વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
જિનીવામાં WTO ખાતે ભારતની આઠમી વેપાર નીતિ સમીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ
વાણિજ્ય સચિવે ખુલ્લી, પારદર્શક અને WTO-સુસંગત વેપાર વ્યવસ્થા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
ભારતના આર્થિક પરિવર્તનમાં વૈશ્વિક સ્તરે ભારે રસ દર્શાવતા, ભારતના ટ્રેડ પોલિસી રિવ્યુમાં 68 WTO સભ્યોએ ભાગ લીધો
प्रविष्टि तिथि:
23 JUL 2026 8:49PM by PIB Ahmedabad
જિનીવામા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) ખાતે ભારતની આઠમી ટ્રેડ પોલિસી રિવ્યુ (TPR) નું બીજું અને અંતિમ સત્ર આજે પૂર્ણ થયું હતું. ટ્રેડ પોલિસી રિવ્યુ એ WTOની એક સક્ષમ પારદર્શિતા અને મોનિટરિંગ સિસ્ટમ છે જે હેઠળ સભ્યોની વેપાર અને સંબંધિત નીતિઓની સમયાંતરે તપાસ કરવામાં આવે છે જેથી પારદર્શિતા વધારી શકાય, WTOના નિયમોનું પાલન મજબૂત કરી શકાય અને સભ્યો વચ્ચે રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપી શકાય.
આઠમી ટ્રેડ પોલિસી રિવ્યુ માટેના ભારતીય સત્તાવાર પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ શ્રી રાજેશ અગ્રવાલે કર્યું હતું. WTO સભ્યોને તેમના સમાપન પ્રવચનમાં, વાણિજ્ય સચિવે સભ્યોની સક્રિય ભાગીદારી અને ભારતની વેપાર નીતિઓમાં દર્શાવેલા ભારે રસ બદલ આભાર માન્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સુધારો એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ખુલ્લી, પારદર્શક તથા અનુમાનિત વેપાર અને રોકાણ વ્યવસ્થા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે ભારતના ટેરિફ સુધારા, કસ્ટમ્સ સરળતાના પગલાં અને મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર (FTA) વ્યૂહરચનાએ સ્થાનિક વિકાસના ઉદ્દેશ્યોને ટેકો આપવાની સાથે વૈશ્વિક અર્થતંત્ર સાથે દેશના સંકલનને સતત મજબૂત બનાવ્યું છે. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક માંગનું એક મુખ્ય એન્જિન બની રહ્યું છે.
સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો જવાબ આપતા, વાણિજ્ય સચિવે જણાવ્યું કે, ભારતની વેપાર નીતિઓ મોટી વિકાસશીલ અર્થવ્યવસ્થાની વિકાસ જરૂરિયાતોને સંતુલિત કરતી વખતે WTO-સુસંગત સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનું કૃષિ ટેરિફ માળખું કરોડો નાના, ઓછી આવક ધરાવતા અને સંસાધન-વિહોણા ખેડૂતોની રોજગારીનું રક્ષણ કરવા માટે, નિષ્પક્ષતા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે, જ્યારે ઔદ્યોગિક ટેરિફ વિકસતી વૈશ્વિક આર્થિક સ્થિતિમાં સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા, વૈવિધ્યકરણ અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને ટેકો આપે છે.
સમીક્ષા દરમિયાન, ભારતને 44 WTO સભ્યો તરફથી 1,094 લેખિત પ્રશ્નો મળ્યા હતા. 21 અને 23 જુલાઈ 2026 ના રોજ યોજાયેલા બે સમીક્ષા સત્રો દરમિયાન, 68 WTO સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જે ભારતના આર્થિક પરિવર્તન અને બહુપક્ષીય વેપાર પ્રણાલીમાં તેની ભૂમિકામાં વધતા વૈશ્વિક રસને પ્રતિબિંબિત કરે છે. કેટલાક સભ્યોએ ભારત સાથેના તેમના વેપાર અને આર્થિક સંબંધોના મૂલ્યને યાદ કર્યું હતું અને બહુપક્ષીય વેપાર પ્રણાલીમાં ભારતના રચનાત્મક જોડાણ અને તેની મજબૂત આર્થિક સ્થિતિસ્થાપકતાની વ્યાપકપણે પ્રશંસા કરી હતી. સભ્યોએ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કસ્ટમ્સ અને ટ્રેડ ફેસિલિટેશન આધુનિકીકરણ, નવીનતા અને સ્ટાર્ટઅપ પહેલો, પ્રાદેશિક વેપાર કરારોનો વિસ્તાર અને MSMEs ને વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં સંકલિત કરવાના પ્રયાસોમાં ભારતની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ફિશરીઝ સબસીડી પરના WTO કરારના ભારતના સ્વીકારને પણ આવકાર્યો હતો.
સેનિટરી અને ફાઇટોસેનિટરી પગલાં, ટેકનિકલ નિયમો અને ટ્રેડ રેમેડીઝ પર, વાણિજ્ય સચિવે પારદર્શિતા, સ્ટેકહોલ્ડર ચર્ચા-વિચારણા અને WTO નિયમોના પાલન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સનો હેતુ કાયદેસરના જાહેર નીતિના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાનો છે, જ્યારે ટ્રેડ રેમેડી તપાસ પારદર્શક રીતે, ઉદ્દેશ્યપૂર્ણ પુરાવા, યોગ્ય પ્રક્રિયા અને ન્યાયિક દેખરેખના આધારે કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના ટ્રેડ રેમેડી પગલાંનું એકંદર વેપાર કવરેજ મર્યાદિત રહે છે અને ભારત તેના એન્ટી-ડમ્પિંગ માળખામાં લેસર ડ્યુટી રુલ લાગુ કરવાનું ચાલુ રાખે છે.
