પર્યાવરણ અને વન મંત્રાલય
મોંગોલિયાના ઉલાનબટોરમાં UNCCD CoP17 દરમિયાન ભારતે દુષ્કાળ વ્યવસ્થાપન માટેના વર્તમાન અભિગમને બદલીને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
દુષ્કાળને વારંવાર આવતી આપત્તિ નહીં, પરંતુ અનુમાન કરી શકાય અને અટકાવી શકાય તેવા જોખમ તરીકે ગણવો જોઈએ: શ્રી ભૂપેન્દ્ર યાદવ
પ્રતિસાદ કરતાં તૈયારી, સંકટ વ્યવસ્થાપન કરતાં નિવારણ અને પુનઃપ્રાપ્તિ કરતાં સ્થિતિસ્થાપકતા એ આપણું લક્ષ્ય હોવું જોઈએ: કેન્દ્રીય પર્યાવરણ મંત્રી
પોસ્ટેડ ઓન:
25 AUG 2026 12:59PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે દુષ્કાળ પ્રત્યેના વૈશ્વિક અભિગમમાં મૂળભૂત પરિવર્તન લાવવાની અપીલ કરી હતી—એટલે કે, માત્ર તાત્કાલિક રાહત પૂરી પાડવાના અભિગમથી આગળ વધીને સક્રિય, ટેક્નોલોજી આધારિત સ્થિતિસ્થાપકતા તરફ આગળ વધવું જોઈએ. ઉલાનબટોર (મંગોલિયા)માં ડેઝર્ટિફિકેશન સામે લડવા માટેના UN કન્વેન્શન (UNCCD) ના કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (CoP17) ના 17મા સત્રમાં 'દુષ્કાળ સ્થિતિસ્થાપકતાને ઝડપી બનાવવી' પરની મંત્રીસ્તરની વાટાઘાટોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે દુષ્કાળ "હવે એક પ્રસંગોપાત ઘટના નથી, પરંતુ વિકાસ માટેનો એક નિર્ણાયક પડકાર બની ગયો છે", જે જળ સુરક્ષા, ખાદ્ય પ્રણાલીઓ, જૈવવિવિધતા અને આર્થિક સ્થિરતાને અસર કરે છે.

શ્રી યાદવે વહેલી ચેતવણી, શમન, રાહત અને સામુદાયિક સ્થિતિસ્થાપકતાને એકસાથે સાંકળતા ભારતના સંકલિત અને બહુ-સંસ્થાકીય અભિગમ પર ભાર મૂક્યો. વરસાદની દેખરેખ અને ઉપગ્રહ આધારિત દુષ્કાળ મૂલ્યાંકનના આધારે કેન્દ્રના વિવિધ મંત્રાલયો અને રાજ્ય સ્તરે આગોતરી તૈયારી શરૂ કરવામાં આવે છે, જેથી વરસાદના અભાવનો સમયગાળો ગંભીર સંકટમાં ન ફેરવાય. જમીન અને પાણી વચ્ચેની મહત્વપૂર્ણ કડી પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું, “પ્રવાહ આવે તે પહેલાં જંગલોનું પુનઃસ્થાપન કરો”, જે ધોવાણ ઘટાડવા, પાણી જાળવી રાખવાની ક્ષમતા વધારવા અને ભૂગર્ભજળનું પુનઃભરણ કરવા માટે જળસંગ્રહ વિસ્તારો અને નદીપ્રદેશોમાં વનીકરણ પર ભારતના ધ્યાનને દર્શાવે છે. નદીઓનું પુનર્જીવન અને પરંપરાગત જળાશયોના પુનરુત્થાનથી જળ સુરક્ષા વધુ મજબૂત બને છે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દુષ્કાળ સામેની સ્થિતિસ્થાપકતા વધે છે.
