આયુષ
બ્રિક્સે પરંપરાગત ચિકિત્સા અંગે નિષ્ણાત જૂથને સમર્થન આપ્યું, પુરાવા-આધારિત વૈશ્વિક સહયોગનું આહ્વાન કર્યું
નવી દિલ્હી ઘોષણાપત્ર હેલ્થ સિસ્ટમ્સને મજબૂત કરવા અને યુએચસી (UHC)ને આગળ ધપાવવામાં ટીસીઆઈએમ (TCIM)ની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડે છે
પોસ્ટેડ ઓન:
13 SEP 2026 2:07PM by PIB Ahmedabad
18મી બ્રિક્સ સમિટમાં અપનાવવામાં આવેલા નવી દિલ્હી ઘોષણાપત્રએ પરંપરાગત, પૂરક અને સંકલિત ચિકિત્સા (TCIM)માં આંતરરાષ્ટ્રીય સહયોગને નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે, જે સ્વાસ્થ્ય પ્રણાલીઓને મજબૂત કરવા અને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ (UHC) તરફ યોગદાન આપવા માટે તેની વધતી સુસંગતતાને સ્વીકારે છે.

ઘોષણાપત્રનું એક મુખ્ય પરિણામ બ્રિક્સ હેલ્થ ટ્રેક હેઠળ TCIM પર પ્રસ્તાવિત બ્રિક્સ એક્સપર્ટ વર્કિંગ ગ્રુપની સ્થાપનાના કરાયેલા સ્વાગતનું છે. પ્રસ્તાવિત વર્કિંગ ગ્રુપની બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે સંવાદ, સહયોગ અને આદાનપ્રદાન માટેના એક મંચ તરીકે કલ્પના કરવામાં આવી છે, જે પરંપરાગત ચિકિત્સામાં સહયોગ વધારવા માટે એક સંરચિત પદ્ધતિ પૂરી પાડે છે.
કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે પ્રકાશ પાડ્યો કે, “નવી દિલ્હી ઘોષણાપત્રમાં પરંપરાગત, પૂરક અને સંકલિત ચિકિત્સાની માન્યતા એ પરંપરાગત ચિકિત્સામાં વૈશ્વિક સહયોગને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રસ્તાવિત બ્રિક્સ એક્સપર્ટ વર્કિંગ ગ્રુપ સભ્ય દેશોને જ્ઞાન વહેંચવા, સંશોધન મજબૂત કરવા અને પુરાવા-આધારિત દ્રષ્ટિકોણને આગળ ધપાવવા માટે એક અર્થપૂર્ણ મંચ પૂરો પાડશે. ભારત વૈજ્ઞાનિક સંશોધન, ગુણવત્તા આશ્વાસન અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા આયુર્વેદ અને અન્ય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તેમની ક્ષમતા સુરક્ષિત, અસરકારક અને પરવડે તેવી આરોગ્યસંભાળમાં યોગદાન આપી શકે.”
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ માહિતી આપી હતી કે, “નવી દિલ્હી ઘોષણાપત્ર બ્રિક્સ દેશો વચ્ચે પરંપરાગત, પૂરક અને સંકલિત ચિકિત્સા પર સંરચિત સહયોગને આગળ ધપાવવામાં એક મહત્વપૂર્ણ પગલું અંકિત કરે છે. પ્રસ્તાવિત એક્સપર્ટ વર્કિંગ ગ્રુપ પુરાવાઓ શેર કરવા, સંશોધન સહયોગ મજબૂત કરવા અને ગુણવત્તા તથા નિયમનકારી દ્રષ્ટિકોણમાં સુધારો કરવા માટે એક કેન્દ્રિત મંચ પૂરો પાડી શકે છે. ભારત, તેના આયુષ ઇકોસિસ્ટમ દ્વારા, તીવ્ર સંશોધન અને પુરાવા-માહિતગાર પદ્ધતિઓને પ્રોત્સાહિત કરીને આ સહયોગમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે જે સુરક્ષિત, અસરકારક અને પરવડે તેવી આરોગ્યસંભાળને સપોર્ટ કરી શકે છે.”