વાણિજ્ય સચિવે સતત વિકાસ, મહિલા સશક્તિકરણ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બૌદ્ધિક સંપદા સુધારા, સેવાઓનો વેપાર, રોકાણ સુવિધા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટેના ભારતના સતત પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમાવેશી અને નવીનતા-સંચાલિત વિકાસ મોડેલ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારતા નાણાકીય સમાવેશન, ડિજિટલ વાણિજ્ય, લોજિસ્ટિક્સ આધુનિકીકરણ અને પર્યાવરણીય સ્થિરતામાં ભારતની નોંધપાત્ર પ્રગતિની નોંધ લીધી હતી.
WTO સુધારા અંગે, વાણિજ્ય સચિવે ખુલ્લી, સમાવેશી, પારદર્શક અને નિયમો-આધારિત બહુપક્ષીય વેપાર પ્રણાલી પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે WTO સુધારા વિકાસ-લક્ષી રહેવા જોઈએ, વિકાસશીલ દેશો માટે નીતિગત અવકાશ જાળવી રાખવો જોઈએ, સંસ્થાની વિશ્વસનીયતા મજબૂત કરવી જોઈએ અને જનાદેશો પૂરા કરવા જોઈએ. WTOના પાયાના સિદ્ધાંતોને જાળવી રાખીને બહુપક્ષીય વેપાર પ્રણાલીને મજબૂત કરવા માટે તમામ સભ્યો સાથે રચનાત્મક રીતે જોડાવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
વાણિજ્ય સચિવે ભારતની આઠમી વેપાર નીતિ સમીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખાસ કરીને ટ્રેડ પોલિસી રિવ્યૂ બોડીના અધ્યક્ષ સમોઆના રાજદૂત નેલા પેપે તવીતા-લેવી અને ચર્ચાકર્તા તરીકે બ્રાઝિલના રાજદૂત ગુલ્હેર્મે ડી અગુઈઆર પેટ્રિઓટાના નેતૃત્વ અને મૂલ્યવાન યોગદાનની પ્રશંસા કરી હતી. ઉપરાંત, તેમણે WTO સચિવાલય, WTOના સભ્ય દેશો તેમજ જિનીવા અને નવી દિલ્હીમાં કાર્યરત ભારતીય ટીમોના સમર્પિત પ્રયાસો બદલ પણ આભાર માન્યો હતો, જેના કારણે ભારતની આઠમી વેપાર નીતિ સમીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી.
સમીક્ષાનું સમાપન કરતા, વાણિજ્ય સચિવે WTOમાં પારદર્શિતા, સંવાદ અને રચનાત્મક જોડાણ પ્રત્યે ભારતની અવિરત પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારી હતી. "વસુધૈવ કુટુંબકમ"—વિશ્વ એક પરિવાસર છે—ના ભારતીય દર્શનને યાદ કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત બહુપક્ષીય વેપાર પ્રણાલીને મજબૂત કરવા માટે તમામ સભ્યો સાથે કામ કરવાનું ચાલુ રાખશે જેથી આંતરરાષ્ટ્રીય વેપાર સામુહિક સમૃદ્ધિ, સમાવેશી વિકાસ અને સતત વિકાસ માટે એક બળ બની રહે.
તેમના સમાપન વક્તવ્યમાં, ચર્ચાકાર, મહામહિમ શ્રી ગુઇલહર્મે ડી અગુઇઆર પેટ્રિઓટા (બ્રાઝિલ, તેમના વ્યક્તિગત હોદ્દા પર), નોંધ્યું હતું કે વધતી વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે, ઘણા સભ્યોએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે ભારત સંવાદને પ્રોત્સાહન આપીને, સર્વસંમતિ સાધીને અને નિયમ-આધારિત, સમાવેશી તથા સ્થિતિસ્થાપક બહુપક્ષીય વેપાર પ્રણાલીને મજબૂત કરીને સેતુ-નિર્માતા (બ્રિજ-બિલ્ડર) તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખશે. તેમણે ગ્લોબલ સાઉથના અગ્રણી અવાજ તરીકે ભારતની અનન્ય સ્થિતિ અને WTO ની અંદર સામૂહિક કાર્યવાહીને આગળ વધારવા માટે સભ્યો વચ્ચેના મતભેદો દૂર કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
તેમના સમાપન વક્તવ્યમાં, ટ્રેડ પોલિસી રિવ્યુ બોડીના અધ્યક્ષ, સમોઆના એમ્બેસેડર નેલ્લા પેપે તાબિતા-લેવીએ નોંધ્યું હતું કે WTO સભ્યોએ વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના વધતા મહત્વને વ્યાપકપણે સ્વીકાર્યું છે અને વૈશ્વિક વિકાસ અને વેપારના ચાલક બળ તરીકે તેની વિસ્તરતી ભૂમિકાને માન્યતા આપી છે. તેમણે સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભારત તેનો યોગ્ય રીતે ઉકેલ લાવશે.
એકંદરે, ભારતની આઠમી ટ્રેડ પોલિસી રિવ્યુ હકારાત્મક નોંધ પર પૂર્ણ થઈ હતી, જે બહુપક્ષીય વેપાર પ્રણાલીમાં દેશના વધતા મહત્વને અને નિયમ-આધારિત વૈશ્વિક વેપાર પ્રણાલીના ભવિષ્યને મજબૂત કરવા અને આકાર આપવામાં ભારત કેન્દ્રીય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે તેવી સભ્યોની અપેક્ષાને રેખાંકિત કરે છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2288654)
आगंतुक पटल : 22