ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને સેલ્યુલર જેલ ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ઉપરાષ્ટ્રપતિએ વીર સાવરકરને એક નિર્ભય ક્રાંતિકારી તરીકે વર્ણવ્યા જેમના દેશપ્રેમે પેઢીઓને પ્રેરણા આપી
પોસ્ટેડ ઓન:
08 AUG 2026 8:03PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં આવેલી સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી અને ભારતની આઝાદી માટે અપાર યાતનાઓ ભોગવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શહીદ સ્તંભ (Martyr’s Column) પર પુષ્પચક્ર અર્પણ કર્યું, વીર સાવરકરની કોટડી (સેલ) ખાતે શ્રદ્ધાંજલિ આપી અને સ્વતંત્ર જ્યોતિ, સેન્ટ્રલ ટાવર, ફાંસીઘર (Gallows) તેમજ મ્યુઝિયમ અને એક્ઝિબિશન ગેલેરીની મુલાકાત લીધી હતી. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામની વીરગાથા દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો.
મુલાકાત દરમિયાન સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિએ વીર સાવરકરને એક અનોખા અને નિર્ભય ક્રાંતિકારી તરીકે વર્ણવ્યા હતા જેમના પ્રખર દેશપ્રેમે ભારતીય યુવાનોની પેઢીઓને પ્રેરણા આપી હતી. સેલ્યુલર જેલમાં સાવરકરના જેલવાસના વર્ષો અને કઠોર વર્તનને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, “સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં મોકલવાનો હેતુ તેમનું મનોબળ તોડવાનો હતો; સાવરકરજીનું મનોબળ ક્યારેય તૂટ્યું નહીં. આખરે, બ્રિટિશ રાજનું મનોબળ તૂટી ગયું.” તેમણે અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ સામેની લડાઈમાં સાવરકરના યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો.
શ્રી સી. પી. રાધાકૃષ્ણને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વધુ શક્તિશાળી બનવાની ક્ષમતા કેળવે છે તે બીજાઓ પર હુકમ ચલાવવા માટે નહીં, પરંતુ એ સુનિશ્ચિત કરવા માટે છે કે “આપણે આ દુનિયામાં કોઈના પણ હુકમ નીચે રહેવા માંગતા નથી, તે જ સાચી આઝાદી છે.”
આજે અગાઉ, આઈએનએસ ઉત્ક્રોશ (INS Utkrosh), શ્રી વિજય પુરમ ખાતે પહોંચવા પર, શ્રી સી. પી. રાધાકૃષ્ણનનું અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના ઉપરાજ્યપાલ એડમિરલ દેવેન્દ્ર કુમાર જોશી (નિવૃત્ત), વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
શ્રી સી. પી. રાધાકૃષ્ણન અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના બે દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ 'હર ઘર તિરંગા' ની શરૂઆત સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડની મુલાકાત લેશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2296680)
મુલાકાતી સંખ્યા : 62