ઘોષણાપત્ર ખાસ કરીને રોગનિવારક અને નિવારક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા ઔષધીય છોડ અને ઔષધીય બનાવટો પરના સંશોધનમાં વધુ સહયોગ માટે આહવાહન કરે છે. તે સ્વીકારે છે કે બ્રિક્સ સભ્ય દેશોના સહિયારા પરંપરાગત ફાર્માકોપોઇયા સુરક્ષિત, અસરકારક અને પરવડે તેવા રોગનિવારક ઉત્પાદનો વિકસાવવા માટેના પાયા તરીકે સેવા આપી શકે છે.
સંકલિત સંશોધન પરનો ભાર બ્રિક્સ જૂથના દેશો માટે ખાસ મહત્વ ધરાવે છે, જ્યાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ પેઢી દર પેઢી વિકસિત થઈ છે અને ઔષધીય છોડ તથા ઔષધીય બનાવટો આરોગ્યસંભાળ પરંપરાઓનો એક મહત્વપૂર્ણ ઘટક છે. વધુ સહયોગ સંશોધન, દસ્તાવેજીકરણ, જ્ઞાન આદાનપ્રદાન અને પુરાવા નિર્માણને સુલભ બનાવી શકે છે જ્યારે રોગનિવારક ઉત્પાદનોના જવાબદાર વિકાસને ટેકો આપે છે.

ઘોષણાપત્ર વધુમાં સભ્ય દેશોના રાષ્ટ્રીય સંદર્ભો અનુસાર પુરાવા-માહિતગાર દ્રષ્ટિકોણ અને યોગ્ય નિયમનકારી માળખા દ્વારા TCIM પદ્ધતિઓ અને ઉત્પાદનોની ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના મહત્વની પુનઃપુષ્ટિ કરે છે.
પુરાવા, ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા પરનો આ ફોકસ પરંપરાગત ચિકિત્સામાં વિશ્વાસ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પાયો પૂરો પાડે છે. તે બ્રિક્સ દેશો માટે સંશોધન પદ્ધતિઓ, ફાર્માકોપોઇયલ ધોરણો, ગુણવત્તા આશ્વાસન, નિયમનકારી પદ્ધતિઓ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનોના વૈજ્ઞાનિક માન્યતા જેવા ક્ષેત્રોમાં અનુભવ અને નિષ્ણાતતાની આપ-લે કરવાની તકો પણ ઊભી કરે છે.
ભારતની બ્રિક્સ અધ્યક્ષતા પરંપરાગત ચિકિત્સામાં સંરચિત સહયોગને આગળ ધપાવે છે
આ વિકાસ ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 21 જુલાઈ 2026ના રોજ ચંદીગઢ ખાતે યોજાયેલી પરંપરાગત, પૂરક અને સંકલિત ચિકિત્સા પરની બ્રિક્સ બેઠકને અનુસરે છે. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધીકારીઓ, તકનીકી નિષ્ણાતો અને પ્રતિનિધિઓ એકઠા થયા હતા અને TCIM સંબંધિત સંશોધન, શિક્ષણ, જ્ઞાન આદાનપ્રદાન અને નિયમનકારી માળખામાં સહયોગને આગળ ધપાવ્યો હતો. આ બેઠકના પરિણામે TCIM પરના પ્રસ્તાવિત બ્રિક્સ એક્સપર્ટ વર્કિંગ ગ્રુપ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર સર્વસંમતિ પણ સાધવામાં આવી હતી.
પ્રસ્તાવિત એક્સપર્ટ વર્કિંગ ગ્રુપ આ સહયોગને વધુ સંસ્થાકીય બનાવવાની અને બ્રિક્સ દેશોના સંશોધન સંસ્થાઓ, નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સતત જોડાણને સુલભ બનાવવાની તક પૂરી પાડે છે.

ભારત માટે, આ વિકાસ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે સંશોધન, પુરાવા નિર્માણ, ગુણવત્તા આશ્વાસન અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા આયુર્વેદ અને અન્ય આયુષ પદ્ધતિઓને આગળ ધપાવવાના દેશના પ્રયાસોને બળ આપે છે. આરોગ્યસંભાળમાં પરંપરાગત ચિકિત્સાના જવાબદાર સંકલનને પ્રોત્સાહન આપતી વખતે ભારતે સતત વૈજ્ઞાનિક પુરાવા, સુરક્ષા, અસરકારકતા અને યોગ્ય ધોરણોના મહત્વ પર ભાર મૂક્યો છે.
