પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત

प्रविष्टि तिथि: 03 JUL 2026 8:42PM by PIB Ahmedabad

રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ, 2026 દરમિયાન ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત હશે અને મે 2018માં ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર આવ્યા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. જકાર્તામાં, પ્રધાનમંત્રી ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ મેળાવડાને સંબોધિત કરશે. ભારત અને ઇન્ડોનેશિયા ઐતિહાસિક અને સૌહાર્દપૂર્ણ પરસ્પર લોક-સંબંધો ધરાવે છે. આ ખાસ સંબંધોને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયામાં યુનેસ્કો (UNESCO) ની અગ્રણી વિશ્વ ધરોહર સાઇટ એવા યોગ્યાકાર્તા ખાતેના પ્રમ્બનન મંદિર પરિસરની મુલાકાત લેશે.

ઇન્ડોનેશિયાથી, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય એન્થોની અલ્બેનીઝ એમપીના આમંત્રણ પર, પ્રધાનમંત્રી 8-10 જુલાઈ, 2026 દરમિયાન મેલબોર્નની યાત્રા કરશે. મેલબોર્નમાં, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. તેઓ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ માનનીય સુશ્રી સેમ મોસ્ટિન એસી સાથે પણ મુલાકાત કરશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના વ્યાપારી અગ્રણીઓના મેળાવડાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ મેળાવડાને પણ સંબોધિત કરશે, જેઓ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોના એક મજબૂત સ્તંભ સમાન છે.

મેલબોર્નથી, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી રાઇટ ઓનરેબલ ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર, પ્રધાનમંત્રી 10-11 જુલાઈ, 2026 દરમિયાન સ્ટેટ વિઝિટ (રાજકીય મુલાકાત) માટે ઓકલેન્ડ જશે. છેલ્લા ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ન્યુઝીલેન્ડની આ પ્રથમ સ્ટેટ વિઝિટ હશે. ઓકલેન્ડમાં, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે, જેમાં છેલ્લા બે વર્ષમાં ખાસ કરીને વેપાર-વાણિજ્ય અને સંરક્ષણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. ઓકલેન્ડમાં હોવા દરમિયાન, પ્રધાનમંત્રી અગ્રણી વ્યાપારી અને રમતગમતની હસ્તીઓ સાથે પણ વાતચીત કરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અસ્તિત્વ ધરાવતા મજબૂત પરસ્પર લોક-સંબંધોના પ્રતિબિંબરૂપે, પ્રધાનમંત્રી મુલાકાત દરમિયાન ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ મેળાવડાને સંબોધિત કરશે.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2280925) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Tamil , Telugu , Malayalam