પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

બેલ્જિયમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 2:29PM by PIB Ahmedabad

મહામહિમ, પ્રધાનમંત્રીજી,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્તે!

પ્રધાનમંત્રીજીની ભારતની પ્રથમ મુલાકાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે.

ચોક્કસપણે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે, પરંતુ ભારત સાથે તેમનો લાંબા સમયથી સંબંધ રહ્યો છે. તેમણે ઘણા વર્ષો સુધી એન્ટવર્પના મેયર તરીકે સેવા આપી હતી અને હંમેશા એન્ટવર્પમાં વિશાળ ભારતીય સમુદાય તથા ભારત-બેલ્જિયમ હીરા વેપારને સમર્થન આપ્યું છે.

મિત્રો,

ભારત-બેલ્જિયમ સંબંધોના મૂળ ઇતિહાસમાં પ્રગાઢ રીતે જોડાયેલા છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં હજારો ભારતીય સૈનિકોની હિંમત અને બલિદાન આપણી સહિયારી સ્મૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

આજે, લોકશાહી મૂલ્યો, બજાર અર્થતંત્ર અને લોકો-લોકો વચ્ચેના ગાઢ સંબંધો આપણને પ્રાકૃતિક ભાગીદાર બનાવે છે.

મિત્રો,

દસ વર્ષ પહેલાં, મને બેલ્જિયમની મુલાકાત લેવાની તક મળી હતી, અને મને ખૂબ આનંદ છે કે આપણી ભાગીદારીએ છેલ્લા દાયકામાં અસાધારણ પ્રગતિ કરી છે.

આજે, આપણા સહયોગનો અવકાશ પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો સુધી વિસ્તર્યો છે. આપણે ઝોરાવર ટેન્ક જેવા અદ્યતન સંરક્ષણ સાધનો પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. કાકીનાડા, આંધ્રપ્રદેશમાં, આપણે વિશ્વના સૌથી મોટા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સમાંથી એક વિકસાવી રહ્યા છીએ.

મિત્રો,

આજે, વિશ્વ એક મોટી ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વના ઘણા ભાગોમાં સંઘર્ષો ચાલુ છે. ભલે તે ખોરાક હોય, બળતણ હોય કે સપ્લાય ચેઈન હોય, દરેક ક્ષેત્ર અનિશ્ચિતતાથી પ્રભાવિત થઈ રહ્યું છે.

આ પડકારજનક વાતાવરણમાં, ભારતના અર્થતંત્રે તેની ગતિ જાળવી રાખી છે. આપણે છેલ્લાં ત્રિમાસિક ગાળામાં 7.8% વૃદ્ધિ નોંધાવી છે. આજે, ભારતની ગ્રોથ સ્ટોરી વિશ્વ માટે વિશ્વાસ અને નવી તકોનો સ્ત્રોત બની રહી છે.

મિત્રો,

આ વર્ષની શરૂઆતમાં, આપણે ઐતિહાસિક ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્ણ કર્યો. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચેનો આ અભૂતપૂર્વ સહયોગ વૈશ્વિક સ્થિરતા, વિકાસ અને સહિયારી સમૃદ્ધિને પણ નવો વેગ આપશે.

ભારતની સતત આર્થિક પ્રગતિ અને આ કરારે આપણા આર્થિક સંબંધો માટે નવા માર્ગો ખોલ્યા છે. આજે, આપણે આ શક્યતાઓને મૂર્ત પરિણામોમાં રૂપાંતરિત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.

મિત્રો,

બેલ્જિયમની કંપનીઓ માટે, આપણે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ સ્થાપિત કર્યું છે. આપણે ભારત-બેલ્જિયમ બિઝનેસ ફોરમને એક નિયમિત મિકેનિઝમ બનાવવાનો નિર્ણય કર્યો છે. આપણે બંને દેશોની નાણાંકીય, ફિનટેક અને નિયામક સંસ્થાઓ વચ્ચે તાલમેલ મજબૂત કરીશું.

