વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત–સ્પેન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠકો સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલની સ્પેન મુલાકાતનો પ્રારંભ


શ્રી પીયૂષ ગોયલ અને સ્પેનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિએ વેપાર, રોકાણ અને નવીનતાના સહયોગને વિસ્તારવા અંગે ચર્ચા કરી

શ્રી પીયૂષ ગોયલે ઉત્પાદન અને નવીનતા ભાગીદારીને આગળ વધારવા માટે સ્પેનના ઉદ્યોગ મંત્રી સાથે વાટાઘાટો કરી

ભારત–સ્પેન બિઝનેસ ફોરમમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને ઔદ્યોગિક સહયોગને વેગ આપવા માટે નવી તકો પર ચર્ચા કરવામાં આવી

प्रविष्टि तिथि: 14 JUL 2026 10:48AM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ભારત-સ્પેન આર્થિક ભાગીદારીને ગાઢ બનાવવા અને વેપાર, રોકાણ, નવીનતા તથા ઉદ્યોગમાં સહયોગ વિસ્તારવાના ઉદ્દેશ્ય સાથે 13 જુલાઈ 2026ના રોજ ઉચ્ચ સ્તરીય બેઠકોની શ્રેણી સાથે તેમની સત્તાવાર મુલાકાતના સ્પેન તબક્કાની શરૂઆત કરી હતી. આ મુલાકાત દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા અને અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધવા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. બંને દેશો રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને 'ભારત-સ્પેન સંસ્કૃતિ, પ્રવાસન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વિ-વર્ષ 2026'ની ઉજવણી કરી રહ્યા હોવાથી આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે.

દિવસ દરમિયાન, મંત્રીશ્રીએ સ્પેન સરકારના વરિષ્ઠ સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકો યોજી હતી, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણ પ્રોત્સાહન એજન્સીઓ સાથે મુલાકાત કરી હતી, ભારત-સ્પેન બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું અને આર્થિક સહયોગને આગળ વધારવા, વ્યાપક ઔદ્યોગિક ભાગીદારીની સુવિધા આપવા તથા વૈશ્વિક રોકાણકારો માટે ભારતની વધતી જતી તકોને પ્રદર્શિત કરવા માટે ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.

શ્રી ગોયલે સ્પેન સરકારના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને અર્થતંત્ર, વેપાર અને વ્યવસાય મંત્રી મહામહિમ શ્રી કાર્લોસ કુએર્પો કેબલેરો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત કરવા, વ્યાપારી સહયોગ વધારવા, નવીનતા-સંચાલિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને આર્થિક સહયોગ માટે નવા ક્ષેત્રોની ઓળખ કરવા અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચા બજાર સુધીની પહોંચ સુધારવા, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈન બનાવવા અને બંને દેશો વચ્ચે વ્યાપારી ભાગીદારીના વિસ્તરણ પર કેન્દ્રિત હતી, જેમાં ખાસ કરીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે ભારત-ઈયુ મુક્ત વેપાર કરાર પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને વ્યાપારી સંબંધોને ગાઢ બનાવવા તથા સ્પેન સાથે ભારતના વ્યાપારી જોડાણને વિસ્તારવાના માર્ગો શોધ્યા હતા. બંને પક્ષો નવા રોકાણોની સુવિધા આપવા અને વ્યાપારી આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે 'ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ'નો પૂર્ણ ઉપયોગ કરવા સંમત થયા હતા, અને આ વર્ષના અંતમાં આર્થિક સહયોગ પર ભારત-સ્પેન સંયુક્ત આયોગના આગામી સત્રના આયોજનની આશા વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ સ્પેનના ઉદ્યોગ અને પ્રવાસન મંત્રી મહામહિમ શ્રી જોર્ડી હેરિયુ બોહર સાથે પણ મુલાકાત કરી હતી. ચર્ચાનો મુખ્ય વિષય ઔદ્યોગિક સહયોગ વધારવા, ટકાઉ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, ટેક્નોલોજી ભાગીદારીને ટેકો આપવા અને સ્વચ્છ ઊર્જા, ગતિશીલતા, અદ્યતન ઉત્પાદન અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર કેન્દ્રિત હતો. બંને પક્ષોએ ઓટોમોટિવ, રેલવે અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વિસ્તારવા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે "મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ ઔદ્યોગિક સહયોગના એક અગ્રણી ઉદાહરણ તરીકે 'C-295 પ્રોગ્રામ'ને આવકાર્યો હતો. બંને મંત્રીઓએ પ્રવાસનને સહિયારી અગ્રતા તરીકે રેખાંકિત કર્યું હતું, જેમાં વર્ષ 2026 'ભારત-સ્પેન સંસ્કૃતિ, પ્રવાસન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ' તરીકે ચિહ્નિત થયેલ છે, જે એક એવી ભાગીદારી દર્શાવે છે જે બંને દેશોના અર્થતંત્રો અને લોકોને વધુ નજીક લાવવાનું ચાલુ રાખે છે. બંને પક્ષોએ ઉદ્યોગ-થી-ઉદ્યોગ જોડાણને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુર્નોચ્ચાર કર્યો હતો.

આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ભારત-સ્પેન બિઝનેસ ફોરમ હતું, જેનું સંયુક્ત આયોજન ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI), સ્પેનની ચેમ્બર ઑફ કોમર્સ, સ્પેનિશ કોન્ફેડરેશન ઑફ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન્સ (CEOE) અને ICEX સ્પેન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફોરમે આર્થિક સહયોગના નવા માર્ગો શોધવા માટે બંને દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓને એક મંચ પર એકત્રિત કર્યા હતા.

ફોરમની શરૂઆત સ્પેનની ચેમ્બર ઓફ કોમર્સના સીઈઓ સુશ્રી ઈન્માકુલાડા રિએરા; CEOE ની ઇન્ટરનેશનલ રિલેશન્સ કમિટીના પ્રમુખ સુશ્રી માર્ટા બ્લેન્કો; FICCIના પ્રમુખ શ્રી અનંત ગોએન્કા; કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના પ્રમુખ શ્રી આર. મુકુંદન; અને સ્પેન તથા એન્ડોરામાં ભારતના રાજદૂત મહામહિમ શ્રી જયંત એન. ખોબ્રાગડેના સ્વાગત પ્રવચનથી થઈ હતી.

મુખ્ય સત્રમાં સ્પેન સરકારના ઉદ્યોગ રાજ્ય સચિવ શ્રી જોર્ડી ગાર્સિયા બ્રુસ્ટેંગા અને શ્રી પીયૂષ ગોયલે સંબોધન કર્યું હતું. શ્રી ગોયલે સ્પેનના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપાર ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથેની ચર્ચા દરમિયાન ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ, પ્રગતિશીલ સુધારાઓ અને રોકાણ માટે ઉપલબ્ધ વિશાળ તકોને ઉજાગર કરી હતી. તેમણે સ્પેનની કંપનીઓને ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવા તેમજ ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનીકરણીય ઊર્જા, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ ટેક્નોલોજી, ડિજિટલ અર્થવ્યવસ્થા અને નવીનતા જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતની વિકાસયાત્રામાં સક્રિય ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.

મુખ્ય સંબોધનો બાદ પ્રશ્નોત્તરીનું ઇન્ટરેક્ટિવ સત્ર અને નેટવર્કિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેણે બંને દેશોના વ્યાપારી અગ્રણીઓને વ્યાપારી ભાગીદારી અને રોકાણની તકોના વિસ્તરણ અંગે વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડી હતી.

શ્રી ગોયલે સ્પેનની વેપાર અને રોકાણ પ્રોત્સાહન એજન્સી, 'ICEX એસ્પાના એક્સપોર્ટેશન ઇ ઇન્વર્સિયોનેસ'ના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી, જેમાં દ્વિપક્ષીય રોકાણ પ્રવાહને મજબૂત કરવા, વ્યવસાયિક જોડાણોની સુવિધા આપવા અને ભારતની વિકાસ યાત્રામાં સ્પેનિશ સાહસોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા રોકાણ ભાગીદારી, ટેક્નોલોજી સહયોગને પ્રોત્સાહન આપવા અને બંને દેશોના વ્યવસાયોને ટેકો આપવા પર કેન્દ્રિત હતી.

દિવસના કાર્યક્રમના અંતે, શ્રી ગોયલે FICCIની આગેવાની હેઠળના ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ બેઠક દરમિયાન, તેમણે ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે મુલાકાત દરમિયાન ઓળખવામાં આવેલી તકો અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને આગામી વર્ષોમાં સ્પેન સાથે વધુ ભારતીય રોકાણ અને વ્યવસાયિક ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાતે ઉન્નત વેપાર, રોકાણ, ઔદ્યોગિક સહયોગ, નવીનતા અને લોકો વચ્ચેના પરસ્પર આદાનપ્રદાન દ્વારા ભારત અને સ્પેન વચ્ચેની વ્યૂહાત્મક આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી. બંને દેશો વચ્ચેની મજબૂત રાજકીય સમજણના આધારે, બંને પક્ષોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મુલાકાતના પરિણામો દ્વિપક્ષીય આર્થિક સહયોગના વિસ્તરણમાં અને વ્યવસાયો તથા રોકાણકારો માટે નવી તકો ઊભી કરવામાં યોગદાન આપશે.

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284363) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi