રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નોર્થ મેસેડોનિયાની એસેમ્બલીને સંબોધિત કરી
આપણા સંસદસભ્યો વચ્ચેનો સંપર્ક સંસ્થાકીય વિશ્વાસનું નિર્માણ કરે છે જે રાજકીય ચક્રથી પર રહીને ટકી રહે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભારત દ્વિપક્ષીય રીતે અને વ્યાપક ક્ષેત્રમાં તેની ભાગીદારી વધારવા માટે કટિબદ્ધ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
प्रविष्टि तिथि:
21 JUL 2026 8:53PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (21 જુલાઈ, 2026) નોર્થ મેસેડોનિયાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ગોરડાના સિલ્જાનોવસ્કા-દાવકોવા ની હાજરીમાં સ્કોપજે ખાતે નોર્થ મેસેડોનિયાની એસેમ્બલીના સભ્યોને સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અમે ભારતમાં નોર્થ મેસેડોનિયા પ્રજાસત્તાકને કોઈ દૂરના દેશ તરીકે નહીં પરંતુ સ્થિર, બહુધ્રુવીય અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્યના માળખામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જોઈએ છીએ. આપણા સંબંધો બે સહસ્ત્રાબ્દી (બે હજાર વર્ષ) કરતાં પણ વધુ સમય પહેલા શરૂ થયા હતા. આ ક્ષેત્રના યોદ્ધાઓ અને વેપારીઓના ઐતિહાસિક અભિયાનોએ વેપાર, તત્વજ્ઞાન અને કળા માટે મહત્વપૂર્ણ કોરિડોર ખોલ્યા હતા, જેણે આપણી પ્રારંભિક સંસ્કૃતિઓને જોડી હતી.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે લોકશાહી એ માત્ર શાસન પ્રણાલી નથી; તે વિશ્વાસનો એક સહિયારો આધાર છે જે ભારત અને નોર્થ મેસેડોનિયાને જોડે છે. આપણી સંસદો આપણા લોકોની સ્વતંત્રતાની રક્ષક, આપણા કાયદાઓની ઘડવૈયા અને આપણા રાષ્ટ્રીય વિવેકનો અરીસો છે. આ જ કારણ છે કે સંસદીય મુત્સદ્દીગીરી મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે આપણા સંસદસભ્યો વચ્ચેનો સંપર્ક સંસ્થાકીય વિશ્વાસનું નિર્માણ કરે છે જે રાજકીય ચક્રથી પર રહીને ટકી રહે છે. તેમણે યુવા ધારાસભ્યો/સંસદસભ્યોને નવી દિલ્હી અને સ્કોપજે વચ્ચે પ્રવાસ કરવા તેમજ સંસદીય પદ્ધતિઓ અને જાહેર નીતિ નિર્માણમાં શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવા વિનંતી કરી હતી.
રાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું કે ભૌગોલિક રાજકીય અને આર્થિક કેન્દ્રોનું ગુરુત્વાકર્ષણ બદલાઈ રહ્યું છે. આ નવા યુગમાં, ભારત દક્ષિણ-પૂર્વ યુરોપને કિનારે રહેલા ક્ષેત્ર તરીકે નહીં પરંતુ વિકાસ અને નવીનતાના એક ગતિશીલ ક્ષેત્ર તરીકે જુએ છે. તેમણે કહ્યું કે નોર્થ મેસેડોનિયા આ પરિવર્તનના ચોકડી (ક્રોસરોડ્સ) પર સ્થિત છે. તે ભૂમધ્ય સમુદ્રને મધ્ય યુરોપ સાથે અને પૂર્વને પશ્ચિમ સાથે જોડતો એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ઉભરતી વેપાર અને રોકાણની તકો સહિત દ્વિપક્ષીય રીતે અને વ્યાપક ક્ષેત્રમાં તેની ભાગીદારી વધારવા માટે કટિબદ્ધ છે.

રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર એકલવાયા રહીને સમૃદ્ધ થઈ શકે નહીં. તેમણે એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે ભારતની પ્રાચીન સાંસ્કૃતિક વિચારધારા પ્રાચીન સૂત્ર - 'વસુધૈવ કુટુંબકમ' - વિશ્વ એક પરિવાર છે, તેમાં રહેલી છે. જ્યારે વૈશ્વિક પરિદ્રશ્ય સંઘર્ષ અને આર્થિક વિભાજનથી વિભાજિત થાય છે, ત્યારે આ વિચારધારા દીવાલો નહીં પણ પુલ બનાવવાનું આહ્વાન કરે છે. તેમણે જણાવ્યું હતું કે ઇતિહાસમાં જોડાયેલા અને આવતીકાલના વિઝનથી પ્રેરિત બે લોકશાહી રાષ્ટ્રો તરીકે સાથે મળીને, આપણે એક એવો માર્ગ કંડારવો જોઈએ જે આપણા લોકો માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે.
આ પ્રસંગે ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા તેમજ સંસદસભ્યો ડૉ. દિનેશ શર્મા અને શ્રી વિજય બઘેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો
SM/JY/JD
(रिलीज़ आईडी: 2287464)
आगंतुक पटल : 10