ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય ઓક્ટોબર 2026થી મોટાભાગના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં DDU-GKY 2.0ના તાલીમ બેચ શરૂ કરશે
ઓક્ટોબર 2026માં DDU-GKY 2.0 હેઠળ 34,920 ગ્રામીણ યુવાનો કૌશલ્ય તાલીમ શરૂ કરશે
પોસ્ટેડ ઓન:
19 SEP 2026 9:49AM by PIB Ahmedabad
ગ્રામીણ વિકાસ મંત્રાલય ઓક્ટોબર 2026થી મોટાભાગના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિનદયાળ ઉપાધ્યાય- ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) 2.0 તાલીમ બેચ શરૂ કરવા માટે સજ્જ છે. પ્રથમ તબક્કામાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો - ઓડિશા, મિઝોરમ, સિક્કિમ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પુડુચેરી, કર્ણાટક, તેલંગાણા અને બિહાર સાથે તાલીમ બેચ શરૂ કરવાની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી.
આ 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 31 ડિસેમ્બર 2027 સુધીમાં તાલીમ આપવાના 3,57,112 ગ્રામીણ યુવાનોના મંજૂર લક્ષ્યાંક સામે ઓક્ટોબર 2026માં 34,920 ગ્રામીણ યુવાનો સાથેની 1,164 બેચ તેમની તાલીમ શરૂ કરશે. DDU-GKY 2.0 પોર્ટલ અનુસાર, 24 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 1,200થી વધુ પ્રોજેક્ટ્સ માટે 5.6 લાખ લક્ષ્યાંકો ફાળવવામાં આવ્યા છે. અન્ય રાજ્યો લક્ષ્યાંક ફાળવણીના અગ્રિમ તબક્કામાં છે. તબક્કાવાર સમીક્ષા બેઠકો બેચ શરૂ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.
DDU-GKY 2.0 માટે સજ્જતા
DDU-GKYએ ગરીબ ગ્રામીણ યુવાનો માટે રોજગાર-સંકળાયેલ કૌશલ્ય તાલીમ આપતી કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. તાલીમનો સમયગાળો 3 મહિનાથી 12 મહિના સુધીનો હોય છે. આ બેઠકમાં DDU-GKY 2.0ના અમલીકરણ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ 31 સહભાગી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 2-વર્ષના સમયગાળા 2026-28 માટે લક્ષ્યાંકો ફાળવવામાં આવ્યા છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની કામગીરી માટેનો એક નિર્ણાયક તબક્કો છે અને અમલીકરણ કરતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટિંગ એજન્સીઓ (PIAs) ને લક્ષ્યાંકોની ફાળવણી ઝડપી બનાવવા અને નિર્ધારિત સમયમર્યાદા મુજબ બેચ શરૂ કરવા આહ્વાન કર્યું હતું.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તાલીમ શરૂ કરવા માટે મોડામાં મોડું 31 ઓક્ટોબર 2026 સુધીમાં PIAs ને લક્ષ્યાંકોની ફાળવણી સુનિશ્ચિત કરવાની રહેશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તૈયારીના વિવિધ તબક્કામાં છે, અને આ મંત્રાલયને અમલીકરણ કરતા 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલી માહિતીના આધારે, યોગ્ય ગ્રામીણ યુવાનોના ગતિશીલતા માટે PIAsને 5 લાખથી વધુ લક્ષ્યાંકો અગાઉથી જ ફાળવવામાં આવ્યા છે. મોટાભાગના રાજ્યો ઓક્ટોબર, 2026ના મહિનામાં ગતિશીલતા અને તાલીમ શરૂ કરવા માટે સક્ષમ હશે.
સંકલિત DDU-GKY 2.0 પોર્ટલ
મંત્રાલયે રેખાંકિત કર્યું હતું કે DDU-GKY 2.0 ઈન્ટીગ્રેટેડ પોર્ટલ વધુ કાર્યક્ષમતા, પારદર્શિતા અને ડિજિટલ મોનિટરિંગને પ્રોત્સાહન આપીને એન્ડ-ટુ-એન્ડ પ્રોજેક્ટ લાઇફ સાયકલને સરળ બનાવવા માટે સજ્જ છે.
જ્યાં પણ બાકી હોય ત્યાં સ્ટેટ ટ્રેઝરી પોર્ટલ સાથેના આ પોર્ટલના સંકલનની સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામીણ કૌશલ્ય પોર્ટલ દ્વારા ઓનલાઈન ચૂકવણીની સુવિધા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં જરૂરી સંકલન પૂર્ણ કરવા માટે સલાહ આપવામાં આવી હતી.
PIAs ને આ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મથી પરિચિત કરાવવા માટે, મંત્રાલય ઓક્ટોબર 2026 દરમિયાન ચાર સ્થાનો પર હાઇબ્રિડ મોડમાં પ્રાદેશિક કાર્યશાળાઓનું આયોજન કરી રહ્યું છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ કાર્યશાળાઓમાં કેટલાક PIAs ની ભૌતિક ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. આ કાર્યશાળાઓ શિલોંગ (5.10.2026), વિજયવાડા (7.10.2026), મુંબઈ (9.10.2026) અને ધર્મશાળા (16.10.2026) ખાતે યોજાવા જઈ રહી છે, જે PIAs ને DDU-GKY 2.0 પોર્ટલ, તેની પ્રક્રિયાઓ અને કાર્યો વિશે માહિતગાર કરવાની અને અમલીકરણ સંબંધિત ચિંતાઓને દૂર કરવાની તકો પૂરી પાડશે.
બેઠક દરમિયાન યોજનાની નાણાકીય સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષામાં ભાગ લેતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સંકેત આપ્યો હતો કે ઓક્ટોબર 2026થી તાલીમ બેચ શરૂ થવાની સાથે ખર્ચમાં વધારો થવાની ધારણા છે.
આ સમીક્ષા બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોઇન્ટ સેક્રેટરી (સ્કિલ્સ) અને ડિરેક્ટર (સ્કિલ્સ) તથા રાજ્યોના CEOs, COOs અને અન્ય સરકારી અધિકારીઓની સહભાગીતા સાથે યોજાઈ હતી.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2312320)
મુલાકાતી સંખ્યા : 30