આ તમામ પહેલો દ્વારા, આપણે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના આપણા લક્ષ્યને સાકાર કરીશું.

મિત્રો,

સંરક્ષણ અને સુરક્ષા સહયોગ આપણા સંબંધોનો એક મુખ્ય સ્તંભ છે. આજે, આપણે બંને દેશો વચ્ચે લશ્કરી આપ-લે અને તાલીમ સહયોગ વધારવા માટે સંમત થયા છીએ.

આપણી સરકારો અને સંરક્ષણ ઉદ્યોગો વચ્ચેના કરારો સંરક્ષણ સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે નવી તકો ખોલશે. આપણે ગુનાઓ સામે લડવામાં આપણી એજન્સીઓ વચ્ચે ઇન્ટેલિજન્સ શેરિંગ અને સહયોગને પણ વધુ મજબૂત કરીશું.

મિત્રો,

સ્વચ્છ ઊર્જાનું ભવિષ્ય અને વિશ્વસનીય સપ્લાય ચેઈન આપણી સહિયારી પ્રાથમિકતાઓ છે. આજે હસ્તાક્ષર કરાયેલ અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) પરના MOU આપણી સસ્ટેનેબિલિટી સહયોગને નવી ગતિ આપશે. ક્રિટિકલ મિનરલ્સમાં, આપણે પ્રોસેસિંગ અને રિસાયક્લિંગમાં સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.

સેમિકન્ડક્ટર્સમાં બેલ્જિયમની કુશળતા અને ભારતનો સ્કેલ એકબીજાના પૂરક છે. આ દિશામાં, આપણે બેલ્જિયમની IMEC ઇન્સ્ટિટ્યૂટને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે જોડવા માટે સાથે મળીને કામ કરીશું.

મિત્રો,

લોકો-લોકો વચ્ચેના સંબંધો આપણા સંબંધોની સૌથી મોટી શક્તિ છે. આજે, આપણે આપણા સ્ટાર્ટ-અપ્સ વચ્ચેના જોડાણોને મજબૂત કરવા અને મેરીટાઇમ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણને વધારવા માટે સંમત થયા છીએ.

આપણે યુનિવર્સિટી અને સંશોધન સહયોગને પણ મજબૂત કરીશું. અને, ટેલેન્ટ મોબિલિટીને સુગમ બનાવવા માટે, આપણે ટૂંક સમયમાં “માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ” આખરી કરીશું.

મિત્રો,

આજે, આપણે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિગતવાર ચર્ચા કરી છે. ભારત અને બેલ્જિયમ બંને કાયદાના શાસન, સંવાદ અને કૂટનીતિમાં માને છે.

ભલે તે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, આપણે સંઘર્ષોના વહેલા અંત અને શાંતિની પુનઃસ્થાપનાના હેતુથી કરવામાં આવતા તમામ પ્રયાસોને સમર્થન આપીએ છીએ. અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદને નાબૂદ કરવો એ આપણી સહિયારી પ્રતિબદ્ધતા છે.

તમારા મહામહિમ,

ગયા મહિને, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સે સંયુક્ત રીતે હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. આ ભવ્ય વર્લ્ડ કપના સફળ આયોજન બદલ હું તમને અભિનંદન આપું છું. હું આપણા ખેલાડીઓની સખત મહેનત અને પ્રદર્શનની પણ પ્રશંસા કરું છું.

ડાયમન્ડસ્ લાંબા સમયથી ભારત અને બેલ્જિયમ વચ્ચેની એક કડી રહ્યા છે. આજે, આપણે આ ઐતિહાસિક જોડાણને એક નવા અને વધુ વ્યાપક સંબંધમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.

મને વિશ્વાસ છે કે આજની ચર્ચાઓ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે. વધુ એક વાર, હું તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2306336) મુલાકાતી સંખ્યા : 15