મંત્રીશ્રીએ રેખાંકિત કર્યું હતું કે ભારતના પહાડી વિસ્તારોમાં ઝરણાંઓ અને રિચાર્જ ઝોનનો સમુદાય સંચાલિત પુનરુદ્ધાર થાય છે, જ્યારે મેદાની વિસ્તારોમાં, પાન-ઇન્ડિયા વોટરશેડ પ્રોગ્રામ સમુદાય સંસ્થાઓના સમર્થન અને ગ્રામીણ રોજગાર કાર્યક્રમો સાથે સંકલન દ્વારા રિજ-ટુ-વેલી અભિગમ મારફતે ક્ષતિગ્રસ્ત વરસાદ આધારિત જમીનોને આવરી લે છે. ઘરેલું સ્તરે, પીવાના પાણીના કાર્યક્રમો ખાતરીપૂર્વકની સેવા સ્તરો, સ્થાનિક ગુણવત્તા પરીક્ષણ અને સંવેદનશીલ વિસ્તારોની પ્રાથમિકતા સાથે, તણાવના સમયગાળા દરમિયાન વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરવા માંગે છે. તેમણે પાક વીમા પર પણ પ્રકાશ પાડ્યો જે પાક ચક્ર દરમિયાન દુષ્કાળ અને અન્ય અટકાવી ન શકાય તેવા નુકસાન સામે ખેડૂતોનું રક્ષણ કરે છે, આ માટે સબસિડીયુક્ત પ્રીમિયમ સાથે ટેક્નોલોજી આધારિત મૂલ્યાંકનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વીમા દાવાઓનો ઝડપી અને પારદર્શક રીતે નિકાલ થઈ શકે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સક્રિય, ટેકનોલોજી-સક્ષમ સ્થિતિસ્થાપકતા તરફના સંક્રમણમાં સમુદાયની માલિકી, ક્ષમતા નિર્માણ અને આજીવિકાનું વૈવિધ્યકરણ કેન્દ્રસ્થાને છે.
શ્રી યાદવે જણાવ્યું હતું કે ભારતની મુખ્ય માન્યતા એ છે કે "દુષ્કાળને એક અંદાજી શકાય તેવા, અટકાવી શકાય તેવા જોખમ તરીકે સંચાલિત કરવો જોઈએ, અને ઇમરજન્સી પ્રતિભાવની માંગ કરતી પુનરાવર્તિત આપત્તિ તરીકે નહીં". તેમણે વોટરશેડ વિકાસ, જળ સંચય, વૃક્ષારોપણ, ભૂગર્ભ જળ રિચાર્જ અને આબોહવા-સ્થિતિસ્થાપક પાકો સહિતના અટકાયતી પગલાં પર પ્રકાશ પાડ્યો હતો, જેને જરૂર પડ્યે આપત્તિ-સંબંધિત ભંડોળ, રોજગાર ગેરંટી, ચારા સહાય અને કટોકટીના પાણી પુરવઠા દ્વારા પૂરક બનાવવામાં આવે છે. વધુ મજબૂત વૈશ્વિક પગલાંનું આહ્વાન કરતા શ્રી યાદવે ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનમાં વધુ રોકાણ, વહેલી ચેતવણીની વધુ મજબૂત પ્રણાલીઓ અને સંકલિત પગલાંની હિમાયત કરી હતી. તેમણે આગળ કહ્યું કે,"પ્રતિભાવ કરતાં સજ્જતા, કટોકટી વ્યવસ્થાપન કરતાં અટકાયત, રિકવરી કરતાં સ્થિતિસ્થાપકતા ધ્યેય હોવો જોઈએ.” તેમણે અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વના સૌથી સંવેદનશીલ લોકો માટે દુષ્કાળ સામેની સ્થિતિસ્થાપકતા ઊભી કરવી કોઈ વૈકલ્પિક બાબત નથી, પરંતુ જીવન ટકાવી રાખવાનો પ્રશ્ન છે. તેમણે દુષ્કાળ સામે સ્થિતિસ્થાપક ભવિષ્યના નિર્માણ માટે વહેલી ચેતવણી સહિત પોતાના જ્ઞાન અને ક્ષમતાઓને વિશ્વ સાથે વહેંચવા માટે ભારતની સજ્જતાની પુષ્ટિ કરી હતી.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2303042)
મુલાકાતી સંખ્યા : 19