ઔષધીય છોડ અને ઔષધીય બનાવટો પરનો ફોકસ બ્રિક્સ દેશો વચ્ચે ઊંડા વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ માટેના માર્ગો પણ ખોલે છે. સંકલિત સંશોધન ઔષધીય સંસાધનોના વધુ સારા દસ્તાવેજીકરણ અને વૈજ્ઞાનિક સમજણમાં યોગદાન આપી શકે છે, ફાર્માકોપોઇયલ જ્ઞાનને મજબૂત કરી શકે છે અને ગુણવત્તા-આશ્વાસન ધરાવતા રોગનિવારક ઉત્પાદનોના વિકાસને ટેકો આપી શકે છે.
આ વિકાસ આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત ચિકિત્સાની યોગ્ય ભૂમિકા પ્રત્યે વધતા આંતરરાષ્ટ્રીય ધ્યાન પૃષ્ઠભૂમિમાં આવ્યો છે. ડબ્લ્યુએચઓ (WHO) ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સ્ટ્રેટેજી 2025-2034 પુરાવા આધારને મજબૂત કરવા, સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા અને આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગ્ય સંકલનને ટેકો આપવા પર ભાર મૂકે છે. ડબ્લ્યુએચઓ (WHO) એ બ્રિક્સની આ પહેલને પરંપરાગત ચિકિત્સા પર આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ ધપાવવામાં એક નોંધપાત્ર વિકાસ તરીકે પણ વર્ણવી છે.

તેથી નવી દિલ્હી ઘોષણાપત્રનો TCIM પરનો ફોકસ માત્ર પરંપરાગત ચિકિત્સાની માન્યતા તરીકે જ નહીં, પરંતુ વધુ ઊંડા, પુરાવા-માહિતગાર આંતરરાષ્ટ્રીય સહયોગ માટેના આહવાહન તરીકે નોંધપાત્ર છે.
પ્રસ્તાવિત એક્સપર્ટ વર્કિંગ ગ્રુપ પરંપરાગત, પૂરક અને સંકલિત ચિકિત્સામાં બ્રિક્સ દેશોના વૈવિધ્યસભર અનુભવોને એકસાથે લાવી શકે છે અને સંશોધન, પુરાવા નિર્માણ, ક્ષમતા નિર્માણ, જ્ઞાન આદાનપ્રદાન અને નિયમનકારી દ્રષ્ટિકોણમાં સહયોગ માટેના માર્ગો બનાવી શકે છે.
આમ, નવી દિલ્હી ઘોષણાપત્ર બ્રિક્સ દેશો વચ્ચે પરંપરાગત ચિકિત્સા સહયોગ તરફ વધુ સંરચિત દ્રષ્ટિકોણ તરફ એક મહત્વપૂર્ણ પગલું અંકિત કરે છે — જે પરંપરાગત જ્ઞાન, વૈજ્ઞાનિક સંશોધન, ઔષધીય છોડના સંસાધનો, ફાર્માકોપોઇયલ નિષ્ણાતતા અને નિયમનકારી અનુભવને એકસાથે લાવે છે.
ભારત માટે, આ પરિણામ પુરાવા-આધારિત પરંપરાગત ચિકિત્સા, નિવારક આરોગ્યસંભાળ અને સ્થિતિસ્થાપક સ્વાસ્થ્ય પ્રણાલીઓ પરની વૈશ્વિક વાર્તાલાપમાં યોગદાન આપવા માટે આયુર્વેદ અને વ્યાપક આયુષ ઇકોસિસ્ટમ માટેના આંતરરાષ્ટ્રીય મંચને વધુ મજબૂત બનાવે છે.
TCIM ને બ્રિક્સ હેલ્થ ટ્રેક અંતર્ગત રાખીને અને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ, સંશોધન, પુરાવા, ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા સાથે સહયોગને જોડીને, નવી દિલ્હી ઘોષણાપત્ર સુરક્ષિત, અસરકારક અને પરવડે તેવા આરોગ્યસંભાળ ઉકેલો તરફ સભ્ય દેશો વચ્ચે સતત સહયોગ માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2309863)
મુલાકાતી સંખ્યા : 2