નાણા મંત્રાલય
મોટા પાયે આચરવામાં આવેલા સાયબર ફ્રોડ અંગેના FIU-IND ના કેસને બાકુ, અઝરબૈજાન ખાતે એગમોન્ટ ગ્રુપ પ્લેનરી દરમિયાન બેસ્ટ એગમોન્ટ કેસ એવોર્ડ (BECA) 2026માં રનર્સ-અપ તરીકે માન્યતા મળી
FIU-INDએ આશરે ₹868 કરોડના સાયબર ફ્રોડની કમાણી, 5,000 થી વધુ મ્યુલ બેંક ખાતાઓ અને બહુવિધ અધિકારક્ષેત્રોમાં ફેલાયેલા જટિલ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા અત્યાધુનિક મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો
प्रविष्टि तिथि:
10 JUL 2026 6:46PM by PIB Ahmedabad
ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND) એ મોટા પાયે આચરવામાં આવેલા સાયબર ફ્રોડ સંબંધિત તેના કેસ સાથે વધુ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. FIU-IND ના ડાયરેક્ટર શ્રી અમિત મોહન ગોવિલના ગતિશીલ નેતૃત્વ હેઠળ બાકુ, અઝરબૈજાન ખાતે યોજાયેલી એગમોન્ટ ગ્રુપ પ્લેનરી દરમિયાન પ્રતિષ્ઠિત 'બેસ્ટ એગમોન્ટ કેસ એવોર્ડ' (BECA) 2026માં આ કેસે રનર-અપ સ્થાન મેળવ્યું છે.

બેસ્ટ એગમોન્ટ કેસ એવોર્ડ એ એગમોન્ટ ગ્રુપમાં સર્વોચ્ચ માન્યતાઓમાંથી એક છે, જે નાણાકીય ગુપ્તચર માહિતી, આંતરરાષ્ટ્રીય સહયોગ અને મની લોન્ડરિંગ તેમજ આતંકવાદી ધિરાણ સામે લડવામાં ઉત્કૃષ્ટ પ્રદાન દર્શાવતા અસાધારણ ઓપરેશનલ કેસોને બિરદાવે છે. એગમોન્ટ ગ્રુપના 182 સભ્ય અધિકારક્ષેત્રો તરફથી સબમિટ કરાયેલા કેસોમાંથી પ્લેનરીમાં રનર-અપ તરીકે જાહેર કરવામાં આવ્યા પહેલાં, FIU-IND ના કેસને માત્ર બે ફાઇનલિસ્ટ કેસોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
આ કેસની શરૂઆત ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મોટા પાયે થયેલા સાયબર ફ્રોડ અંગે શેર કરવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે થઈ હતી. ત્યારબાદ FIU-IND દ્વારા કરવામાં આવેલા નાણાકીય ગુપ્તચર વિશ્લેષણમાં એક અત્યાધુનિક મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ થયો હતો, જેમાં આશરે ₹868 કરોડની સાયબર છેતરપિંડીની કમાણી, 5,000 થી વધુ મ્યુલ બેંક ખાતાઓ અને બહુવિધ દેશોમાં ફેલાયેલા જટિલ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન્સ સામેલ હતા.
આ તપાસમાં એગમોન્ટ સિક્યોર વેબ (ESW) દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદર્શિત થઈ હતી, જેમાં FIU-IND એ સરહદ પારના ક્રિપ્ટોકરન્સી વ્યવહારોને ટ્રેસ કરવા અને વૈશ્વિક મની લોન્ડરિંગના માર્ગને ઓળખવા માટે બહુવિધ સમકક્ષ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ્સ સાથે નાણાકીય ગુપ્ત માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. આ સમયસર ગુપ્ત માહિતી શેર કરવાથી તપાસ ખૂબ જ મજબૂત બની હતી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓનો સામનો કરવામાં વૈશ્વિક સહયોગના મહત્વ પર પ્રકાશ પડ્યો હતો.
FIU-IND ના ઓપરેશનલ એનાલિસિસ રિપોર્ટના આધારે, પ્રવર્તન નિર્દેશાલય (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - ED) એ વ્યાપક અમલીકરણ કાર્યવાહી શરૂ કરી, જેમાં 13 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ₹47 લાખની રોકડ અને આશરે ₹13.6 કરોડની કિંમતની ક્રિપ્ટોકરન્સી (USDT) જપ્ત કરવામાં આવી, ₹8.67 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી (એટેચ કરવામાં આવી), અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ બે પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ્સ (પ્રાથમિક ફરિયાદો) દાખલ કરવામાં આવી.
આ આંતરરાષ્ટ્રીય માન્યતા નાણાકીય ગુપ્તચર ક્ષેત્રે ભારતના વધતા જતા નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે અને અદ્યતન ઓપરેશનલ વિશ્લેષણ, મજબૂત સ્થાનિક સંકલન અને અસરકારક આંતરરાષ્ટ્રીય ગુપ્ત માહિતીના આદાનપ્રદાન દ્વારા દેશના એન્ટી-મની લોન્ડરિંગ અને કાઉન્ટર ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ (AML/CFT) ફ્રેમવર્કને મજબૂત કરવા માટેની FIU-IND ની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2283460)
आगंतुक पटल : 8