પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી
પોસ્ટેડ ઓન:
07 JUL 2026 5:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી હતી. ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરનારા તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. "વસુધૈવ કુટુંબકમ્" અને "ભિનેકા તુંગલ ઇકા" (વિવિધતામાં એકતા - Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.
ભારતની વિકાસ યાત્રા અને 'વિકસિત ભારત 2047' ના વિઝન તથા 'ગોલ્ડન ઇન્ડોનેશિયા 2045' વચ્ચેના પરસ્પર સંકલન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ વ્યાપાર, રોકાણ, કનેક્ટિવિટી, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ ગાઢ સહયોગ માટે આહ્વાન કર્યું હતું. તેમણે ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા તેમજ મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક પ્રદેશ માટે ઇન્ડોનેશિયા સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોને અનુરૂપ, પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય જોડાણ માટે 'ગંગા-મહાકામ વિઝન' ના આધારે ભારત-ઇન્ડોનેશિયા સંબંધોમાં એક નવી શરૂઆત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ અભિગમના ભાગરૂપે, તેમણે નોંધ્યું હતું કે બંને દેશોએ પોતાના સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત બનાવવું જોઈએ; પોતાના વિકાસના માર્ગો એકબીજા સાથે શેર કરવા જોઈએ; સુરક્ષા અને વ્યૂહાત્મક વિશ્વાસ મજબૂત કરવો જોઈએ; દરિયાઈ સમૃદ્ધિ માટે કામ કરવું જોઈએ; અને ગ્લોબલ સાઉથના અવાજને બુલંદ કરવો જોઈએ.
આ સંબોધને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક સંબંધો અને સહિયારા લોકતાંત્રિક મૂલ્યોને રેખાંકિત કર્યા હતા અને બંને દેશોની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2282132)
મુલાકાતી સંખ્યા : 64
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam