્યક્રમોમાં આ હસ્તક્ષેપોને સાંકળવા જરૂરી રહેશે.

UNGA81ની બાજુમાં બીજી એક મહત્વપૂર્ણ વૈશ્વિક સ્વાસ્થ્ય બેઠકમાં, ભારતે સિકલ સેલ ડિસીઝ (SCD) સામે આંતરરાષ્ટ્રીય પ્રતિભાવને મજબૂત કરવા માટે વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવીને "OneSCD: અ ગ્લોબલ પાર્ટનરશિપ ટુ એડવાન્સ ઇક્વિટી એન્ડ ટ્રાન્સફોર્મ સિકલ સેલ કેર"ના લોન્ચિંગનું સહ-આયોજન કર્યું હતું.

આ પહેલમાં નાઇજીરિયા સરકાર, WHO, UNICEF, આફ્રિકા CDC, વર્લ્ડ કોએલિશન ઓન સિકલ સેલ ડિસીઝ અને સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ સહિતના ભાગીદારો સિકલ સેલ સંભાળ માટે વધુ સમાન અને સુલભ અભિગમો આગળ વધારવાના સંયુક્ત ફોકસ સાથે એકસાથે આવ્યા હતા.

લોન્ચ દરમિયાન સંબોધન કરતાં, શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે સિકલ સેલ રોગ સામે ભારતના વ્યાપક પ્રતિસાદ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2023માં શરૂ કરવામાં આવેલા નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશનનો હેતુ 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયાને જાહેર આરોગ્યની સમસ્યા તરીકે દૂર કરવાનો છે.

તેમણે જાહર આરોગ્ય પ્રણાલીમાં વસ્તી-સ્તરનું સ્ક્રીનિંગ, પ્રારંભિક નિદાન, કાઉન્સેલિંગ, સારવાર, ફોલો-અપ અને ડિજિટલ ટ્રેકિંગને સાંકળવાના ભારતના અભિગમની રૂપરેખા આપી હતી. આ મિશન રોગ અને વાહક સ્થિતિની વહેલી ઓળખ કરવા, યોગ્ય કાઉન્સેલિંગની સુવિધા આપવા અને સિકલ સેલ રોગ હોવાનું નિદાન થયેલ વ્યક્તિઓ સંભાળ સાથે જોડાયેલા રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.

આ મિશન હેઠળ, 7.29 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, 20 લાખથી વધુ વાહકોની ઓળખ કરવામાં આવી છે અને 2.5 લાખ લોકોનું નિદાન કરવામાં આવ્યું છે, જ્યારે 4.93 કરોડથી વધુ સિકલ સેલ કાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રયાસો સંભાળની નિરંતરતાને મજબૂત કરવામાં અને રોગ વિશે વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોમાં વધુ જાગરૂકતા લાવવામાં મદદ કરી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે પોઇન્ટ-ઓફ-કેર ડાયગ્નોસ્ટિક્સ અને હાઇડ્રોક્સીયુરિયા થેરાપી સુધી પરવડે તેવી પહોંચ વિસ્તારવાના પ્રયાસોની સાથે સ્વદેશી જિનેટિક એડિટિંગ થેરાપી તરફ ચાલી રહેલા સંશોધન પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સિકલ સેલ રોગ સાથે જીવતા લોકો માટે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત ફોલો-અપના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ બે બેઠકોમાં ભારતની ભાગીદારી ભૌગોલિક અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓમાં પણ લોકો માટે સુલભ હોય તેવી સ્વાસ્થ્ય પ્રણાલીઓને મજબૂત કરવાના તેના સતત પ્રયાસોને દર્શાવે છે. UHC ની ચર્ચાઓમાં વ્યાપક, પરવડે તેવી અને ડિજિટલ રીતે સક્ષમ સ્વાસ્થ્ય સેવાઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે OneSCD પહેલે સિકલ સેલ રોગનો ઉકેલ લાવવામાં સતત વૈશ્વિક સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

ભારતે સમાન, પરવડે તેવી અને માનવ-કેન્દ્રિત સ્વાસ્થ્ય સંભાળ તરફ આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરવા અને વૈશ્વિક સ્તરે મજબૂત સ્વાસ્થ્ય પ્રણાલીઓ અને સારા આરોગ્ય પરિણામોમાં યોગદાન આપી શકે તેવા અનુભવો અને અભિગમો શેર કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2314401) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR