કૃષિ મંત્રાલય
આઈસીએઆર (ICAR)ની 97મી એજીએમ (AGM)એ પરિવર્તનશીલ કૃષિ માટેનો રોડમેપ તૈયાર કર્યો
'માગ-આધારિત સંશોધન'માં ખેડૂતો, બજારો અને ગ્રાહકો કેન્દ્રસ્થાને હોવા જોઈએ: કેન્દ્રીય કૃષિ મંત્રી
નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વિવિધતા લાવવા માટે સંકલિત ખેતી (ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ) મુખ્ય ચાવીરૂપ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
પ્રયોગશાળાથી ખેતર સુધી: ટેકનોલોજીના ઝડપી ટ્રાન્સફર માટે મજબૂત આઈસીએઆર-ઉદ્યોગ ભાગીદારી: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
આઈસીએઆર માટે એક નવું વિઝન: વધુ સંવાદો, વધુ સ્પષ્ટ પ્રાથમિકતાઓ અને મજબૂત પરિણામો: શ્રી ચૌહાણ
'વિચારો એ બીજ છે': શ્રી શિવરાજ સિંહ ચૌહાણે નવીનતાને ક્રિયા અને પ્રભાવમાં બદલવા આહ્વાન કર્યું
प्रविष्टि तिथि:
18 AUG 2026 5:20PM by PIB Ahmedabad
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) સોસાયટીની 97મી વાર્ષિક સામાન્ય સભા (AGM) આજે નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ કોમ્પ્લેક્સ (NASC), નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

જનમેદનીને સંબોધતા શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, "વિકસિત કૃષિ વિના વિકસિત ભારતનું સપનું સાકાર થઈ શકે નહીં." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે માત્ર ઉત્પાદન વધારવાથી આગળ વધીને "ખેતરથી વૈશ્વિક બજાર સુધી" એક મજબૂત ઓળખ બનાવવી જોઈએ. તેમણે ખેડૂતોની જરૂરિયાતો, બજારની માંગ અને ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ માગં-આધારિત સંશોધન ઇકોસિસ્ટમ માટે આહ્વાન કર્યું હતું, જેમાં સંશોધનના પરિણામો ખેડૂતોને સીધો અને માપી શકાય તેવો લાભ પહોંચાડે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ પરિવર્તનના આગામી તબક્કામાં ખેતીની આવકમાં સુધારો કરવા અને નાના તથા સીમાંત ખેડૂતોની મજબૂતી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સંદર્ભમાં, તેમણે સંકલિત ખેતી પદ્ધતિઓ (ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ્સ), ગુણવત્તાયુક્ત બિયારણ અને વાવેતર સામગ્રીની સમયસર ઉપલબ્ધતા, સંતુલિત ખાતરનો ઉપયોગ, જમીનની સુધારેલી તંદુરસ્તી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ પર ભાર મૂક્યો હતો.
શ્રી ચૌહાણે ગુણવત્તા, પોષણ, પ્રોસેસિંગ, પેકેજિંગ, શેલ્ફ લાઈફ અને વૈશ્વિક ધોરણોના પાલન દ્વારા ભારતની નિકાસ ક્ષમતાને મજબૂત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સંશોધન દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી ખેડૂતો સુધી વધુ ઝડપથી અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે મજબૂત આઈસીએઆર-ઉદ્યોગ (ICAR–industry) ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું.

તેમણે કહ્યું, "માત્ર સંશોધન પૂરતું નથી; યોગ્ય સમયે, યોગ્ય સંશોધને યોગ્ય સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ અને ખેડૂત સુધી ઝડપથી પહોંચવું જોઈએ - તે જ સફળતાનું સાચું માપદંડ છે."
વધુ પરિણામ-લક્ષી સંશોધન ઇકોસિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂકતાં, શ્રી ચૌહાણે વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ, ખેડૂતો, ઉદ્યોગો અને અન્ય ભાગીદારો વચ્ચે વધુ સંવાદ અને સંશોધન લક્ષ્યોના સ્પષ્ટ પ્રાથમિકીકરણ માટે આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવીન વિચારો પ્રયોગશાળાઓથી આગળ વધીને વ્યવહારિક ઉકેલો અને જમીન પર માપી શકાય તેવા પ્રભાવમાં રૂપાંતરિત થવા જોઈએ.
તેમણે ઉમેર્યું, "આપણી મહેનત, આપણું સંશોધન અને આપણા પ્રયાસો ભારતની છબી બદલી શકે છે અને આપણા ખેડૂતોનું ભાગ્ય બદલી શકે છે."

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી ભગીરથ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 2014 થી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, અને હવે પછીની પ્રાથમિકતા કૃષિમાં આત્મનિર્ભરતા મેળવવાની છે.
તેમણે આબોહવા-મજબૂત કૃષિ, જમીનની તંદુરસ્તી અને ટકાઉ સંસાધન સંચાલનને પ્રોત્સાહન આપવાની સાથે કઠોળ, તેલીબિયાં, બિયારણ, પશુધન અને મૂલ્યવર્ધિત પ્રોસેસિંગમાં આત્મનિર્ભરતા મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ખેડૂતોની આવક વધારવા માટે વધુ મજબૂત એફપીઓ (FPOs) અને બજાર જોડાણો પર પણ ભાર મૂક્યો હતો.
શ્રી ચૌધરીએ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાને ખેડૂતો સુધી પહોંચાડવામાં આઈસીએઆર (ICAR) અને કેવીકે (KVKs) ની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આત્મનિર્ભર કૃષિ એ 2047 સુધીમાં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી શ્રી એસ. પી. સિંહ બઘેલે અનાજ, બાગાયત, ડેરી, મત્સ્યોદ્યોગ, માંસ અને ઈંડા સહિત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ પરિવર્તનનો શ્રેય વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી અને વૈજ્ઞાનિકો, ખેડૂતો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોના સામૂહિક પ્રયાસોને આપ્યો હતો.
હરિયાળી અને શ્વેત ક્રાંતિના વારસા પર પ્રકાશ પાડતાં શ્રી બઘેલે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે ભારત સ્થાન ધરાવે છે તે બાબતનો અને મત્સ્યોદ્યોગ ઉત્પાદન તથા નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે કૃષિ, પશુપાલન, ડેરી, મત્સ્યોદ્યોગ અને પોલ્ટ્રીના વધુ એકીકરણ પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ તથા અન્ય ભાગીદારો એકત્રિત થયા હતા. ઉપસ્થિત અન્ય અગ્રણીઓમાં અરૂણાચલ પ્રદેશ સરકારના કૃષિ, પશુપાલન અને વેટરનરી, બાગાયત અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી ગેબ્રિયલ દાનવાંગ વાંગસુ; અસમ સરકારના પશુપાલન અને વેટરનરી તથા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રીમતી નીલિમા દેવી; બિહાર સરકારના કૃષિ મંત્રી શ્રી વિજય કુમાર સિંહા; હરિયાણા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન અને ડેરી, મત્સ્યોદ્યોગ અને બાગાયત મંત્રી શ્રી શ્યામ સિંહ રાણા; જમ્મુ અને કાશ્મીર સરકારના કૃષિ ઉત્પાદન મંત્રી શ્રી જાવિદ અહમદ દાર; મધ્ય પ્રદેશ સરકારના બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી શ્રી નારાયણ સિંહ કુશવાહ; નાગાલેન્ડ સરકારના ધારાસભ્ય અને કૃષિ વિભાગના સલાહકાર શ્રી મેથુથુંગ યંથાન; પંજાબ સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી શ્રી ગુરમીત સિંહ ખુડ્ડીયાં; સિક્કિમ સરકારના કૃષિ, પશુપાલન અને વેટરનરી સેવાઓ, બાગાયત અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પુરણ કુમાર ગુરંગ; ઉત્તરાખંડ સરકારના કૃષિ અને બાગાયત મંત્રી શ્રી ગણેશ જોશી; ઉત્તર પ્રદેશ સરકારના કૃષિ, કૃષિ શિક્ષણ અને કૃષિ સંશોધન મંત્રી શ્રી સૂર્ય પ્રતાપ શાહી; ઉત્તર પ્રદેશ સરકારના પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી શ્રી ધરમપાલ સિંહ; ઉત્તર પ્રદેશ સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી સંજય નિષાદ; અને પશ્ચિમ બંગાળ સરકારના કૃષિ વિભાગના મંત્રી શ્રી દૂધ કુમાર મંડલનો સમાવેશ થાય છે.

ડેર (DARE) ના સચિવ અને આઈસીએઆર (ICAR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ.એલ. જાટે આઈસીએઆરની મુખ્ય સિદ્ધિઓ રજૂ કરતી વખતે છેલ્લાં એક વર્ષમાં વિજ્ઞાન-સંચાલિત, ખેડૂત-કેન્દ્રિત કૃષિ પરિવર્તનમાં કાઉન્સિલની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.
અનાજ ઉત્પાદનમાં આશરે 1.9 કરોડ (19 મિલિયન) ટનનો વધારો થયો છે, જ્યારે બાગાયત, દૂધ અને મત્સ્યોદ્યોગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. કુલ 386 નવી પાકની જાતો બહાર પાડવામાં આવી હતી, જેમાં 94% આબોહવા-મજબૂત અને 29 બાયોફોર્ટિફાઇડ જાતોનો સમાવેશ થાય છે, જે ઉત્પાદકતા, આબોહવા મજબૂતી અને પોષણ સુરક્ષાને મજબૂત બનાવે છે.
ડૉ. જાટે જેનોમિક્સ, જેનોમ એડિટિંગ, પશુધન સ્વાસ્થ્ય, મત્સ્યોદ્યોગ, જમીન સ્વાસ્થ્ય અને કુદરતી ખેતીમાં મુખ્ય સંસોધનો પર પ્રકાશ પાડ્યો હતો જેણે ભારતની કૃષિ મજબૂતીને વધુ સુદ્રઢ બનાવી છે. સ્વદેશી આફ્રિકન સ્વાઈન ફીવર રસી ડુક્કરના સ્વાસ્થ્ય અને ખેડૂતોની આજીવિકા માટે એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સફળતા તરીકે ઉભરી આવી છે.
આઈસીએઆર (ICAR) એ સંશોધનને ક્ષેત્રીય ઉપયોગો અને બજારની તકોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આશરે 805 આઈપી (IP) અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જ્યારે 36 સંસ્થાઓમાં ટેકનોલોજી વ્યાપારીકરણને મજબૂત કરવામાં આવ્યું હતું. એગ્રી-ફૂડ સિસ્ટમ્સ માટેનું નેશનલ જેન્ડર પ્લેટફોર્મ હવે 9,000 થી વધુ સંસ્થાઓને જોડે છે, જે કૃષિમાં મહિલાઓની ભાગીદારીને મજબૂત બનાવે છે.

ડૉ. જાટે આઈસીએઆર વાર્ષિક અહેવાલ 2025–26 પણ રજૂ કર્યો હતો અને તેને સ્વીકારવા માટેનો પ્રસ્તાવ વાંચ્યો હતો. ડેર (DARE) ના એડિશનલ સચિવ અને આઈસીએઆરના નાણાંકીય સલાહકાર શ્રી સદીપ સરકારે 2024–25 માટેના ઓડિટર રિપોર્ટ સાથે વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા, ત્યારબાદ તેને સ્વીકારવા માટેનો પ્રસ્તાવ મુકાયો હતો.
અગાઉ, છેલ્લી વાર્ષિક સામાન્ય સભા પછી આઈસીએઆર દ્વારા કરવામાં આવેલી સંશોધન પ્રગતિ પરના સરળીકરણ સાથે બેઠકની શરૂઆત થઈ હતી, જેમાં કૃષિ સંશોધન, નવીનતા અને વિકાસમાં કાઉન્સિલના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આઈસીએઆર સાથે સીએસઆર (CSR) ભાગીદારી માટે ઉદ્યોગ અને સીએસઆર દાતાઓ સાથે એક એમઓયુ (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે કૃષિ સંશોધન અને વિકાસ માટે સંયુક્ત પ્રયાસો અને સંસાધનોની ગતિશીલતાને વધુ મજબૂત બનાવે છે.
આ પ્રસંગે આઈસીએઆરના ચાર પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આઈસીએઆર સોસાયટીના નિયમો અને પેટા-નિયમોમાં અપડેટ્સ/સુધારા પર પણ વિચારણા કરવામાં આવી હતી, ત્યારબાદ તેને સ્વીકારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
સભ્યોએ કૃષિ સંશોધનના સંબંધમાં આઈસીએઆરની સિદ્ધિઓ અને અપેક્ષાઓ અંગે તેમના સૂચનો શેર કર્યા હતા, જે કાઉન્સિલના સંશોધન અને વિકાસ એજન્ડાને વધુ મજબૂત કરવા માટે મૂલ્યવાન ઇનપુટ્સ પૂરા પાડે છે.
સહભાગી કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓએ અનાજના ઉત્પાદનમાં વૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રે થયેલી એકંદર પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કેન્દ્ર-રાજ્ય સહયોગને મજબૂત કરવા અને ખેડૂતોની સમૃદ્ધિ તથા કૃષિની પ્રગતિ માટે સામૂહિક રીતે કામ કરવાની તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ડેર (DARE) ના એડિશનલ સચિવ અને નાણાંકીય સલાહકાર (DARE/ICAR) શ્રી સદીપ સરકાર દ્વારા આભારવિધિ પ્રસ્તાવિત કરવા સાથે બેઠક સંપન્ન થઈ હતી, ત્યારબાદ રાષ્ટ્રગીત ગવાયું હતું.
વાર્ષિક સામાન્ય સભામાં ખેડૂતોના કલ્યાણ, ખાદ્ય અને પોષણ સુરક્ષા અને મજબૂત, ટકાઉ તથા આત્મનિર્ભર કૃષિ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મજબૂત સહયોગમાં કૃષિ સંશોધન, નવીનતા અને ટેકનોલોજી-સંચાલિત વિકાસને આગળ ધપાવવા માટે આઈસીએઆરની સતત કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2300926)
आगंतुक पटल : 10